રાધાકૃષ્ણન, સી. (જ. 15 ફેબ્રુઆરી 1939, ચમરાવટ્ટમ, માલાપ્પુરમ્, જિ. કેરળ) : મલયાળમ સાહિત્યકાર અને ફિલ્મકાર. તેમણે કાલિકટ તથા પાલઘાટ ખાતે યુનિવર્સિટી-શિક્ષણ લીધું હતું. પાલઘાટ ખાતેની વિક્ટૉરિયા કૉલેજમાં પ્રયુક્ત વિજ્ઞાનના વિષયમાં તેમણે અનુસ્નાતક વિદ્યાર્થી તરીકે નોંધણી કરાવી હતી, પરંતુ અભ્યાસક્રમ પૂરો કરતા અગાઉ 1961માં તેમણે કોડઈકેનલ ખાતેની ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરીમાં વૈજ્ઞાનિક મદદનીશ તરીકેની જગ્યા સ્વીકારી લીધી. લગભગ ચાર વર્ષ સુધી ત્યાં તેમજ પુણે ખાતે કામગીરી બજાવ્યા બાદ, ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ જૂથના સામયિક ‘સાયન્સ ટુડે’ના સહસંપાદક તરીકે જોડાયા. આ નોકરી પણ તેમણે છોડી દીધી અને કોચીનમાં સ્થાયી થઈને સ્વતંત્ર રીતે અને પૂરા સમય માટે લેખનની કારકિર્દી અપનાવી.

‘માતૃભૂમિ’ સાપ્તાહિકે યોજેલી નવલકથા-સ્પર્ધામાં તેમની પ્રથમ નવલકથા ‘નિઝલપ્પડુકલ’(‘ઇન ધ શૅડોઝ’)ની હસ્તપ્રતને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી ત્યારે તેઓ લેખક તરીકે પ્રકાશમાં આવ્યા. તે નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થતાં 1962માં તેમને કેરળ સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે લખેલી લગભગ તમામ નવલકથાઓ પુસ્તક રૂપે પ્રગટ થતા પહેલાં, સામયિકોમાં હપતાવાર છપાઈ હતી.

‘નિઝલપ્પડુકલ’ ઉપરાંત તેમણે 23 નવલકથાઓ લખી છે. ‘પૂજા મુથલ પૂજા વરે’ (‘ફ્રૉમ ધ રિવર ટુ ધ રિવર’), ‘પુલ્લિપ્પુલિકલમ વેલિનક્ષરત રન્નગલમ’ (‘લેપર્ડ્ઝ ઍન્ડ સિલ્વર સ્ટાર્સ’) તથા ‘સ્પંદનમપિનિ ક્લેનંદી’ (‘ફેરવેલ ટુ સિસ્મૉગ્રાફ’) – એ ત્રણ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. આમાંથી છેલ્લી કૃતિને 1988માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. 1990માં તેમને મહાકવિ ‘જી’ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

તેમની નવલકથાઓમાં વૈજ્ઞાનિક ઘડતર તથા પ્રાદેશિક અભિગમ પ્રધાનતા ભોગવે છે. સંશોધનકેન્દ્રો તથા પ્રયોગશાળાઓમાં કામ કરતા અસંતુષ્ટ વૈજ્ઞાનિકો તથા ટૅક્નૉલૉજિસ્ટોનાં પાત્રો તેમના કથાજગતમાં આગળ પડતાં તરી આવે છે. તેમની નવલકથાઓની બીજી લાક્ષણિકતા એ છે કે તેમનાં મોટાભાગનાં પાત્રો કેરળ બહારનાં છે. તેમની પોતાની ચાર નવલકથાઓના આધારે તેમણે ચાર ફીચર-ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે.

તેમની અન્ય કૃતિઓમાં ટૂંકી વાર્તાના ચાર સંગ્રહો, એક નાટક, એક કાવ્યસંગ્રહ, એક પ્રવાસકથા, તેમજ વિજ્ઞાનનાં ત્રણ પુસ્તકોનો સમાવેશ થાય છે.

મહેશ ચોકસી