રાય, દાશરથિ (જ. 1806; અ. 1857) : બંગાળી લેખક. તેમને પારંપરિક શિક્ષણ બિલકુલ મળી શક્યું નહોતું, પરંતુ અંગ્રેજીનું થોડું જ્ઞાન મેળવેલું. મામાને ત્યાં ઉછેર થયો. તેઓ ‘કવિ-ગીતો’ના ખૂબ ચાહક હતા અને હરુ ઠાકુરનાં ગીતોનો તેમના પર ગાઢ પ્રભાવ હતો. તેઓ ‘કવિવલ’ તરીકે ખ્યાતિ પામ્યા; નિમ્ન સમાજની ગણાતી કવિવલ મહિલા નામે અક્ષયા બાયાતીની સાથેના તેમના પ્રેમસંબંધને કારણે તેઓ બદનામ પણ થયા. મામાએ પોતાની ઑફિસમાં નોકરી આપી, પણ સામાજિક ફરજોને અવગણીને એ નોકરી છોડી તેઓ અક્ષયાની મંડળીમાં જોડાયા અને તે વખતના ખૂબ ખ્યાતનામ કવિવલ નીલકંઠના હરીફ બની રહ્યા. કવિવલ કવિતામાંની બીભત્સતા તથા અસભ્યતાથી તેઓ નારાજ હતા. એક વખત નિધિરામ સુન્રી સાથેની હરીફાઈમાં તેઓ એટલા બધા અપમાનિત થયા કે 1935માં આ ક્ષેત્ર છોડીને તેઓ પાંચાલીના ક્ષેત્રમાં આવ્યા. પાંચાલીના રચનાપ્રદેશમાં ગાવું, નાચવું અને ઉદ્દેશો સમજાવતા રહેવું એ જ એક ટેક્નીક હતી. તેનો વિષય ધાર્મિક હતો, પણ તેમાં સમકાલીન સામાજિક ઘટનાઓ કે મુદ્દાની છણાવટ પણ થતી.
દાશરથિની પૂર્વે ગંગાનારાયણ નાસ્કર, લક્ષ્મીકાંત વિશ્ર્વાસ તથા ઠાકુરદાસ દત્તા નામી પાંચાલી કવિઓ હતા; પણ પાંચાલીને આધુનિક સ્વરૂપ આપીને તેને લોકભોગ્ય બનાવવાનો યશ તો કેવળ દાશરથિને ફાળે જાય છે; આ સ્વરૂપના તે અગ્રણી અને નિપુણ કવિ લેખાયા. મહાન પાંચાલીકાર તરીકે અતિશય ખ્યાતિ પામનાર દાશરથિના વિષયોમાં કૃષ્ણ, રામ, શિવ તથા શક્તિનો તેમજ સાંપ્રત સામાજિક ઘટનાઓનો સમાવેશ થતો હતો. કથાનિર્ભર પાંચાલી રચનાઓ ઉપરાંત તેમણે ગીતો પણ ઘણાં રચ્યાં છે. રસિકચંદ્ર રાય, વ્રજમોહન રાય, મનમોહન બસુ, કૃષ્ણધન દે, નંદલાલ રાય જેવા અનેક પાંચાલીકારો પર દાશરથિનો ઘેરો પ્રભાવ પડ્યો હતો.
મહેશ ચોકસી