રાય, મણીન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1919, સિતાલાઈ, પાબના, બાંગ્લાદેશ) : બંગાળી કવિ. 1940માં કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક. મદદનીશ દિગ્દર્શક તરીકે તેઓ સિનેમાજગતના નિકટ સંપર્કમાં આવ્યા. 1953થી ’56 દરમિયાન તેઓ ‘સીમાંત’ના સ્થાપક તંત્રી રહ્યા. 1961થી બે દશકા સુધી તેઓ ‘અમૃતા’ નામના બંગાળી સાપ્તાહિકના સંયુક્ત સંપાદક તરીકે રહ્યા.

તેમણે વિપુલ પ્રમાણમાં કાવ્યો લખ્યાં છે. તેમના મહત્ત્વના કાવ્યસંગ્રહોમાં ‘ત્રિશંકુ મદન’ (1939), ‘એક ચક્ષુ’ (1942), ‘છાયા સહચાર’ (1944), ‘સેતુબંધેર ગાન’ (1948), ‘કૃષ્ણચુરડા’ (1955), ‘આમિક થેકે મિલે’ (1958), ‘મુખેર મેલા’ (1959), ‘અતિદૂર આલોરેખા’ તથા ‘જામલે રક્તેર દાગ’(1977)નો સમાવેશ થાય છે. તેમણે બે પદ્યનાટકો લખવા ઉપરાંત કાવ્યસંગ્રહોનું સંપાદન કર્યું છે. તેમણે પોતાના સમકાલીનોનાં સંસ્મરણો પણ લખ્યાં છે.

તેમને 1960માં ઉલટોરથ પોએટ્રી ઍવૉર્ડ, 1969માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1970માં સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ તથા 1993માં રવીન્દ્ર પુરસ્કાર મળ્યા છે.

તેમણે રશિયા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી તથા કેરોનો પ્રવાસ કર્યો છે.

મહેશ ચોકસી