રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર (જ. 30 જૂન 1934, બૅંગાલુરુ, કર્ણાટક) : આણ્વિક વર્ણપટ અને ઘનાવસ્થા રસાયણના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રસાયણભૌતિકવિજ્ઞાની.
પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. માઇસૉર યુનિવર્સિટીમાંથી 1951માં બી.એસસી., બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1953માં એમ.એસસી., પરડ્યૂ યુનિવર્સિટી(યુ.એસ.)માંથી 1957માં પીએચ.ડી., માઇસૉર યુનિવર્સિટીમાંથી 1957માં ડી.એસ.સી. થયા. 1953-54 દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(ખડગપુર)માં સંશોધક વિદ્યાર્થી અને 1958-59 દરમિયાન યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં પોસ્ટડૉક્ટરલ સંશોધક તરીકે કામગીરી કરી.
1959-63 સુધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (બૅંગાલુરુ) ખાતે વ્યાખ્યાતા; 1963-76 સુધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (ખડગપુર) ખાતે પ્રાધ્યાપક અને વિદ્યાશાખાના અધ્યક્ષ; 1976-84 સુધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (બૅંગાલુરુ) ખાતે પ્રાધ્યાપક; 1973-74 દરમિયાન રસાયણશાસ્ત્રના યુ.જી.સી. રાષ્ટ્રીય વ્યાખ્યાતા; 1973-75 દરમિયાન જવાહરલાલ નહેરુ ફેલો તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રીના ઉપપ્રમુખ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. 1984માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ(બૅંગાલુરુ)ના નિયામક બન્યા. 1986-90 દરમિયાન વડાપ્રધાનની વિજ્ઞાન સલાહકાર સમિતિના અધ્યક્ષ અને 1995-99 દરમિયાન(ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી)ના આલ્બર્ટ આઇન્સ્ટાઇન રિસર્ચ પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું.
રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્રી, ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો; ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ટેલિકમ્યૂનિકેશન એન્જિનિયર્સ, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ સ્ટડીઝ (શ્રીલંકા) અને રૉયલ સોસાયટી ઑવ્ કેમિસ્ટ્રી(લંડન)ના માનાર્હ ફેલો તથા થર્ડ-વર્લ્ડ એકૅડેમી ઑવ્ સાયન્સીઝના સ્થાપક ફેલો તરીકે કામગીરી બજાવી.
સ્લોવેનિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ (યુગોસ્લાવિયા), સર્બિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ (યુગોસ્લાવિયા), ચેકોસ્લોવાક એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, યુ.એસ.એસ.આર. એકૅડેમી ઑવ્ સાયન્સીઝના વિદેશી સભ્ય તરીકે રહ્યા. અમેરિકન એકૅડમી ઑવ્ આટર્સ ઍન્ડ સાયન્સીઝના માનાર્હ વિદેશી સભ્ય તથા યુ.એસ. નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝના વિદેશી સાથી (associate) તરીકે પણ રહ્યા. આ પ્રમાણે બધી જ ખ્યાતનામ એકૅડેમીઓ સાથે તે સંકળાયેલા છે.
ભારત અને વિદેશોનાં લગભગ તમામ ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ચંદ્રકો, પદકો, ઍવૉર્ડ તેમને મળ્યાં છે. ભારત સરકારે 1974માં પદ્મશ્રી અને 1985માં પદ્મવિભૂષણના ખિતાબથી તેમને નવાજ્યા છે.
ડૉ. રાવ માટે રસાયણ અને ભૌતિકવિજ્ઞાન એક જ વિદ્યાશાખા બની રહી. આણ્વિક વર્ણપટ સંરચના સહસંબંધ અને ઘનાવસ્થા રસાયણક્ષેત્રે તેમણે મહત્વનો ફાળો આપ્યો છે. તેમણે આણ્વિક સંરચનાના અભ્યાસ માટે વર્ણપટીય (spectroscopic) પદ્ધતિઓના પ્રયોજન સંબંધી વિસ્તૃત સંશોધન કર્યું છે. યુ.વી. (ultraviolet) અને આઇ.આર. (infrared) વર્ણપટ તેમની વિશેષજ્ઞતાનાં ક્ષેત્રો છે. તેમના 900થી વધુ સંશોધન-લેખો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રસિદ્ધ થયેલ છે. આ સાથે કેમિસ્ટ્રી ઑવ્ ઑક્સાઇડ સુપર કંડક્ટર્સ (1988); કેમિકલ ઍન્ડ સ્ટ્રક્ચરલ આસ્પેક્ટસ ઑવ્ હાઇ ટેમ્પરેચર ઑક્સાઇડ સુપર કંડક્ટર્સ (1988), ‘બિસ્મથ ઍન્ડ થૅલિયમ સુપર કંડક્ટર્સ’ (1989), ‘કેમિસ્ટ્રી ઑવ્ એડવાન્સ્ડ મટીરિયલ્સ’ (1992), ‘કેમિકલ એપ્રોચિઝ ટુ ધ સિન્થેસિસ ઑવ્ ઇનૉર્ગેનિક મટીરિયલ્સ’ (1994), ‘ટ્રાન્ઝિશન મેટલ ઑક્સાઇડ્ઝ’ (1995) વગેરે આધારભૂત પુસ્તકો તેમણે લખ્યાં છે.
