રાયમન્દી, મેર્ચાન્તોનિયો

January, 2003

રાયમન્દી, મેર્ચાન્તોનિયો (જ. આશરે 1480, બોલોન્યા, ઇટાલી; અ. આશરે 1534, બોલોન્યા, ઇટાલી) : ઇટાલિયન રેનેસાં ચિત્રશૈલીનો સમગ્ર પશ્ચિમ યુરોપમાં ફેલાવો કરનાર તક્ષણમુદ્રિત ચિત્રકલા-(engraving)ના સર્જક.

ખ્યાતનામ સોની અને ચિત્રકાર ફ્રાન્ચેસ્કો રાયબૉલોની પાસેથી તેમણે તાલીમ મેળવી. ઉપરાંત લુકાસ ફાન લીડનનાં છાપચિત્રોનો રાયમન્દીની કલા પર પ્રભાવ પડ્યો. પરિણામે કપડાંની અક્કડ કરચલીઓ, ગડીઓ અને તંગ સ્નાયુતણાવ તેમની કલાનાં મુખ્ય લક્ષણ બન્યાં. ડ્યુરરનાં છાપચિત્રોના પ્રભાવરૂપે તેમનાં તક્ષણમુદ્રિત ચિત્રોમાં સ્ફૂર્તિલી રેખાઓ અને એકબીજીને છેદતી રેખાઓ (crosshatching) વડે નક્કર જેવાં દેખાતાં સ્વરૂપો પ્રગટ્યાં.

આશરે 1510માં મેર્ચાન્તોનિયો રોમ ગયા. અહીં તેમની પ્રવૃત્તિ માઇકલૅન્જેલો અને સાંઝિયો રફાયેલનાં ચિત્રોનું છાપચિત્રોમાં અનુકરણ કરવા પૂરતી મર્યાદિત થઈ. આ કામમાંથી તેઓ અઢળક નાણાં કમાયા અને મોટી સંખ્યામાં શિષ્યોને આકર્ષી શક્યા. કારકિર્દીના ઉત્તરાર્ધમાં તેમનાં તક્ષણમુદ્રિત ચિત્રોમાં આલેખિત માનવઆકૃતિઓ પર અંકિત છાયાપ્રકાશ ઋજુતા ગુમાવીને તીખાં (અક્કડ-harsh) બન્યાં. ચિત્રકાર ગુલિયો રોમાનોનાં અશ્ર્લીલ ચિત્રોનું તક્ષણમુદ્રિત ચિત્રોમાં અનુકરણ કરી મેર્ચાન્તોનિયોએ રોમન સમાજની ખફગી વહોરી લીધી. રોમને કબજે કરનારા સ્પૅનિશ સૈનિકોએ તેમની ધનસંપત્તિ પડાવી લેતાં તેઓ સાવ કંગાળ થઈ ગયા અને જનારણ્યમાં ખોવાઈ ગયા.

અમિતાભ મડિયા