રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્ર : શરીરમાં પાણી, આયનો તથા લોહીના દબાણને સંતુલિત રાખતું તંત્ર. મૂત્રપિંડમાં ગુચ્છ-સમીપી કોષો (Juxta-glomarular cells)માંથી રેનિન નામનો નત્રલવિલયી (proteolytic) ઉત્સેચક નીકળે છે, જે ઍન્જિયોટેન્સિનોજન નામના દ્રવ્યમાંથી ઍન્જિયોટેન્સિન-I નામનું દ્રવ્ય બનાવે છે. મૂત્રપિંડમાં લોહીનું પરિભ્રમણ ઘટે, નસોમાંનું પ્રવાહી ઘટે, લોહીમાં કેટેકોલ એમાઇન્સ નામનાં દ્રવ્યોનું પ્રમાણ ઘટે, સંવેદી ચેતાતંત્રની ક્રિયાશીલતા વધે, ધમનિકાઓમાં  વધે અથવા લોહીમાં પોટૅશિયમ આયનોનું સ્તર ઘટે ત્યારે રેનિનનું ઉત્પાદન વધે છે. ઍન્જિયોટેન્સિન-ક્ન્વર્ટિંગ એન્ઝાઇમ (ACE) નામના ઉત્સેચકની મદદથી ઍન્જિયોટેન્સિન-I માંથી ઍન્જિયોટેન્સિન-II બને છે. ઍન્જિયોટેન્સિન-II નસોનું સંકોચન કરાવતું પ્રબળ દ્રવ્ય છે અને તે અધિવૃક્ક ગ્રંથિ(adrenal-gland)માંથી આલ્ડૉસ્ટિરોન નામના અંત:સ્રાવનું સ્રવણ કરાવે છે. આ સમગ્ર જૈવરસાયણોના સંકલિત તંત્રને રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્ર કહે છે. આ તંત્ર લોહીનું દબાણ જાળવી રાખવા માટે સક્રિય હોય છે. ACEનો સંકેત ધરાવતા DD જનીન પ્રકારના વૈકલ્પિક જનીનો જે વ્યક્તિમાં હોય તેનામાં લોહીનું દબાણ વધે છે, એવું જોવા મળેલું છે. તેમ છતાં રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્રની લોહીનું દબાણ વધારતા વિકારમાં કોઈ સીધી અસર હોય એવું સ્પષ્ટ નથી. અશ્વેત વ્યક્તિઓમાં થતા લોહીના ઊંચા દબાણ રોગમાં રેનિનનું સ્તર ઓછું રહે છે અને નસોમાં પાણીનું પ્રમાણ વધુ રહે છે. સામાન્ય સંજોગોમાં રેનિનના સ્તરને સોડિયમના આહાર તથા પેશાબમાંના ઉત્સર્ગ સાથે સાંકળીને તેનું અર્થઘટન કરાય છે. તે રીતે જોતાં અજ્ઞાતમૂલ અતિરુધિરદાબના 10 % દર્દીઓમાં રેનિનનું વધુ પ્રમાણ, 60 % દર્દીઓમાં સામાન્ય પ્રમાણ અને 30 % દર્દીઓમાં ઓછું પ્રમાણ જોવા મળેલું છે. લોહીના ઊંચા દબાણના રોગમાં રેનિનનું પ્રમાણ જાણવાથી કોઈ વિશેષ માહિતી મળતી નથી.

રેનિન સૌપ્રથમ સન 1898માં ટ્રિગરસ્ટેડ અને બર્ગમૅને શોધી કાઢ્યું હતું. બ્રૉન-મેન્ડિન્ડિઝે (આર્જેન્ટીના) તથા મેજ અને હેલ્મરે (અમેરિકા) ઍન્જિયોટેન્સિન શોધ્યું (1940). ACEને શ્વિઝર અને બુમ્પસે 1957માં અલગ પાડી બતાવ્યું. સન 1958માં ગ્રૉસે રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્ર અને  સંબંધ શોધી બતાવ્યો. સમગ્ર તંત્ર લોહીનું દબાણ કેવી રીતે જાળવી રાખે છે તે દર્શાવતી સંકલ્પના આકૃતિમાં દર્શાવી છે. ACEનું અવદમન કરતાં રસાયણો હાલ લોહીનું દબાણ વધેલું હોય તો તે ઘટાડવા માટેનાં ઔષધો તરીકે વપરાય છે; દા.ત., કેપ્ટોપ્રિલ, એનાલેપ્રિલ, લિસિનોપ્રિલ વગેરે.

રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્ર

જય અરવિંદ ભટ્ટ

શિલીન નં. શુક્લ