રાવ, ગંગાદાસ (રાજ્યકાળ ઈ. સ. 1442  આશરે 1451) : મધ્યકાલીન ગુજરાતનાં સૌથી આબાદ નગરોમાંના એક ચાંપાનેરનો રાજા. રાજસ્થાનના રણથંભોરના શાસક ખીચી ચૌહાણ હમ્મીરદેવના વંશજ ગંગાદાસના પિતા ત્ર્યંબકદાસે ક્યાં સુધી રાજ્ય કર્યું તે જાણી શકાતું નથી, પણ પુત્ર ગંગાદાસ અથવા ગંગેશ્વર સુલતાન મુહમ્મદ- શાહ બીજાનો સમકાલીન હતો. ઈ. સ. 1449માં સુલતાને ચાંપાનેર પર આક્રમણ કર્યું ત્યારે રાવે શૂરવીરતાથી તેનો સામનો તો કર્યો, પણ ન ફાવતાં મોટી સંખ્યામાં ઘાયલ સૈનિકોને મેદાનમાં જ છોડી દઈ પાવાગઢના કિલ્લામાં આશરો લેતાં સુલતાને કિલ્લા ફરતો મજબૂત ઘેરો ઘાલ્યો. બીજો કોઈ રસ્તો ન મળતાં છેવટે રાવે માળવાના સુલતાન મહમૂદશાહ ખલજીને દર મંજિલ દીઠ 1 લાખ ચાંદીના સિક્કા આપવાની શરતે મદદે બોલાવતાં તે મોટી ફોજ લઈ આવ્યો ને દાહોદ નજીક છાવણી નાખી. આ સમાચાર સુલતાનને મળતાં તેણે કિલ્લાનો ઘેરો ઉઠાવી પાછા હઠી સાવલી પરગણાના કોઠડા ગામે મુકામ કર્યાની જાણ મહમૂદશાહને થઈ, તેથી તે પણ પાછો જતો રહ્યો. આ પછી સુલતાન અહમદશાહ બીજાના તખ્તારોહણ દરમિયાન ફરી ગુજરાતને કબજે કરવા વિશાળ ફોજ લઈ આવેલ ત્યારે વડોદરા નજીક અન્ય રાજાઓ સાથે રાવ ગંગાદાસ પણ જોડાયેલો.

રાવ ગંગાદાસના દરબારી કવિ ગંગાધરના ‘ગંગદાસ પ્રતાપવિલાસ’ નામના નવઅંકી ઐતિહાસિક સંસ્કૃત નાટકમાં રાવના સુલતાન સામેના વિજયની કથા વર્ણવી છે. આ નાટક સુલતાનના ચાંપાનેર પરના હુમલા બાદ તુરત જ રચાયેલું અને ચાંપાનેરમાં મહાકાલીના સભાગૃહમાં ભજવાયેલું. વીરરસપ્રધાન આ નાટકનો નાયક તે રાવ ગંગાદાસ ને નાયિકા તે પટ્ટરાણી ‘પ્રતાપ’ ઉર્ફે પ્રતાપદેવી. પ્રસ્તુત નાટકમાંથી ભામામ્બા રાવનાં માતા અને નરસિંહ યુવરાજ હોવાનું જાણવા મળે છે; એટલું જ નહિ, પાવાગઢ ઉપરનું હાલ જોવા મળતું ‘દૂધિયું તળાવ’ પણ તેણે જ બંધાવ્યાનું જાણી શકાય છે.

હસમુખ વ્યાસ