રાય, દ્વિજેન્દ્રલાલ

January, 2003

રાય, દ્વિજેન્દ્રલાલ (જ. 1863, કૃષ્ણનગર, જિ. નડિયા, બંગાળ; અ. 1913) : બંગાળી લેખક. શ્રીમંત અને સંસ્કારી કુટુંબમાં જન્મ; નાનપણથી જ સાહિત્ય અને સંગીતનો શોખ. 1884માં તેઓ રાજ્ય તરફથી સ્કૉલરશિપ મેળવીને કૃષિવિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા. તે વખતનો સમાજ અત્યંત રૂઢિચુસ્ત હોવાથી, વિદેશથી આવ્યા ત્યારે સમાજ તેમજ તેમના પોતાના પરિવારે તેમને બહિષ્કૃત કર્યા હતા. તેમના જીવનનો આ સૌથી મોટો આઘાત હતો. સંખ્યાબંધ કટાક્ષ-કાવ્યો તથા પ્રહસનોમાં તેમણે હિંદુ સમાજની સંકુચિતતા તથા રૂઢિચુસ્તતા પર આકરા પ્રહારો કર્યા છે. તેમને નાયબ મૅજિસ્ટ્રેટ તરીકેની સરકારી નોકરી મળી, પણ પોતાના સ્વતંત્ર મિજાજના કારણે તેઓ તેમાં સફળ થયા નહિ. તેમણે કાવ્યો તથા નાટકોને જીવન અર્પી દીધું.

કાવ્યલેખન તેમણે સાહિત્ય-કારકિર્દીના આરંભથી જ શરૂ કર્યું હતું. ક્યારેક તેમણે પોતાના સમકાલીન રવીન્દ્રનાથ ટાગોરના આદર્શવાદની આકરી ટીકા પણ કરી છે. કવિતા પૂરતું તેઓ વાસ્તવવાદી નહિ પણ રંગદર્શી (romantic) હતા. પોતાની મૌલિક સર્જનાત્મક શક્તિ વડે તેઓ રવીન્દ્રનાથનો પ્રભાવ ઘણા પ્રમાણમાં ખાળી શક્યા હતા.

જોકે કવિ કરતાં તેઓ નાટ્યકાર તરીકે વિશેષ પ્રખ્યાત થયા છે. તેમનાં નાટકોના પૌરાણિક, ઐતિહાસિક અને સામાજિક એમ 3 પ્રકાર છે. પૌરાણિક પદ્ય નાટકોમાં તેમણે પાત્રો-પ્રસંગોને પોતાની રીતે આલેખ્યાં છે. ‘પાષાણી’માં તેમણે અહલ્યાનો પ્રસંગ પોતાની રીતે મૂલવ્યો હતો અને તેનાથી ખાસ્સો વિવાદ સર્જાયો હતો. ‘સીતા’માં પણ તેમણે નવું અર્થઘટન આપ્યું છે.

ઐતિહાસિક નાટકોમાં તેમની કવિ-કલ્પના પર તેમનો સ્વલ્પ અંકુશ રહ્યો છે. ઐતિહાસિક તથ્યનું તેમણે ચુસ્ત પાલન નથી કર્યું. ઐતિહાસિક તેમજ સામાજિક  એ બંને પ્રકારનાં તેમનાં નાટકો ‘મેલોડ્રામા’ વર્ગનાં ગણાય. એ કૃતિઓમાં ઘટનાપ્રચુરતા તથા કાવ્યમય સંવાદો છે. બંગાળીમાં તેઓ શેક્સપિયરના સૌથી સફળ અનુકરણકર્તા મનાયા; જોકે ટ્રૅજેડી વિશેનો તેમનો ખ્યાલ અધકચરો હોવાથી તેઓ ‘મેલોડ્રામા’ સર્જી શક્યા.

ઐતિહાસિક નાટકોમાં તેમને ગણનાપાત્ર સફળતા મળી છે. ઇતિહાસ પ્રત્યેની વફાદારીના કારણે નહિ, પણ નૂરજહાંના આંતરિક સંઘર્ષના સફળ નિરૂપણના કારણે ‘નૂરજહાં’ નાટક તરીકે સફળ નીવડ્યું. તેમનું અન્ય નાટક ‘શાહજહાં’ એક વખત રંગભૂમિ પર ખૂબ લોકપ્રિય નીવડ્યું હતું. ગુજરાતીમાં ઝવેરચંદ મેઘાણીએ તેનો અનુવાદ કર્યો છે.

તેમનાં કેટલાંક સામાજિક નાટકો વિષય અને નિરૂપણની દૃષ્ટિએ નબળાં નીવડ્યાં છે. જોકે તેમનાં નાટકોનાં ગીતો એક વિશેષ અસર જન્માવી રહે છે.

મહેશ ચોકસી