રામરાજા (રામરાય) (1530-65) : કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્યના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવનાર શાસક અને કૃષ્ણદેવરાયનો જમાઈ. કૃષ્ણદેવરાયે વારસ તરીકે પોતાના સગીર પુત્રને બદલે, પોતાના સાવકા ભાઈ અચ્યુતને પસંદ કર્યો હતો, અને તે ગાદીએ બેઠો; પરન્તુ રામરાજાએ કૃષ્ણદેવરાયના સગીર પુત્રને સમ્રાટ જાહેર કરીને તેના નામે રાજ્ય કરવા માંડ્યું. તેથી રામરાજાને શાંત પાડવા અચ્યુતદેવરાયે સામ્રાજ્યના વહીવટમાં તેને ભાગીદાર બનાવીને કરાર કર્યો. થોડા સમય બાદ કૃષ્ણદેવરાયના સગીર પુત્રનું મરણ થવાથી રાજકીય પરિસ્થિતિ હળવી બની. અચ્યુત દક્ષિણમાં થયેલ બળવો શમાવવામાં રોકાયેલો હતો, ત્યારે રામરાજાએ પાટનગરમાં બધા મહત્વના અધિકારીઓને દૂર કરીને તે હોદ્દાઓ પર પોતાના નજીકના મિત્રો તથા સગાઓને નીમ્યા. બીજાપુરના ઇબ્રાહીમ આદિલશાહે છૂટા કરેલા 3,000 મુસ્લિમ સૈનિકોને તેણે રાજ્યની નોકરીમાં રાખ્યા. રાજા અચ્યુત તિરુપતિથી આવ્યો ત્યારે તેને પકડીને જેલમાં પૂરી દીધો અને તેણે પોતાને રાજા જાહેર કર્યો; પરન્તુ ઉમરાવોના વિરોધથી તે યોજના પડતી મૂકવી પડી. પછી તેણે અચ્યુતના ભત્રીજા સદાશિવને સમ્રાટ જાહેર કરીને તેના નામથી રાજ્ય કરવા માંડ્યું. અચ્યુતની રાજગાદી છીનવી લેવાના રામરાજાના પગલાને પ્રજામાંના કોઈએ સ્વીકાર્યું નહિ. દક્ષિણના પ્રાંતોના ઉમરાવોએ તેની સત્તા માન્ય ન રાખી અને ખંડણી આપવાની અટકાવી દીધી. તેમને અંકુશમાં લાવવા રામરાજાએ લાંબા સમય પર્યંત લડાઈઓ કરવી પડી. આ દરમિયાન, પાટનગરમાં સરકારના વહીવટનું કામ સોંપ્યું હતું તે અધિકારીએ દગો કર્યો. તેણે અચ્યુતને જેલમાંથી મુક્ત કરી, તેને ગાદીએ બેસાડી પોતે તેનો મુખ્ય પ્રધાન બન્યો; પરન્તુ લશ્કરના સેનાપતિ તથા અચ્યુતના સાળા સલકરાજુ તિરુમલે તેનું (મુખ્ય પ્રધાનનું) ખૂન કરી, અચ્યુતના નામે રાજ્ય કરવા માંડ્યું. આ તકનો લાભ લેવા બીજાપુરના ઇબ્રાહીમ આદિલશાહે વિજયનગર પર ચડાઈ કરી. તેણે મંત્રણા દ્વારા રામરાજા અને અચ્યુત વચ્ચે સંધિ કરાવી. તે મુજબ અચ્યુતરાય વિજયનગરનો સમ્રાટ બન્યો અને રામરાયને તેની જાગીરો પર રાજ્ય કરવાના સ્વતંત્ર અધિકારો મળ્યા. ઇબ્રાહીમ આદિલશાહ ભેટ તરીકે મોટી રકમ તથા ઊંચી જાતના બાર હાથી અને કેટલાક ઘોડા લઈ ગયો.

અચ્યુત 1542માં અવસાન પામ્યો ત્યારબાદ તેનો પુત્ર વેંકટ પહેલો ગાદીએ બેઠો. વિજયનગરના રાજકારણ પર નજર રાખી રહેલો રામરાજા હવે સક્રિય બન્યો. તેણે અચ્યુતના ભત્રીજા સદાશિવને જેલમાંથી છોડાવી, સમ્રાટ જાહેર કરી, ઇબ્રાહીમ આદિલશાહની મદદ માગી. તેથી આદિલશાહે વિજયનગર પર ચડાઈ કરી. આથી ગભરાઈ ગયેલા લોકોએ તિરુમલને રાજા બનાવ્યો. તિરુમલે આદિલશાહને પાટનગર નજીક હરાવ્યો અને નસાડી મૂક્યો. પોતાના હરીફોને દૂર કરવા માટે તેણે તેના ભાણેજને મારી નાખ્યો અને રાજકુટુંબના સભ્યોની કતલ કરી. તેના જુલમથી ત્રાસીને લોકોએ આદિલશાહને મદદ માટે વિનંતી કરી, પરન્તુ રાજ્ય લઈ લેવાની તેની વૃત્તિ જણાઈ આવવાથી લોકોએ તેનો વિરોધ કરીને પાછા જવાની ફરજ પાડી હતી.

આ સમયે રામરાયે પોતાને માટે ગાદી મેળવવાની તક ઝડપી લીધી. તેણે લશ્કરને ભેગું કરી તુંગભદ્રાની લડાઈમાં તિરુમલને હરાવીને મારી નાખ્યો. પાટનગરના લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો અને રામરાયને આવકાર્યો.

