રિવેરા (Rivera) : દક્ષિણ અમેરિકાના ઉત્તર ઉરુગ્વે વિભાગનું પાટનગર. ઉરુગ્વેનું પાંચમા ક્રમે આવતું શહેર. ભૌગોલિક સ્થાન : 30° 54´ દ. અ. અને 55° 31´ પ. રે. તે ઉત્તરે અને ઈશાનમાં બ્રાઝિલની સીમાથી ઘેરાયેલું છે. આ વિભાગ 9,370 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું ભૂપૃષ્ઠ બેસાલ્ટની ઊંચીનીચી ટેકરીઓથી બનેલું હોવાથી અસમતળ છે. શહેર બેસાલ્ટની બે ટેકરીઓ પર વસેલું છે. સાન્ટાના દો લિવ્રામેન્ટો (બ્રાઝિલ) તેની તદ્દન નજીક આવેલું છે. આ વિભાગમાં ગોચરો આવેલાં હોઈ તે ઘેટાં અને ઢોરવાડા માટે જાણીતો બનેલો છે. ખેતીને અહીં વધુ મહત્વ અપાય છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, શકરિયાં, મકાઈ, મગફળી, ઘઉં અને ફળોનો સમાવેશ થાય છે. આથી તે કૃષિપેદાશોના ઉત્પાદન અને વેપાર-વાણિજ્યનું મથક બની રહેલું છે. અહીં અનાજ, શાકભાજી, ફળો અને ઢોરનો વેપાર થાય છે. કાપડ, સિગાર, સિગારેટ અને સાવરણીઓનું ઉત્પાદન લેવાય છે. ધોરી માર્ગ અને રેલમાર્ગ આ પ્રદેશમાં ઉત્તર-દક્ષિણ વીંધીને પસાર થાય છે. આ શહેર ટૅકુઆરેમ્બો અને મૉન્ટેવિડિયો સાથે સંકળાયેલું છે. અહીંનું ટેલિવિઝન-મથક સરકાર-હસ્તક છે. આ શહેરની વસ્તી 98,472 (1996) છે.

જાહ્નવી ભટ્ટ