રાહી, અબ્દુલ રહેમાન (જ. 6 માર્ચ 1925, શ્રીનગર) : કાશ્મીરી કવિ, અનુવાદક અને વિવેચક. નાની વયમાં માતા-પિતાનું અવસાન થતાં એમનો ઉછેર મોસાળમાં થયેલો. ત્યાં જ શિક્ષણ લેવાનું બન્યું. આજીવિકાર્થે તેવીસ વર્ષની વયે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં કારકુન બન્યા; પરંતુ સરકારી તંત્રમાં આ ભાવનાશાળી યુવક ગોઠવાઈ ન શક્યા. આથી ‘ખિદમત’ નામક ઉર્દૂ દૈનિકમાં જોડાયા. વળી અભ્યાસ તો ચાલુ જ રાખ્યો અને 1952માં સત્યાવીસ વર્ષની વયે પર્શિયન વિષય રાખી એમ.એ. થયા. દસ વર્ષ પછી 1962માં અંગ્રેજી સાહિત્યનો વિષય લઈને તેઓ ફરીથી એમ.એ. કરીને શિક્ષણમાં જોડાયા. જમ્મુ-કાશ્મીર યુનિવર્સિટીમાં પર્શિયન-અંગ્રેજી ભણાવ્યું. વળી બે વર્ષ બાદ 1964માં શિક્ષણના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને મુક્ત લેખન કર્યું. સાથે સાથે ઉર્દૂ દૈનિક ‘આજકાલ’માં પણ કામ કર્યું. ‘કાગ પોશ’ નામક સામયિકના સહતંત્રીની જવાબદારી તેમણે નિભાવી. સતત લેખન એ જ એમનું જીવન બની રહ્યું. એમના લેખન-સર્જનમાં જમ્મુ-કાશ્મીરની વેદના અને ચેતના તારસ્વરે વ્યક્ત થઈ છે. અસ્તિત્વની મથામણ કરતા આ પ્રદેશના લોકોની ભાવનાને રાહીએ એમના સર્જનમાં બરાબર ઢાળી છે. આક્રોશ અને અસંતોષનો સૂર એમની કવિતામાં સંભળાય છે.

અબ્દુલ રહેમાન રાહી

અબ્દુલ રહેમાન રાહી પ્રગતિશીલ લેખક સંઘના સ્થાપક સભ્ય હતા અને તેના મહામંત્રી તરીકે એમણે કામ કર્યું હતું. ‘કાગ પોશ’ એ સંઘનું સામયિક હતું. એમના પાંચ કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ‘સાન-વાની સાઝ’ (1952), ‘સુખોષ સોદા’ (1954), ‘નવરોઝ-ઈ-સબા’ (1958) એમના મહત્વના કાવ્યસંગ્રહો છે. ‘કહાવત’ એમના વિવેચનલેખોનો સંગ્રહ છે. ‘બાબા ફરીદ’ એમણે કરેલ અનુવાદનું પુસ્તક છે.

અબ્દુલ રહેમાન રાહીની પ્રતિભા અવારનવાર પુરસ્કૃત પણ થઈ છે. 1961માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા એમના કાવ્યસંગ્રહ ‘નવરોઝ-ઈ-સબા’ને પુરસ્કાર મળ્યો હતો. 1980માં જમ્મુ-કાશ્મીર અકાદમી ઑવ્ આર્ટ ઍન્ડ કલ્ચરનો ઍવૉર્ડ એમને અપાયો હતો. 1983માં ત્રીજા વિશ્વ હિન્દી સંમેલનનો ઍવૉર્ડ પણ એમને મળ્યો હતો. 1999માં ભારત સરકારે ‘પદ્મશ્રી’ના સન્માનથી એમની સાહિત્યસેવાને બિરદાવી હતી. બંગસાહિત્ય સંમેલનનો ઍવૉર્ડ પણ એમને પ્રાપ્ત થયો છે. એમને 2004નો ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ 2007માં મળ્યો. આ ઍવૉર્ડ મેળવનાર એ પહેલા કાશ્મીરી સર્જક છે.

જમ્મુ-કાશ્મીરની વેદના અને ચેતનાનો અવાજ એમના સર્જનાત્મક સાહિત્યમાં સંભળાય છે. હિન્દુ-મુસ્લિમ સમાજની ભાવના એમણે સમુચિત રીતે એમના સાહિત્યમાં વણી છે. કાશ્મીરની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ રાહીએ એમના પ્રદેશની લોકભાવનાને ઉજાગર કરી છે.

પ્રફુલ્લ રાવલ

જયંત રેલવાણી