રિવેન્જ ટ્રૅજેડી : કરુણાંત નાટકનો એક પ્રકાર. મોટે ભાગે તેમાં વેરની વસૂલાતનું નાટ્યવસ્તુ હોય છે અને બહુધા નાયક કે ખલનાયક પોતાને થયેલા અન્યાયનો બદલો લેતો હોય છે. આ પ્રકારની લોહીતરસી ટ્રૅજેડીનો સૌથી પ્રાચીન નમૂનો તે ઇસ્કિલસકૃત ‘ઑરેસ્ટ્રિયા’. રેનેસાંસ સમયગાળા દરમિયાન બે પ્રકારના નાટ્યશૈલી-પ્રવાહ જોવા મળે છે. પહેલો પ્રવાહ તે ફ્રેન્ચ-સ્પૅનિશ શૈલીનો; તેના લાક્ષણિક નાટ્યકારો તે લૉપ દ વેગા (1562–1635), કૅલડ્રોન (1600–1681) અને કૉર્નિલ (1606–1684). વેરની વસૂલાતના વિષયના આલેખનમાં આ પ્રકારની શૈલીમાં મુખ્યત્વે સન્માન-ભાવના પરત્વે તેમજ પ્રણય અને કર્તવ્ય વચ્ચેના સંઘર્ષ પર ખાસ ભાર મુકાતો. બીજો પ્રકાર તે સેનેકા-શૈલીનો. ઇંગ્લૅન્ડની રિવેન્જ ટ્રૅજેડીમાં મુખ્યત્વે સેનેકા-શૈલીનો આશરે 1580થી લગભગ 1630 દરમિયાનની સંખ્યાબંધ નાટ્યકૃતિઓમાં પ્રયોગ થયેલો જોવા મળે છે. સેનેકાનાં નાટકો સનસનાટીભર્યાં, ક્રૂરતાસભર અને મેલોડ્રામૅટિક હતાં. સેનેકા-શૈલીની અંગ્રેજી રિવેન્જ ટ્રૅજેડીનો એક સૌથી પ્રાચીન નમૂનો તે ‘ગૉર્બૉડક’ (1561); પરંતુ આ નાટ્યસ્વરૂપને ઇંગ્લૅન્ડમાં પ્રસ્થાપિત કર્યું તે તો ટૉમસ કિડે તેમની ‘ધ સ્પૅનિશ ટ્રૅજેડી’ (આશરે 1586) દ્વારા. આ નાટકમાં આ સ્વરૂપની ઘણીખરી શૈલી-વિશેષતા ગૂંથી લેવાઈ છે. ‘ધ સ્પૅનિશ ટ્રૅજેડી’ સનસનાટીસભર નાટક હતું અને ખૂનરેજી, મેલોડ્રામા તથા આલંકારિક વક્તૃત્વછટા માટેની એલિઝાબેથ સમયના પ્રેક્ષકોની રુચિને સંતોષી શકેલું. તત્કાલીન લેખકોએ તેની હાંસી ઉડાવી હતી, પરંતુ તે ખૂબ લોકપ્રિય બની રહ્યું હતું તેમજ તેની વ્યાપક અસર પડી હતી.
આ નાટ્યસ્વરૂપ અજમાવવાનો શેક્સપિયરનો પ્રથમ પ્રયત્ન તે ‘ટાઇટસ ઍન્ડ્રૉનિક્સ’ (1594). તેનો નાટ્યબંધ ‘ધ સ્પૅનિશ ટ્રૅજેડી’ને મળતો છે અને તેનો ઊંડો પ્રભાવ ઝિલાયો છે. આ એક સૌથી લોહિયાળ અને ભયાવહ નાટ્યકૃતિ છે. પાછળથી શેક્સપિયરે ‘હૅમ્લેટ’ (1603–1604) દ્વારા આ સ્વરૂપની સર્વોત્તમ કક્ષા સિદ્ધ કરી.
