રાધાકૃષ્ણન્, સર્વપલ્લી (ડૉ.) (જ. 5 સપ્ટેમ્બર 1888, તિરુતાની, તામિલનાડુ; અ. 16 એપ્રિલ 1975, ચેન્નાઈ) : આજન્મ શિક્ષક, સર્વતોમુખી પ્રતિભા ધરાવતા મેધાવી ચિંતક, રાજનીતિજ્ઞ અને ભારતના રાષ્ટ્રપ્રમુખ. પિતા વીર સામટ્યા તહેસીલદાર હતા અને તેઓ તેમનું બીજું સંતાન હતા. આઠ વર્ષની વય સુધી વતન તિરુતાનીમાં વસવાટ કર્યો અને બાદમાં તિરુપતિમાં અભ્યાસ કર્યો. કૉલેજ-શિક્ષણ વેલોર અને ક્રિશ્ર્ચિયન કૉલેજ, ચેન્નાઈમાં મેળવ્યું. અભ્યાસના વિષય તરીકે ફિલૉસૉફીની પસંદગી નરી આકસ્મિક હતી. તેઓ ગણિત, ભૌતિકશાસ્ત્ર, તત્વજ્ઞાન કે ઇતિહાસ જેવા વિષયોની પસંદગીની અવઢવમાં હતા તેવામાં એક સ્નેહી દ્વારા ફિલૉસૉફીના ત્રણ ગ્રંથો વાંચવા મળ્યા. તેમાં રસ પડ્યો અને આ વિષય પર તેમની વરણી ઊતરી. આ જ અરસામાં સંસ્કૃત તથા હિન્દીનો તેમજ વેદો અને ઉપનિષદોનો ઊંડો અભ્યાસ કર્યો. ક્રિશ્ર્ચિયન કૉલેજમાંના અભ્યાસ દરમિયાન 1906માં તેઓ શિવકામામ્મા સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1908માં સ્નાતક થયા બાદ તુરત જ પ્રોવિન્શ્યલ એજ્યુકેશન સર્વિસમાં જોડાયા. આ સેવાના ભાગ રૂપે ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાં પ્રારંભે વ્યાખ્યાતા અને પછી આસિસ્ટન્ટ પ્રોફેસર ઑવ્ ફિલૉસૉફી તરીકે તેમની નિમણૂક થઈ.
અહીંથી પ્રારંભાયેલી તેમની કારકિર્દી ઉત્તરોત્તર પાંગરતી રહી. કારકિર્દીના આ પ્રાથમિક તબક્કામાં તેમનું શૈક્ષણિક હીર પ્રગટ્યું, વધુ ને વધુ ઉન્નત હોદ્દાઓ તેઓ સર કરવા લાગ્યા. ચેન્નાઈ પછી મૈસૂર ખાતે પ્રોફેસર ઑવ્ ફિલૉસૉફી (1918-21) તરીકે તેમણે સેવાઓ આપી. ત્યારબાદ કોલકાતા યુનિવર્સિટીની કિંગ જ્યૉર્જ ફિફથ કૉલેજમાં (1921-31; 1937-41) પ્રાધ્યાપક રહ્યા. વચ્ચે થોડાં વર્ષો (1931-36) આંધ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવાઓ આપી. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેઓ પૌરસ્ત્ય ધર્મો અને નીતિશાસ્ત્રના પ્રાધ્યાપક (1936-52) નિમાયા. આ સ્થાન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. વધુમાં તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીના કુલપતિ(1939-48)નું અને દિલ્હી યુનિવર્સિટીના કુલાધિપતિ(1953-62)નું પદ પણ શોભાવ્યું. શિક્ષણક્ષેત્રની તેમની દીર્ઘ કારકિર્દી વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ ચાહના પામી. વિષયની સમજ કેળવવા મથતી વેધક દૃષ્ટિ, તેને સાંગોપાંગ અભિવ્યક્ત કરવાનું કૌશલ્ય અને મૌલિક ચિંતને તેમને આ ક્ષેત્રની પ્રથમ હરોળમાં સ્થાન અપાવ્યું. દેશવિદેશમાં આજન્મ શિક્ષક તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા. આ કારણસર તેમનો જન્મદિન શિક્ષકદિન તરીકે નિર્ધારિત થયો.
