રાય, દેવેશ (જ. 1936, વાગમારા, જિ. પબના, હાલ બાંગ્લાદેશ) : બંગાળી લેખક. 1958માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં તેમણે એમ.એ.ની પદવી મેળવ્યા પછી 1959થી 1974 સુધી આનંદચંદ્ર કૉલેજ, જલપાઈગુડીમાં અધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું હતું. 1975-96 સોશ્યલ સાયન્સિઝ, કોલકાતામાં અભ્યાસકેન્દ્રના ફેલો તરીકે રહ્યા હતા. 1969-70 ‘ઉત્તરબંગ પત્રિકા’ના સંપાદક, 1977માં ‘નેપાળી અકાદમી જર્નલ’, 1979-85 સુધી ‘પરિચય’ અને 1986-87માં ‘પૉઇન્ટ કાઉન્ટર-પૉઇન્ટ’ સામયિકોનું સંપાદન સંભાળ્યું હતું.

1969થી 1974 સુધી તેઓ નૉર્થ બેંગૉલ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અને 1993-1997 સુધી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના  એક્ઝિક્યુટિવ બૉર્ડના સભ્યપદે રહેલા.

તેમણે આશરે 40 ગ્રંથો આપ્યા છે. તેમની ઉલ્લેખનીય નવલકથાઓમાં ‘આપાતત શાંતિકલ્યાણ હોઇયા છે’ (1973), ‘માનુષ ખૂન કરે કેનો ?’ (1976), ‘મફસ્સલી વૃત્તાંત’ (1980), ‘તીસ્તા પારેર વૃત્તાંત’ (1988), ‘સમય અસમયેર વૃત્તાંત’(1993)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ‘દેવેશ રાયેર ગલ્પ’ (1967) અને ‘ગલ્પ સમગ્ર’ (5 ગ્રંથમાં, 1992-1995) નામના નોંધપાત્ર વાર્તાસંગ્રહો આપ્યા છે. સંશોધનક્ષેત્રે ‘રવીન્દ્રનાથ ઓ તાંર આદિ ગદ્ય’ (1978), ‘આઠારો શતકેર બાંગ્લા ગદ્ય’ (1984) અને ‘ઉપનિવેશેર સમાજ ઓ બાંગ્લા સાંવાદિક ગદ્ય’ (1990) નામના મહત્ત્વના ત્રણ ગ્રંથો તેમણે પ્રગટ કર્યા છે.

તેમની સાહિત્યિક કારકિર્દી અને પ્રદાન ધ્યાનમાં રાખીને તેમને ભારતીય ભાષા પરિષદ તરફથી 1989માં ભુવાલ્કા ઍવૉર્ડ, 1990માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને 1998માં તપતી મુખોપાધ્યાય ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા