રાવણ : રામાયણના સમયનો લંકાનો રાજા અને રામકથાનો પ્રતિનાયક. વિશ્રવણ તથા કૈકસી કે કેશિનીનો પુત્ર. પુલસ્ત્યનો પૌત્ર અને સુમાલિનો દૌહિત્ર. વાલ્મીકિ રામાયણ, મહાભારત, કૂર્મપુરાણ, પદ્મપુરાણ, દશાવતારચરિતમ્, આનંદ રામાયણ અને ‘રાવણવધ’ જેવી કૃતિઓમાં તેના ઉલ્લેખો મળે છે. પદ્મપુરાણ અનુસાર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ રૂપે જન્મ્યા હતા. ‘દેવી ભાગવત’ અનુસાર વિષ્ણુના પાર્ષદ જય-વિજય અસુર-યોનિમાં રાવણ અને કુંભકર્ણ રૂપે જન્મ્યા હતા. રાવણ શબ્દનો અર્થ છે ‘ભયંકર રવ-કારી’. તેને વારંવાર દશમુખ કે દશાનન કહ્યો છે પણ તે આલંકારિક કથન જણાય છે. તે હુંકાર કરતો કે બોલતો ત્યારે એટલો અવાજ કરતો કે તે સ્વર દશ મુખથી નીકળનાર સ્વરથી પણ અધિક લાગતો. સંભવત: આ કારણે તેને ‘દશમુખ’ની સંજ્ઞા અપાઈ અને એક વાર તેને દશમુખ કહેતાં સ્વાભાવિકપણે તેને વીસ હાથ હોવાની વાત પણ પ્રચિલત થઈ. વસ્તુત: વાલ્મીકિ રામાયણમાં અનેક સ્થળે રાવણને એક મુખ હોવાનો સ્પષ્ટ નિર્દેશ મળે છે.

રાવણ મહાપ્રતાપી, યુદ્ધવિશારદ, કુશળ રાજનીતિજ્ઞ, ઐશ્વર્યસંપન્ન અને સ્વકર્મનિરત હતો. પોતાના નાના સુમાલિની સલાહથી તેણે એના ઓરમાન ભાઈ કુબેરની સોનાની લંકા અને તેનું પુષ્પક વિમાન પડાવી લઈ તેને હાંકી કાઢ્યો હતો. રાવણે ઘોર તપસ્યા કરી દૈત્ય-દાનવ કે યક્ષ કોઈ તેને મારી ન શકે એવું વરદાન પ્રાપ્ત કર્યું હતું.

રાવણનો વિવાહ મય દાનવની પુત્રી મંદોદરી વેરે થયો હતો અને તેનાથી તેને મેઘનાદ નામે મહાપ્રતાપી પુત્ર થયો હતો. બ્રહ્માના વરદાનથી છકી ગયેલા રાવણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો હતો. જોકે એક વાર સહસ્રાર્જુન સાથેના યુદ્ધમાં તે પરાજિત થયો હતો, પણ પુલસ્ત્યના કહેવાથી તેને સહસ્રાર્જુને મુક્ત કર્યો હતો. કિષ્કિંધાના કપિરાજ વાલીએ પણ તેના બૂરા હાલ કર્યા હતા. એક વાર દંડકારણ્યમાં વનવાસ ગાળતા રામલક્ષ્મણની આશ્રમમાં ગેરહાજરી હતી ત્યારે રાવણ છળપૂર્વક સીતાજીને હરી ગયો હતો; તેથી રામે લંકા પર ચડાઈ કરી, ઇંદ્રે મોકલેલા રથ પર સવાર થઈ ઘોર યુદ્ધ કરી બ્રહ્માસ્ત્રના પ્રયોગ દ્વારા તેનો વધ કર્યો હતો.

‘અર્ક પ્રકાશ’, ‘કુમાર તંત્ર’, ‘ઇંદ્રમલ’, ‘પ્રાકૃત કામધેનુ’, ‘રાવણ સંહિતા’, ‘ઋગ્વેદ ભાષ્ય’ અને વેદની આઠ વિકૃતિઓ વગેરેની રચના રાવણે કરેલી હોવાના ઉલ્લેખો મળે છે; પરંતુ તે લંકાપતિ રાવણની જ કૃતિઓ છે એમ નક્કી થયું નથી.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા

પ્રવીણચંદ્ર પરીખ