શૈક્ષણિક કારકિર્દી ઉપરાંત રાજકીય ક્ષેત્રે ભારતનાં હિતોનું સમુચિત પ્રતિનિધિત્વ કરીને તેઓ ઉત્તમ રાજનીતિજ્ઞ પુરવાર થયા. યુનેસ્કોમાં તેમણે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ (1946-52) કર્યું. ભારત સરકારે તેમને યુનિવર્સિટી એજ્યુકેશન કમિશનના અધ્યક્ષ (1948) નીમ્યા. એ જ વર્ષે તેઓ યુનેસ્કોના એગ્ઝિક્યૂટિવ બૉર્ડના અધ્યક્ષ (1948-49) ચૂંટાયા. તેઓ ભારત સરકારના સોવિયેત સંઘ ખાતેના એલચી (1949થી ’52) તરીકે પણ નિમાયા. ત્યારબાદ બે વાર ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ (1952-56 અને 1957-62) તેમજ પછીથી રાષ્ટ્રપ્રમુખ (1962-66) તરીકે ચૂંટાયા. ઘરઆંગણે અને વિદેશોમાં 100થી વધુ યુનિવર્સિટીઓ દ્વારા તેમને માનાર્હ ડૉક્ટરેટની પદવીઓ એનાયત થયેલી. રાજકીય હિતોને કેન્દ્રમાં રાખી, અસાધારણ દૂરંદેશી દાખવીને તેમણે ભારત-રશિયાના દૃઢ સંબંધોનો પાયો નાંખ્યો. પ્લેટો-કલ્પિત ‘ફિલૉસૉફર કિંગ’ની રૂડી કલ્પના જાણે એમના થકી સાકાર થઈ. બ્રિટિશ સરકારે તેમને ઑનરરી મેમ્બર ઑવ્ ઑર્ડર ઑવ્ મેરિટ (જૂન 1963) નીમ્યા. વધુમાં, તેઓ પીઈએન કૉંગ્રેસના ડેલિગેટ (1959) બન્યા અને આંતરરાષ્ટ્રીય પીઈએનના ઉપાધ્યક્ષ પણ નિમાયા. બ્રિટિશ એકૅડેમીના માનાર્હ ફેલો તરીકે પણ તેઓ સ્થાન પામ્યા. હાર્વર્ડ યુનિવર્સિટી (અમેરિકા) ખાતે યોજાયેલી કૉંગ્રેસ ઑવ્ ફિલૉસૉફીમાં તેમણે કોલકાતા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
શૈક્ષણિક વ્યાખ્યાનોના ભાગરૂપે અને રાજનીતિજ્ઞ સ્વરૂપે વિશ્વભરના વિવિધ દેશોના વ્યાપક પ્રવાસની તક પણ તેમને સાંપડી હતી. પ્રારંભે હિંદી ચીનના દેશોના અને ત્યારબાદ યુરોપ અને આફ્રિકાના વિવિધ દેશોના પ્રવાસો ખેડી હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિશેની સાચી સમજ વિકસાવવામાં તેમનું ભારે યોગદાન હતું.
કાર્યોના આવા અસાધારણ વ્યાપ છતાં વાચન અને મનન તેમની પ્રવૃત્તિઓના કેન્દ્રમાં હતાં. પરિણામે અત્યંત કાર્યરત રહેવા છતાં તેમણે સંસ્કારજગતમાં પ્રસિદ્ધ એવા કેટલાક ગ્રંથોની રચના કરી. અનુસ્નાતક-કક્ષાની પરીક્ષા માટે તૈયાર કરેલો મહાનિબંધ ‘ધી એથિક્સ ઑવ્ વેદાન્ત ઍન્ડ ઇટ્સ મટિરિયલ પ્રીસપોઝિશન’ (1908) ગ્રંથ સ્વરૂપે સૌપ્રથમ પ્રકાશિત થયો ત્યારે તેમની ખ્યાતિ ચોમેર ફેલાઈ. ત્યારબાદ તેમનું ઊંડું અને મૌલિક ચિંતન અભિવ્યક્ત કરતા ઘણા ગ્રંથો પ્રકાશિત થયા; જેમાં ‘ધ ફિલૉસૉફી ઑવ્ રવીન્દ્રનાથ ટાગોર’ (1918), ‘ધ ફિલૉસૉફી ઑવ્ ઉપનિષદ્’ (1924), ‘ઇન્ડિયન ફિલૉસૉફી’ (2 ભાગ, 1923 અને 1927), ‘ઈસ્ટર્ન રિલિજિયન ઍન્ડ વેસ્ટર્ન થૉટ’ (1939), ‘એજ્યુકેશન, પૉલિટિક્સ ઍન્ડ વૉર’ (1944); ‘ગ્રેટ ઇન્ડિયન્સ’ (1949); ‘ધ ધમ્મપદ’ (1950) વિશેષ ઉલ્લેખનીય છે. હિંદુ ધર્મ વિશે સાચી, ગહન અને તાર્કિક સમજ વિકસાવતો ગ્રંથ ‘ધ હિંદુ વ્યૂ ઑવ્ લાઇફ’ (1926) તેમની યશોદાયી કૃતિ રહી છે. આ પ્રમુખ ગ્રંથો ઉપરાંત અન્ય ગ્રંથોમાં પણ તેમણે તત્વચિંતન, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ જેવા વિવિધ વિષયોની તલસ્પર્શી છણાવટ કરીને મૌલિક ચિંતન અભિવ્યક્ત કર્યું છે. ‘માય સર્ચ ફૉર ટ્રૂથ’ (1937) તેમની અપૂર્ણ આત્મકથા છે. ચિંતન-જગતના આ તેજસ્વી તારલાને અર્ઘ્ય રૂપે વિશ્વવ્યાપી ખ્યાતિપ્રાપ્ત સંસ્થા લાઇબ્રેરી ઑવ્ લિવિંગ ફિલૉસોફર્સે ‘ધ ફિલૉસૉફી ઑવ્ સર્વપલ્લી રાધાકૃષ્ણન્’ નામનો વિશાળ કદનો ગ્રંથ પ્રકાશિત કર્યો છે.
રક્ષા મ. વ્યાસ