રામમૂર્તિ (જ. 1878, વીરઘટ્ટમ, આંધ્રપ્રદેશ; અ. 1938) : વિશ્વની મહાન શક્તિશાળી વ્યક્તિઓમાંની એક. રામમૂર્તિ જેટલી શક્તિ ધરાવનાર વ્યક્તિઓ વર્ષોમાં નહિ, પરંતુ યુગોમાં એકાદ જન્મે છે. એમના શરીરમાં અદભુત શક્તિ હતી; દા.ત., તેઓ પોતાની છાતી પર હાથી ઊભો રાખી શકતા હતા; ચાલતી મોટર રોકી શકતા હતા; ઊભી રહેલી ટ્રેન જવા નહોતા દેતા; ભેંસને ઊંચકીને સીડીઓ ચઢી જતા; છાતી પર મોટી ચટ્ટાન રખાવીને તોડાવી લેતા; 50 માણસોથી ભરેલી ગાડીને પોતાના શરીર પરથી પસાર કરાવી દેતા અને નાળિયેરના ઝાડને હલાવીને નાળિયેર પાડી નાંખતા. તેમનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો અને તેમના પિતા પોલીસ ઇન્સ્પેક્ટર હતા. જ્યારે તેઓ ફક્ત બે વર્ષના હતા ત્યારે તેમનાં માતાનું અવસાન થયું હતું. બાળપણમાં તેઓ નબળા અને પાતળા હતા અને પાંચ વર્ષની વયે ગંભીર અસ્થમા થઈ ગયો હતો. આ રીતે તેઓ પોતાના શરીરની નબળાઈ જોઈને ખૂબ જ દુ:ખી થતા હતા અને કલ્પના કરતા હતા કે તેઓ શા માટે હનુમાન, ભીમ, ભીષ્મ જેવા શક્તિશાળી ન બની શકે. ત્યારબાદ તેમણે ભારતીય વ્યાયામમાં રુચિ લેવાનું શરૂ કર્યું અને દંડ, બેઠક અને કુસ્તી નિયમિત રીતે કરવા માંડ્યાં. સતત અભ્યાસને લીધે તેમના શરીરમાં ન કલ્પી શકાય તેટલી વૃદ્ધિ થઈ અને થોડાક દિવસોમાં એમની ગણના ભારતના પ્રસિદ્ધ પહેલવાનોમાં થવા માંડી. યુવાનીમાં એમની સામાન્ય છાતીનું માપ 48 ઇંચ અને ફુલાવતાં 56 ઇંચ થતું હતું.

રામમૂર્તિ ભારતીય વ્યાયામપદ્ધતિમાં સંપૂર્ણ વિશ્ર્વાસ રાખતા હતા. શાળા દરમિયાન તેઓ ફૂટબૉલ પણ રમતા, પરંતુ તેમને શરીર-સૌષ્ઠવ સુધારવામાં વધુ રસ હતો એટલે જ તેઓ દરરોજ સવારમાં ઊઠીને 6 માઈલ દોડવા જતા. ત્યારબાદ અખાડે જઈને કુસ્તી લડતા અને ફરી 6 માઈલ દોડ્યા બાદ તરવા માટે જતા. ત્યારબાદ 1,500થી 3,000 દંડ અને 5,000થી 10,000 બેઠક લગાવતા.

રામમૂર્તિ સંપૂર્ણ રીતે શાકાહારી હતા. દહીં એમનો પ્રિય ખોરાક હતો. તેમણે દુનિયાના પ્રસિદ્ધ કુસ્તીબાજ સૅન્ડો સાથે કુસ્તી કરવા પડકાર ફેંક્યો હતો. પરંતુ સૅન્ડોએ કહ્યું કે રામમૂર્તિ તો કાળો માણસ છે અને તે કાળા માણસ સાથે કુસ્તી કરવા માંગતો નથી. એમ કહીને આ પડકાર સ્વીકાર્યો નહિ. હકીકતમાં તો સૅન્ડોને હારી જવાની બીક હતી. રામમૂર્તિએ સૅન્ડો કરતાં બમણું વજન ઊંચકીને સિદ્ધ કરી આપ્યું હતું કે તેઓ સૅન્ડો કરતાં વધુ બળવાન છે. કેટલાક તો એમની વિશિષ્ટ શક્તિ જોઈને ઈર્ષા કરવા માંડ્યા હતા અને તેથી જ તેમને બે વાર ઝેર પણ આપવામાં આવ્યું હતું; પરંતુ તેમના સશક્ત શરીરે ઝેરને પણ પચાવી લીધું હતું. શરીર-સૌષ્ઠવના આશ્ર્ચર્યચકિત પ્રયોગો બતાવવા માટે તેમણે પોતાનું સર્કસ પણ શરૂ કર્યું. તેમનો છાતી પર લાકડાનું પાટિયું મૂકીને હાથીને ઊભો રાખવાનો પ્રયોગ તો વિશ્વવિખ્યાત બન્યો હતો.

રામમૂર્તિ ફક્ત સશક્ત શરીર ધરાવનાર પહેલવાન જ ન હતા, પરંતુ જ્ઞાની અને વિવેકશીલ વ્યક્તિ પણ હતા. તેમને અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી ભાષાનું સારું જ્ઞાન હતું. તેઓ બ્રહ્મચર્યના કટ્ટર હિમાયતી હતા. રામમૂર્તિનું મૃત્યુ સાઠ વર્ષની ઉંમરે 1938માં થયું હતું; પરંતુ આજે પણ રામમૂર્તિની અદ્ભુત શક્તિની ચર્ચા સમગ્ર વિશ્વમાં થાય છે અને આજે પણ દરેક ભારતવાસીને તેમની શક્તિના પ્રયોગો માટે ગૌરવ છે.

પ્રભુદયાલ શર્મા