રામરાયે 1543માં સદાશિવને ગાદીએ બેસાડ્યો અને પોતે તેના વતી વાસ્તવિક સત્તા ભોગવવા લાગ્યો; પરન્તુ રામરાયને માત્ર સત્તાથી સંતોષ થયો નહિ. તેથી 1552માં સદાશિવે રામરાયને પોતાની સાથે સહપ્રતિશાસક (co-regent) તરીકે સ્વીકાર્યો. રામરાયે રાજા હોય એ રીતે ખિતાબો ધારણ કર્યા. તેણે સામ્રાજ્યની નીતિ તથા વહીવટી તંત્રમાં ફેરફારો કર્યા. અગાઉના બ્રાહ્મણ અધિકારીઓ રામરાયના વિરોધી હતા. તેમને સ્થાને રામરાયે સંખ્યાબંધ મુસ્લિમોને સરકારમાં અને લશ્કરમાં નીમ્યા. તેઓ રામરાયને પણ વફાદાર રહ્યા નહિ. રામરાય દક્ષિણનાં મુસ્લિમ રાજ્યોના આંતર-રાજ્ય રાજકારણમાં ગૂંચવાતો રહ્યો; પરન્તુ વિજયનગરમાં તેની સત્તા વધવાથી તેના સાથીઓ તથા શત્રુઓ ચોંકી ગયા અને રાક્ષસી-તંગડીની લડાઈમાં તેનો નાશ કરવા ભેગા થયા. સંપૂર્ણ સત્તા હસ્તગત કરવાની ઉતાવળમાં રામરાયે ભાડૂતી મુસ્લિમોને જવાબદાર હોદ્દા પર નીમીને તેમને રાજ્યની આંતરિક બાબતોમાં રસ લેતા કર્યા. સરકાર તથા લશ્કરમાં મુસ્લિમોની સંખ્યા વધવાથી રાજ્યની સલામતી જોખમમાં મુકાઈ.

વિજયનગરમાં સદાશિવનો રાજ્યાભિષેક થયા બાદ દક્ષિણના પ્રાંતોમાં અશાંતિ પ્રવર્તી; તેથી ત્યાંના બળવાખોર રાજાઓ તથા ગોવાના પૉર્ટુગીઝ ગવર્નર સામે પગલાં લેવા રામરાયે તેના પિતરાઈઓ ચીના તિમા અને વિઠ્ઠલને મોટું લશ્કર આપીને બળવો દબાવી દેવા માટે મોકલ્યા. તેમણે ચન્દ્રગિરિ, તોંડાઇમંડલમ્, ભુવનગિરિનો કિલ્લો, મદુરા અને ત્રાવણકોર કબજે કરીને કેપ કોમૉરિનમાં વિજયસ્તંભ સ્થાપ્યો.

રામરાયે 1547માં પૉર્ટુગીઝો સાથે રાજકીય તથા વ્યાપારી સંધિ કરી; પરન્તુ આ મૈત્રી લાંબી ટકી નહિ. તેથી રામરાયે લશ્કર સહિત કૂચ કરી સાન થોમના શ્રીમંતોને લૂંટ્યા, તેના શાસકો પાસેથી ખંડણી લીધી અને એક લાખ પેગોડાની ખંડણીની માગણી કરી; તે વસૂલ કરવા બંદરના પાંચ મહત્વના નાગરિકોને જામીન (hostage) તરીકે પોતાની સાથે લીધા.

ઈ. સ. 1565ના જાન્યુઆરીમાં દખ્ખણનાં મુસ્લિમ રાજ્યો અને વિજયનગરના લશ્કર વચ્ચે થયેલ રાક્ષસી-તંગડીની લડાઈમાં વિજયનગરના લશ્કરનો નાશ થયો અને રામરાજાનો વધ કરવામાં આવ્યો. રામરાજા એક મહાન યોદ્ધો અને મુત્સદ્દી હતો. લશ્કરની વ્યૂહરચનાનું તેને જ્ઞાન હતું. દખ્ખણના સુલતાનો, પૉર્ટુગીઝો તથા ઉમરાવો સાથેનાં તેનાં કાર્યો તેને મુત્સદ્દી પુરવાર કરે છે. સામ્રાજ્યના આંતરિક વહીવટ ઉપરનો તેનો પ્રભાવ લાભદાયી પુરવાર થયો નહિ. પોતાની સત્તા મજબૂત બનાવવા તેણે રાજ્યની વહીવટી સેવાને ખોરવી નાખી હતી.

રામરાજા કલા તથા વિદ્વત્તાનો આશ્રયદાતા હતો. સંસ્કૃત તથા તેલુગુ ભાષાના વિદ્વાનો તેના દરબારને શોભાવતા હતા. તેના સમયમાં કેટલાંક શ્રેષ્ઠ મંદિરો તથા ઇમારતો બંધાયાં હતાં. દક્ષિણ ભારતના મહાન રાજાઓમાંનો તે એક હતો. ધર્મ પ્રત્યેની તેની દૃષ્ટિ વિશાળ તથા ઉદાર હતી. તે ચુસ્ત વૈષ્ણવ સંપ્રદાયનો હોવા છતાં અન્ય સંપ્રદાયોમાં માનવાની લોકોને છૂટ હતી. અન્ય ધર્મના લોકો સાથે તે સમાન વ્યવહાર કરતો. લડાઈઓ ન થતી હોય ત્યારે તે લોકોના કલ્યાણનો ખ્યાલ રાખતો. તેના રાજ્યમાં લોકો સુખી હતા.

જયકુમાર ર. શુક્લ