રાઠોડ, રામસિંહજી (જ. 8 ડિસેમ્બર 1917, ભૂઅડ, જિ. કચ્છ; અ. 25 જૂન 1997, ભુજ) : કચ્છનાં ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, લોકસાહિત્ય, કલા અને ભૂસ્તરના ઊંડા અભ્યાસી અને ભારતીય વનસેવામાં વન-અધિકારી. તેમના પિતાનું નામ કાનજીભાઈ તથા માતાનું નામ તેજબાઈ હતું. તેઓ ક્ષત્રિય હતા. ભુજમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. 1933માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ. ‘કુમાર’ના વાચનથી તેમની સાહિત્ય, કલા, ફોટોગ્રાફી વગેરે પ્રત્યેની અભિરુચિ વધી. તેમણે ‘બંસરી’ નામે હસ્તલિખિત માસિક એક મિત્ર સાથે મળીને કાઢ્યું હતું. તેને ચિત્રોથી સજાવતા હતા.
કચ્છ રાજ્ય તરફથી 1935માં દહેરાદૂન જઈ ત્યાંની ઇમ્પીરિયલ ફૉરેસ્ટ કૉલેજમાં વનવિદ્યાનો અભ્યાસ કરીને 1937માં વનવિદ્યાનો ડિપ્લોમા મેળવ્યો. તે પછી તેઓ કચ્છ રાજ્યના જંગલ ખાતામાં રેઇન્જ ફૉરેસ્ટ ઑફિસર તરીકે નિમાયા. તેની કામગીરી દરમિયાન તેમણે સેંકડો કિલોમિટરનો પ્રવાસ કર્યો અને કચ્છની લોકકલાઓ, લોકસાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, ભૂસ્તર, પુરાતત્વ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. બનારસ હિંદુ યુનિવર્સિટીના ભૂસ્તર-વિભાગના વડા ડૉ. રાજનાથ કચ્છના ભૂસ્તરનો પ્રત્યક્ષ અભ્યાસ કરવા આવ્યા ત્યારે રામસિંહનું એ વિષયમાં ઊંડું જ્ઞાન જોઈ પ્રભાવિત થયા. તેમની ભલામણથી રાજ્ય તરફથી તેમને ભૂસ્તરવિદ્યાના ઉચ્ચ અભ્યાસાર્થે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા. ત્યાંથી તેઓ 1949માં એમ.એસસી. થઈ પાછા ફર્યા ત્યારે તેમને કચ્છ રાજ્યના ફૉરેસ્ટ સુપરિન્ટેન્ડન્ટ તરીકે નીમવામાં આવ્યા. તે પછી તેમને વનવિભાગના વડા, સ્પેદૃશ્યલ ફૉરેસ્ટ ઑફિસર, ગુજરાત રાજ્યમાં વિભાગીય વન-અધિકારી અને છેલ્લે ભારતીય વનસેવામાં વન-અધિકારી હતાં.
તેમણે એપ્રિલ 1949માં ‘કુમાર’ માસિકમાં ‘ગુજરાતમાં પેટ્રોલિયમ’ શીર્ષક હેઠળ લેખ લખી, ભારતને પશ્ર્ચિમ કાંઠે ખંભાતના તથા કચ્છના અખાતનો વિસ્તાર પેટ્રોલિયમ મળવા માટે આશાસ્પદ હોવાનું સૌથી પહેલું પ્રતિપાદિત કર્યું હતું. તેમણે કચ્છની સમગ્ર ધરતીનો પ્રવાસ કરીને પૌરાણિક ખંડેરો, પુરાઈ ગયેલાં બંદરો, પ્રાચીન મંદિરો, દેરીઓ, પાળિયા, મસ્જિદો, મૂર્તિઓ વગેરેનો અભ્યાસ કરી કથા-દંતકથા, ઇતિહાસ, ભૂગોળ વગેરે અંગેની ઘણી વિગતો ભેગી કરી. તેને લગતાં નકશા, ચિત્રો, ફોટા ઇત્યાદિ એકઠાં કરી, તે સર્વના આધારે ‘કુમાર’ માસિકમાં લેખમાળા આપી અને તેનું ‘કચ્છનું સંસ્કૃતિદર્શન’ – એ ગ્રંથ સ્વરૂપે ઈ. સ. 1959માં પ્રકાશન થયું. આ ગ્રંથની કદર રૂપે તેમને ગુજરાત સરકારનું રૂ. 2,000/-નું તથા કેન્દ્ર સરકારની સાહિત્ય અકાદમીનું રૂ. 5,000/-નું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. આ ગ્રંથ માટે તેમને ગુજરાત સાહિત્ય સભા (અમદાવાદ) તરફથી 1962ના વર્ષનો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારપછી પણ તેમનું લેખનકાર્ય ચાલુ રહ્યું હતું. તેમનું બીજું પુસ્તક ‘ગુજરાતી ભાષામાં ભણતર તથા ગુજરાતી સાહિત્ય’ નામે પ્રગટ થયું છે. આ પુસ્તક કચ્છી બોલી વિશે પ્રકાશ પાડે છે. આ ઉપરાંત ‘કચ્છ ઍન્ડ રામરાંધ’ નામે પુસ્તક પણ તેમણે લખ્યું છે રામરાંધનો અર્થ કચ્છી રામલીલા થાય છે. તે ગ્રંથમાં કચ્છી રામલીલા ઉપરાંત ચિત્રકલા, મૂર્તિઓ, ભૂગોળ, લોકસંસ્કૃતિ, ઇતિહાસ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના જીવનભરના સંશોધનની ઝલક ભુજ મુકામે તેમણે સ્થાપેલા ‘ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છ’ નામના સંગ્રહાલયમાં દૃદૃષ્ટિગોચર થાય છે.
જયકુમાર ર. શુક્લ