રૅચેટ (ratchet) : સવિરામ (intermittent) પરિભ્રામી (rotary) ગતિ અથવા શાફ્ટની એક જ દિશામાં (પણ વિરુદ્ધ દિશામાં નિષેધ) ગતિનું સંચારણ કરતું યાંત્રિક સાધન. સાદા રૅચેટની યાંત્રિક રચના (mechanism) આકૃતિમાં દર્શાવવામાં આવી છે.

રૅચેટની યાંત્રિક રચના

આકૃતિમાં દર્શાવ્યા મુજબ A રૅચેટચક્ર છે, B ઝૂલતું (oscillating) લીવર છે. આ લીવર ઉપર ચાલક પૉલ (pawl) C બેસાડેલું છે. વધારાનું દાંતાવાળું ચક્ર D ચક્ર Aની ઊલટી ગતિ અટકાવવા માટે બેસાડેલું છે. હાથો (arm) B જ્યારે ઘડિયાળના પૉલ કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે C, Bની ગતિને અનુરૂપ ચક્ર A થોડું આગળ જાય છે. જ્યારે હાથો B ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરે ત્યારે પૉલ C દાંતાની ઉપરની દિશામાં જાય છે. જ્યારે ચક્ર A અચળ ચક્ર Dની મદદથી સ્થિર રહે છે. હાથો B ફરી મૂળ દિશામાં ગતિ કરવાનું શરૂ કરે ત્યારે ચક્ર Aને ફરી આગળ ધક્કો મારે છે. દાંતા પિચ ઉપર પ્રત્યગ્ર (backward) ગતિ-આધારિત છે. નાના દાંતાના ઉપયોગથી આ ગતિ ઘટાડી શકાય છે; પણ આમ કરવાથી દાંતાનું પ્રાબલ્ય (strength) ઘટે છે. વ્હીલ અને પૉલની સંપર્ક-સપાટીનો ઝોક (inclination) એટલો હોવો જરૂરી છે કે જેથી તેઓ દબાણ હેઠળ જુદાં ન થઈ જાય. આને માટે બિંદુ N આગળ દોરેલો સામાન્ય લંબ (common normal) પૉલ અને રૅચેટ વ્હીલના કેન્દ્રની વચ્ચેથી પસાર થવો જરૂરી છે. જો આ સ્થિતિ ન હોય તો પૉલ વ્હીલના સંપર્કથી બળ લાગતાં દૂર થઈ જશે. કેટલીક રચનામાં, પૉલને સ્પ્રિંગની મદદથી ચક્રના દાંતા પર ચુસ્ત રાખવામાં આવે છે.

આ જાતની યાંત્રિક રચનાનો ઉપયોગ રૅચેટ ડ્રિલ, વજન ઊંચકવા માટેનો જૅક, ટાઇપરાઇટર, મશીન ટૂલ્સ વગેરેમાં સારા પ્રમાણમાં થાય છે.

રૅચેટનો કયા પ્રકારનો ઉપયોગ કરવાનો છે તેના આધારે દાંતા-ચક્ર પરની દાંતાની સંખ્યા (Z) નક્કી કરાય છે. સામાન્ય રીતે તે સંખ્યા 8થી 25 સુધીની હોય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