રિવેટ (Rivet) : ધાતુકામમાં કાયમી જોડાણ માટે વપરાતી માથાવાળી પિન. સ્ટીલ-નિર્માણ(steel construction)માં ઘણાં વર્ષો સુધી રિવેટ-જોડાણો અનિવાર્ય (indispensable) હતાં. માથાવાળી પિનના છેડા ઉપર એક શીર્ષ (head) બનાવવામાં આવે છે. આ શીર્ષ હથોડીથી ટીપીને અથવા સીધો દાબ આપીને બનાવાય છે. કૉપરની ધાતુમાંથી બનાવાતા નાના રિવેટમાં શીત રિવેટિંગ (cold rivetting) શક્ય છે. આવા પ્રકારનું રિવેટિંગ, બ્રાસ, ઍલ્યુમિનિયમ કે સ્ટીલ જેવી ધાતુઓમાંથી નાના રિવેટો બનાવવામાં પણ જોવા મળે છે. મોટા રિવેટની બનાવટ માટે, ઝડપથી અને સારી રીતે તે બેસાડવા માટે જે તે ધાતુને ગરમી આપવી જરૂરી બને છે.

નાના રિવેટ શક્તિદાબ-યંત્ર(power press)ની મદદથી બનાવાય છે. આને યંત્ર વડે થતું રિવેટિંગ કહેવાય છે. જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં આ પ્રકારના રિવેટિંગની મદદ લેવાય છે. આને માટે વાયુચાલિત (pneumatic) હથોડો, આબદ્ધ અથવા દ્રવચાલિત મશીનો વપરાય છે.

રિવેટનાં જુદા જુદા પ્રકારનાં માથાં પ્રચલિત છે. તેમાં બટન-માથાં (button heads), સપાટ માથાં (flat heads), પૅન માથાં (pan heads) મુખ્ય છે.

છેલ્લા શતકમાં વેલ્ડિંગનો ખૂબ જ વિકાસ થયો છે અને તેથી રિવેટના વપરાશનું ક્ષેત્ર ઘણું જ સીમિત થઈ ગયું છે, તેમ છતાં ખાસ પ્રકારના નિર્માણકાર્યમાં કે વધુ પડતાં કંપન સહન કરતાં યંત્રો માટે હજુ પણ રિવેટો વપરાય છે. વિમાન તૈયાર કરવા વપરાતી માનવશક્તિમાંથી 30 %થી 35 % રિવેટિંગ કાર્ય માટેની હોય છે. જે ધાતુઓ વેલ્ડિંગની મદદથી જોડાઈ શકતી ન હોય તેમાં હજુ પણ રિવેટિંગની રીત વપરાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