રાહી, માસૂમ રઝા (જ. 1927, ગાઝીપુર, ઉત્તરપ્રદેશ; અ. ) : હિંદી-ઉર્દૂના અગ્રણી કવિ અને નવલકથાકાર. પ્રતિષ્ઠિત મુસ્લિમ શિયા પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જોડાયા અને ઉર્દૂમાં તેમણે એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ‘ઇન્ડિયન પર્સનાલિટી ઇન ઉર્દૂ લિટરેચર’ – એ તેમના મહાનિબંધનો વિષય હતો. થોડો સમય તેમણે એ યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગમાં અધ્યાપક તરીકે કામ કર્યું, પરંતુ ટૂંકસમયમાં રાજીનામું આપી તેઓ મુંબઈ ગયા અને ચલચિત્રો માટે વાર્તાઓ તથા સંવાદો લખવા માંડ્યાં. પછી તેઓ મુંબઈમાં સ્થાયી થઈ ટી.વી.  શ્રેણીઓ અને ચલચિત્રો માટેના લેખનમાં પ્રવૃત્ત બન્યા.

કારકિર્દીનો આરંભ તેમણે ઉર્દૂ કવિ તરીકે કર્યો અને કેટલાક કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા, જેમ કે ‘નયા સાલ’, ‘મૌજે ગુલ, મૌજે સબા’, અને ‘અઠ્ઠારહ સૌ સત્તાવન’ (આમાંથી છેલ્લી કૃતિ સુદીર્ઘ વર્ણનકાવ્ય છે, જે પાછળથી હિંદીમાં પણ પ્રગટ થયું હતું.)

થોડા વખતમાં તેઓ હિંદીમાં લખતા થયા; પછી તેમની ગણના લબ્ધપ્રતિષ્ઠ સર્જનાત્મક લેખક તરીકે થવા માંડી. જોકે હિંદીમાં તેમને કવિ તરીકે બહુ નામના મળી શકી નથી; કેમ કે, હિંદીમાં તેમણે 56 કાવ્યોનો એક જ સંગ્રહ ‘મૈં એક ફેરીવાલા’ (1976) પ્રગટ કર્યો છે; વળી તેનાં ભાવ તથા શૈલી પણ ઉર્દૂ કવિતા જેવાં છે.

હિંદીમાં તેઓ તેમની નવલકથાઓ માટે પ્રખ્યાત છે. તેમની પ્રથમ નવલકથા ‘આધા ગાંવ’(1966)થી તેમને રાતોરાત પ્રસિદ્ધિ મળી ગઈ અને આંચલિક નવલકથાના લેખક તરીકે તેમની ખ્યાતિ બંધાઈ. નવલકથાકારે આ નવલને ‘કાળની કથા’ કહી છે. કાળની ગતિ તેમની દૃષ્ટિએ ચક્રાકાર (circular) હોય છે અને તેમના મંતવ્ય પ્રમાણે કાળની સામે માનવ હારવાની બાજી ખેલતો હોય છે.

તેમની અન્ય નવલકથાઓ, જેવી કે ‘હિમ્મત જોનપુરી’ (1969), ‘ટોપી શુક્લ’ (1969), ‘ઓસ કી બુંદ’ (1970), ‘દિલ એક સાદા કાગજ’ (1973), ‘સીન 75’ (1977), ‘કતરા કી આરઝુ’ (1978) એકબીજાથી ભિન્ન હોવા છતાં તેનો વિષય એક જ છે, કાળ સામેની માનવીની લડત અને તેનો અંતિમ પરાજય. જોકે તેમાં સાથોસાથ સાંપ્રત સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક તથા કોમી સમસ્યાઓ પણ વણી લેવાઈ છે. એમાં પાત્રો-પ્રસંગો તેમની મૂળભૂત વિચારસરણીનાં પ્રતીક બની રહે છે.

વાર્તાકથન તથા અંત પર્યંત રહસ્ય ગોપિત રાખવાની કલાની દૃષ્ટિએ રાહીની તુલના અમૃતલાલ નાગર તથા યશપાલ સાથે કરવામાં આવે છે. વાચકો સાથે તેઓ સીધો સંવાદ સાધે છે અને તેમનો વિશ્ર્વાસ સંપાદિત કરે છે. તેમની કેટલીક કૃતિઓ દેશના વિભાજન દરમિયાનના તથા આઝાદી પછીના દેશના ભારતીય મુસ્લિમ જીવનના અધિકૃત દસ્તાવેજરૂપે લેખાય છે.

મહેશ ચોકસી