હાલમાં ડૉ. રાવ બૅંગાલુરુની જવાહરલાલ નહેરુ સેન્ટર ફૉર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ સંસ્થામાં લાયનસ પાઉલિંગ સંશોધક પ્રાધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યા છે. તાજેતરમાં તેઓ ખ્યાતનામ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ ઑવ્ ફ્રાન્સના વિદેશી સભ્ય તરીકે ચૂંટાયા છે. આ એકૅડેમી 65 સભ્યોની બનેલી હોય છે. આ એકૅડેમીમાં ચૂંટાઈ આવનાર ડૉ. રાવ પ્રથમ ભારતીય વિજ્ઞાની છે. આ નિમિત્તે 19 જૂન, 2000ના રોજ પૅરિસમાં યોજાયેલ ખાસ વિશિષ્ટ સમારંભમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
1983માં ઇટાલીના ટ્રિયેસ્ટી ખાતે થર્ડ-વર્લ્ડ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ(TWAS)ની સ્થાપના કરવામાં આવી. નોબેલ પુરસ્કારવિજેતા ભૌતિકવિજ્ઞાની અબ્દુસ સલામ અને અન્ય સાથી-વિજ્ઞાનીઓએ TWASની સ્થાપનામાં મહત્વની ભૂમિકા નિભાવી. તે આંતરરાષ્ટ્રીય સ્વાયત્ત સંસ્થા છે. તેનો હેતુ વિકસતાં રાષ્ટ્રોમાં વૈજ્ઞાનિક સંશોધનપ્રવૃત્તિને ઉત્તેજન આપવાનો છે.
ડૉ. રાવ TWASની 2001-2003ની સલાહકાર-સમિતિના અધ્યક્ષ તરીકે વરણી પામ્યા છે.
તેઓ વિકસતાં રાષ્ટ્રોના હિતચિંતક છે. આવાં રાષ્ટ્રોના વિકાસ માટે તેમણે ગહન ચિંતન બાદ નીચેના સિદ્ધિ-શક્ય સમયબદ્ધ લક્ષ્યાંકો આપ્યા છે :
(1) વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી આધારિત રાષ્ટ્રીય વિકાસ યોજના – 2003.
(2) વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીમાં મૂડીરોકાણ (1 % થી 2 % જી.એન.પી.) – 2010.
(3) વૈશ્ર્વિક પ્રાથમિક શિક્ષણ અને વૈજ્ઞાનિક સાક્ષરતા – 2010.
(4) તમામ માટે શુદ્ધ અને સલામત પેય જળ – 2005.
(5) આહારની સલામતી અને કુપોષણનું નિર્મૂલન – 2010.
(6) મેલેરિયા, પોલિયો અને અન્ય રોગોનું નિવારણ – 2010.
(7) જૈવ વૈવિધ્ય પ્રબંધન – 2010.
(8) મહાવિદ્યાલયો અને યુનિવર્સિટીઓના વિજ્ઞાન વિભાગોને સ્વીકાર્ય ધોરણો સુધી ઉત્કૃષ્ટ બનાવવાં – 2010.
આ સાથે તેમનું દૃઢ મંતવ્ય છે કે જો અવિકસિત રાષ્ટ્રો આર્થિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે આત્મવિશ્ર્વાસ સાથે કાર્યારંભ નહિ કરે તો 2030 પછી પણ આવાં રાષ્ટ્રો અવિકસિત જ રહેશે. આ પરિસ્થિતિ દૂર કરવા માટે ડૉ. રાવ આંતરરાષ્ટ્રીય સહાય અને સમજનો અનુરોધ કરે છે. સૌ સ્વીકારે છે કે પૃથ્વી ઉપરના બધા જ લોકોને જ્ઞાનપ્રાપ્તિનો અને તેના દ્વારા સુખાકારીનું અનુષ્ઠાન કરવાનો અધિકાર છે. આ માનવજાતિનો જન્મસિદ્ધ અધિકાર છે. તેથી સૌની નૈતિક ફરજ છે કે કમનસીબ લોકોમાં ઇષ્ટ પરિવર્તન માટે પુરુષાર્થ થતો રહે તેવી પ્રતીતિ કરાવીએ.
ડૉ. રાવ માને છે કે પર્યાવરણને જફા પહોંચાડ્યા સિવાય ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીએ માર્ગ ચીંધવાનો રહે છે.
પ્રહલાદ છ. પટેલ