રેનિયર પર્વત  : યુ.એસ.ના વૉશિંગ્ટન રાજ્યમાં માઉન્ટ નૅશનલ પાર્કમાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 46° 45´ ઉ. અ. અને 121° 40´ પ. રે.. તે ટેકોમા શહેરથી અગ્નિકોણમાં 64 કિમી.ને અંતરે કાસ્કેડ હારમાળામાં આવેલો છે. તેનું સર્વોચ્ચ શિખર 4,392 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વત આશરે 260 ચોકિમી.ના વિસ્તારને આવરી લે છે.  વિસ્તાર ધરાવતા તેના હિમાચ્છાદિત ભાગમાંથી આશરે 26 જેટલી હિમનદીઓ નીકળે છે, આ પૈકીની 14 હિમનદીઓ મહત્વની છે. આ પર્વતવિસ્તારમાં માઉન્ટ રેનિયર નૅશનલ પાર્ક આવેલો છે. 1899માં તેને તૈયાર કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો છે. અહીંના માઉન્ટ રેનિયર  નૅશનલ પાર્કમાં એક મૃતપ્રાય જ્વાળામુખી પણ છે. તેના ઊંડા ખોતરાઈ ગયેલા ઢોળાવો પરથી કહી શકાય છે કે તે ઘણાં વર્ષો અગાઉ રચાયેલો છે. સંભવત: આજથી 2,000 વર્ષ પહેલાં છેલ્લે છેલ્લે તેનું પ્રસ્ફુટન થયેલું. તે પછીથી તો તે નિષ્ક્રિય રહ્યો છે; તેમ છતાં તેના વિશાળ જ્વાળામુખ(શંકુ)માંથી હજી વાયુઓ તો નીકળ્યા કરે છે; તેથી કેટલાક તેને સુષુપ્ત પણ ગણે છે. આ પર્વતના નીચલા ઢોળાવો શંકુદ્રુમ પ્રકારનાં ગીચ જંગલોથી છવાયેલા છે. પર્વત પર જવા માટેના માર્ગની આજુબાજુ સિડાર અને ફરનાં વૃક્ષો જોવા મળે છે; એટલું જ નહિ, માર્ગની બંને બાજુ પર ઘણાં રમણીય દૃશ્યો પણ છે.

અંગ્રેજ અભિયંતા જ્યૉર્જ વાનકુવરે 1792ના મેની આઠમી તારીખે આ શિખર જોયેલું. તેણે તેના સહયાત્રી નાવિક પીટર રેનિયરના નામ પરથી  પર્વતને ઉપર્યુક્ત નામ આપેલું. હૅઝાર્ડ સ્ટીવન્સે અને પી. બી. વાન ટ્રમ્પે 1870ના ઑગસ્ટની 17મી તારીખે આ પર્વત પર સર્વપ્રથમ સફળ આરોહણ કરેલું. તેની ટોચ પર પહોંચવાનું કામ ઘણું કપરું ગણાય છે, કારણ કે માર્ગમાં રહેલી ઊંડી ફાટો, હિમગુફાઓ અને ભેખડો અવરોધરૂપ નીવડે છે. તેથી આરોહકો તેમજ પ્રવાસીઓ માટે ઢોળાવોની મધ્યમાં 1,650  મીટરની ઊંચાઈએ પૅરેડાઇઝ વૅલી નામક સ્થળે હોટેલ અને આરામગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આરામસ્થળ બે હિમનદીઓની વચ્ચે છે. અહીં આજુબાજુમાં 26 જેટલી હિમનદીઓ આવેલી છે. તે અહીંની ઘણી નાની નાની નદીઓને

રેનિયર પર્વત

જળપુરવઠો પૂરો પાડે છે. વળી તેમની ખીણોમાં ઘણા ધોધ પણ તૈયાર થયેલા છે. હિમનદીઓની ધારે ધારે રંગબેરંગી વન્ય પુષ્પોથી અહીંનાં દૃશ્યો વધુ રમણીય બની રહેલાં છે. આ બધાં કારણોથી આ પર્વત એક મનોરંજન-સ્થળ તરીકે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે. આ પર્વતને ફરતો આશરે 140 કિમી. લંબાઈનો પથ ‘વન્ડરલૅન્ડ ટ્રેઇલ’ એક અઠવાડિયામાં ફરીને પૂરો કરી શકાય છે. આ પર્વતનું સ્થાનિક ઇન્ડિયન નામ માઉન્ટ  છે. વાયવ્ય તરફના ઇન્ડિયનો તેને રેનિયર (અર્થ : ખુદ ઈશ્વરે લીધેલું પર્વતસ્વરૂપ) કહે છે.

ગિરીશભાઈ પંડ્યા