રેનિન : ગુચ્છાસન્ન (juxtaglomerular) કોષોના દેહદ્રવી (humoural) ઉત્તેજન(stimulation)ના પ્રતિભાવરૂપે મૂત્રપિંડ(kidney)માં સ્રવતું પ્રોટીન-ઉત્સેચક. તે પ્રોટીનનું વિખંડન કરીને લોહીના દબાણમાં વધારો કરે છે.

લોહીમાં રેનિન પ્લાવિકા (પ્લાઝ્મા) પ્રોટીન ઉપર આંશિક પ્રભાવ દર્શાવીને તેમાંથી ઍન્જિયોટેન્સિન-I મુક્ત કરે છે. રૂપાંતરક (converting) ઉત્સેચક દ્વારા ઍન્જિયોટેન્સિન(angiotensin)-Iની 10 એમીનો ઍસિડવાળી શૃંખલાનું વિભાજન થવાથી ઍન્જિયોટેન્સિન-II બને છે. આ રીતે બનતો અષ્ટ-પેપ્ટાઇડ (અગાઉ તેને ‘હાઇપરટેન્સિન’ અથવા ‘ઍન્જિયોટોનિન’ કહેતા) રુધિરવાહિનીઓને સંકોચી બંને પ્રકારના (પ્રકુંચન તથા અનુશિથિલન–systolic and diastolic) રુધિરદાબમાં વધારો કરે છે. રેનિન એક ખૂબ જ ક્રિયાશીલ વાહિકા-સંકોચક (vaso-constrictor) તરીકે જાણીતું છે. વજનની સરખામણીએ નૉરઍડ્રિનાલિન કરતાં રેનિન છગણું વધુ શક્તિશાળી છે. અધિવૃક્ક વલ્કુટ (બાહ્યક) (adrenal cortex) ઉપર સીધી અસર કરીને રેનિન કૉર્ટિસોલ (cortisol) તથા આલ્ડૉસ્ટેરોન-(aldosterone)નો સ્રાવ વધારે છે.

મૂત્રપિંડ દ્વારા રેનિન-ઍન્જિયોટેન્સિન પ્રણાલી શરૂ કરવામાં આવે છે. આ પ્રણાલીમાં રુધિરદાબ નીચે જતો થાય કે તુરત જ વૃક્કીય નલાકાર કોષો દ્વારા ઉત્સેચક રેનિન છૂટું પડે છે. રેનિનને લીધે શરીર વધુ ક્ષારો જાળવી શકે છે, જેને પરિણામે વધુ પ્રવાહી શરીરમાં રહી શકે છે. પરિણામે રક્તચાપમાં વધારો થતો જણાય છે.

રેનિન રાસાયણિક દ્રવ્ય ઍન્જિયોટેન્સિનનું ઉત્પાદન વધારવા પ્રેરે છે. એન્જિયોટેન્સિન દ્વારા રુધિરવાહિનીઓ સંકોચાય છે, જેને પરિણામે પણ લોહીનું દબાણ વધે છે. લોહીનું દબાણ એક સ્થિતિએ પહોંચે ત્યારે મૂત્રપિંડ રેનિન બનાવવું બંધ કરી દે છે. કેટલાક માણસોમાં આ પ્રણાલીના કાર્યમાં કોઈક વસ્તુ અવરોધ કરે છે. આવા સંજોગોમાં રુધિરદાબ ઊંચો જ રહે છે, જેને પરિણામે લોહીનું ઊંચું દબાણ ઉદભવે છે.

જ. પો. ત્રિવેદી