એક જુદા જ પ્રકારની રિવેન્જ ટ્રૅજેડી જોવા મળે છે તે માર્લોના ‘ધ જ્યૂ ઑવ્ માલ્ટા’(આશરે 1592)માં. તેમાં માલ્ટાના ઘેરાના વિષય-સંદર્ભમાં ઐતિહાસિક તવારીખ ગૂંથી લેવાઈ છે. જૉન માર્સટનના ‘ઍન્ટૉનિયોઝ રિવેન્જ’(1600)માં માર્લોનો પ્રભાવ ઝિલાવાને બદલે કિડની પરંપરા જ આગળ વધી છે; પરંતુ માર્સટનનું બીજું નાટક ‘ધ માલકન્ટેન્ટ’ (1604) જુદા જ પ્રકારની ભાત પાડે છે; કેમ કે, તેમાં ટ્રૅજેડીની શૈલીમાં વેરનું વિષયવસ્તુ આલેખવા કૉમેડીની નાટ્યરીતિ અજમાવવાનો નવતર પ્રયોગ થયો છે.
‘ઑથેલો’ (1604) રિવેન્જ ટ્રૅજેડી નથી, પણ ઇયાગો આ ગાળાનો શ્રેષ્ઠ ખલનાયક બની રહે છે. તે જે પ્રકારે ઑથેલો પર વેર વાળે છે તેને અવલંબીને જ મોટાભાગનું નાટ્યવસ્તુ વણાયું છે. લગભગ આ ગાળાથી જ ખલનાયકનું મહત્વ ઉત્તરોત્તર વધતું જાય છે. મોટાભાગનાં નાટકોમાં ખલનાયક પ્રમુખ પાત્ર બની જાય છે અને વેરનું વિષયવસ્તુ તથા વેરનો હેતુ વિશેષ અટપટાં તેમ જટિલ બનતાં જાય છે.
આ સ્વરૂપની અવનતિ થયેથી તે ઉત્તરોત્તર સનસનાટીસભર અને બિહામણું બનતું રહ્યું. ભૂતાવળ, આભાસી ભયજનક દૃશ્યો, કબ્રસ્તાનો, હાડકાં-મડદાંવાળી જગ્યાઓ, અગમ્ય-ગમન, સગાં સાથે સંભોગ, ગાંડપણ, વ્યભિચાર, બળાત્કાર, ખૂનરેજી, બાળહત્યા, આત્મહત્યા, આગ લગાડવી, ઝેર આપવું અને દગાબાજી જેવાં વિષયતત્વો અતિપ્રચલિત બની રહ્યાં. નૈતિક તથા રાજકીય ભ્રષ્ટાચારનું ઉઘાડેછોગ વર્ણન અપાતું. મૃત્યુ એ પ્રધાન વિષય અને ખૂન એ ક્રૂર આનંદ મેળવવાનું સાધન બની રહે છે.
આ સ્વરૂપની કેટલીક મહત્વની કૃતિઓમાં જ્યૉર્જ ચૅપમૅન-કૃત ‘ધ રિવેન્જ ઑવ્ બુસી દ એમ્બૉઝ’ (1607), વેબસ્ટર-કૃત ‘ધ વ્હાઇટ ડેવિલ’ (1612) તથા ‘ધ ડચેસ ઑવ્ માલ્ફી’ (આશરે 1613–14) તેમજ મિડલટન અને રાઉલી-કૃત ‘ધ ચૅન્જલિંગ’ (1622) ઉલ્લેખનીય છે.
આ નાટ્યસ્વરૂપ તદ્દન વિલુપ્ત બન્યું એવું તો નથી. શૅલી-રચિત ‘ધ સેન્સી’માં (1819) વેરની વસૂલાતની પરંપરાનો વિનિયોગ થયો છે. એ જ પ્રકારે વિક્ટર હ્યૂગો-કૃત ‘હર્મેની’ (1830) તથા ‘રુપ બ્લાસ’(1838)માં એ જ શૈલી છે. વીસમી સદીમાં પણ લૉર્કાના ‘બ્લડ વેડિંગ’(1933)માં આ સ્વરૂપ-સાતત્ય જળવાયું છે. ‘અ વ્યૂ ફ્રૉમ ધ બ્રિજ’(1955)માં આર્થર મિલરે વિવેકપુર:સર વેરભાવનાના વિષયને આધુનિક પરિવેશમાં આલેખ્યો છે. ડેવિડ રુડકિન-કૃત ‘એફૉર નાઇટ કમ’માં પણ વેરની વસૂલાતની શૈલી-વિશેષતા છે.
મહેશ ચોકસી