રાહી, કૃષ્ણ (જ. 1932, લારકાના, હાલ પાકિસ્તાનમાં) : સિંધીના કવિ અને વાર્તાકાર. 1947માં તેઓ સ્થળાંતર કરીને ભારત આવ્યા. 1954માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. અત્યારે ટ્રૉમ્બેના ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરમાં કામગીરી બજાવે છે.

1950માં ટૂંકી વાર્તાના લેખનથી તેમણે સાહિત્યિક કારકિર્દીનો આરંભ કર્યો. પાછળથી કાવ્યલેખન અપનાવ્યું અને જુદાં જુદાં કાવ્યસ્વરૂપોનું પ્રયોગાત્મક ખેડાણ કર્યું. રંગભૂમિ તથા રેડિયો માટે પણ તેમણે અનેક કૃતિઓ રચી છે. મુંબઈના સિંધી સાહિત્ય મંડળના તેઓ સક્રિય સભ્ય છે.

‘કુમામ’ (1969) નામના તેમના કાવ્યસંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેમાં સર્જનાત્મક કવિતાનાં વિવિધ સ્વરૂપો વ્યક્ત થયાં છે અને એ રીતે અભિવ્યક્તિ, ભાષાશૈલી તથા કલ્પનોનું વૈવિધ્ય ઊભરી આવ્યું છે. માનવીય વ્યક્તિત્વ તથા વિશ્વ સમસ્ત અંગેના નવા તથા ઉદ્દામવાદી વિચારો, સમાન વહેંચણી, અચેતન  તથા સચેતન ચિત્ત વચ્ચેની દ્વિધા, કામવાસનાની તીવ્ર ઝંખના, માનવીય ગૌરવ પ્રત્યે સંવેદનક્ષમતા તથા રૂપ-અરૂપ વચ્ચેનો તફાવત એમ આ કાવ્યસંગ્રહમાં વિષયોનું જાણે પૂર ઊભરાયું છે. વળી ક્યાંક તેઓ ભૂતકાળના નવેસર અર્થઘટન માટે પણ પ્રવૃત્ત બન્યા છે. એ રચનાઓમાં તેઓ રહસ્યવાદી પરંપરા, રાષ્ટ્રવાદી અભિગમ વગેરેને પુન:જીવિત કરે છે. સિંધી સાહિત્યના સમૃદ્ધ વારસાને આત્મસાત્ કરવાની તેમની નિશ્ચિત નેમ છે. તેમણે ફ્રી-વર્સ, હાઇકુ તથા ટ્રૉઇલેટ જેવા નવા કાવ્યપ્રકારો પર પણ હાથ અજમાવ્યો છે. કાવ્યસંગ્રહની મોટાભાગની કૃતિઓ કાવ્યવિષયની વેધકતા તથા કાવ્યપ્રકારની ચોકસાઈને કારણે નોંધપાત્ર બની છે. વાચક એ ભાવજગતમાં ઓતપ્રોત થઈ જાય છે. એક નવી અનુભૂતિમાં સ્થળ-કાળને વીસરી જાય છે. રાહીની કૃતિઓમાં સૂક્ષ્મ કાવ્યાનુભૂતિના ચમકારા છે. ભાવોની ઉત્કટતા તથા અભિવ્યક્તિના માધુર્યની લાક્ષણિકતાને કારણે આ કાવ્યસંગ્રહે સિંધી સાહિત્યમાં આગવું સ્થાન મેળવ્યું છે.

મહેશ ચોકસી