રામરાજ્ય : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1943. ભાષા : હિંદી. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : વિજય ભટ્ટ, સંવાદ : સંપતલાલ શ્રીવાસ્તવ ‘અનુજ’. ગીતકાર : રમેશ ગુપ્તા. સંગીત : શંકરરાવ વ્યાસ. કલા નિર્દેશન : કનુ દેસાઈ. છબિકલા : પી. જી. કુકડે. મુખ્ય કલાકારો : શોભના સમર્થ, પ્રેમ અદીબ, ઉમાકાન્ત, બદરીપ્રસાદ, યશવંત પંડિત.

રામાયણના એક પ્રસંગ પર આધારિત આ ચિત્ર મહાત્મા ગાંધીએ જોયું હતું. આ ચિત્ર જોવા માટે ગાંધીજીએ અમુક નિશ્ચિત સમય જ ફાળવ્યો હતો, પણ પછી આખું ચિત્ર જોયું હતું. રામાયણના એક પ્રસંગ પરથી બનાવેલું આ ચિત્રનું કથાનક છે. લંકાપતિ રાવણનો વધ કરીને રામ અયોધ્યા આવે છે. તેમનો રાજ્યાભિષેક થાય છે. એક દિવસ અયોધ્યામાં એક ધોબી પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકે છે અને સાથે એવો ટોણો મારે છે કે ‘હું કંઈ રામ નથી કે તને ઘરમાં રાખું’. સીતાની પવિત્રતા વિશે ઉઠાવાતી શંકાની વાતની જ્યારે રામને ખબર પડે છે ત્યારે તેઓ સીતાને વનમાં મોકલી આપે છે. સીતા ઋષિ વાલ્મીકિના આશ્રમમાં રહે છે. ત્યાં તેમને બે પુત્રોનો જન્મ થાય છે, જેમનાં નામ લવ અને કુશ રાખવામાં આવે છે. લવ અને કુશનો ઉછેર વાલ્મીકિની દેખરેખ હેઠળ થાય છે. આ બાજુ રામ અશ્વમેધ યજ્ઞ કરે છે. તે માટે ઘોડો છુટ્ટો મૂકવામાં આવે છે. જો કોઈ આ ઘોડાને અટકાવીને રામને પડકાર ફેંકે તો તેણે રામની સેના સાથે યુદ્ધ કરવું પડે. આ ઘોડાને બંને બાળકો – લવ-કુશ આગળ વધતો અટકાવે છે. રામની સેના સાથે તેઓ યુદ્ધ કરે છે. યુદ્ધનાં દૃદૃશ્યોમાં કરાયેલી ટ્રિક ફોટોગ્રાફીએ પણ એ સમયે ભારે આકર્ષણ જગાવ્યું હતું. યુદ્ધની ઘટના રામ અને સીતાના પુનર્મિલનનું કારણ બને છે. જોકે  સીતા એ પછી ધરતીમાતાને પોતાના ખોળામાં સમાવી લેવા પ્રાર્થના કરે છે અને ધરતીમાં સમાઈ જાય છે. આ ચિત્રે એ જમાનામાં દેશભરમાં ધૂમ મચાવી હતી. પડદા પર લવ અને કુશ બંને બાળકો દ્વારા ગવાયેલું ‘ભારત કી એક સન્નારી કી હમ કથા સુનાતે હૈં’ ખૂબ લોકપ્રિય થયું હતું. આ ચિત્રને મરાઠીમાં પણ બનાવાયું હતું અને તેમાં પણ ખૂબ સફળ થયું હતું.

હરસુખ થાનકી