રાણકદેવી : ગુજરાતી ચલચિત્ર. ઐતિહાસિક કથાનક પર આધારિત ‘રાણકદેવી’નું નિર્માણ 1946 અને ફરી 1973માં થયું. સનરાઇઝ પિક્ચર્સનું ‘રાણકદેવી’ વિષ્ણુકુમાર વ્યાસના નિર્દેશન સાથે 1946માં રજૂ થયું હતું. સ્વાર્પણ અને ત્યાગની આ પ્રેમકથાનું આલેખન મોહનલાલ ગોપાળજી દવે અને પટકથાનું આલેખન વિષ્ણુકુમાર વ્યાસનાં હતાં. પ્રસિદ્ધ કવિ કરસનદાસ માણેકે સંવાદો લખ્યા હતા અને ગીતો ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કવિ મનસ્વી પ્રાંતિજવાળાનાં હતાં. ભગવાનદાસ, છનાલાલ અને મા. ધૂળિયા જેવા અદાકારો અને અંજના, મોતીબાઈ, દુલારી, નિરૂપા રૉય જેવી અભિનેત્રીઓના અભિનયનો લાભ આ ફિલ્મને મળ્યો હતો. સંગીત છનાલાલ ઠાકુરનું હતું.

ફિલ્મની ઐતિહાસિક કથા સાથે લોકકથા-દંતકથાના પ્રસંગો પ્રયોજીને શુદ્ધ ઇતિહાસ સાથે છેડછાડ કરાઈ હતી, છતાં પ્રેક્ષકોએ ફિલ્મને પસંદ કરી હતી. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ પાટણના ગાદીપતિ હતા. નિ:સંતાન હોવાને કારણે પોતાની રાણીઓ સાથે શિવજીની કમળપૂજાનો નિશ્ર્ચય, બારોટ શ્રીકંઠના પ્રયત્નથી જૂનાગઢ પાસે આવેલ મજેવડી ગામના હડમત કુંભારની પાલકપુત્રી અને મૂળ સિંધના પરમારની પુત્રી રાણક સાથેનાં ખાંડા-લગ્ન અને તેનાથી સંતાન થશે તેવો બારોટનો કોલ, ખાંડા-લગ્ન પહેલાં જૂનાગઢના રાજા રા’ખેંગાર દ્વારા પિતા રા’નવઘણનું વેર વાળવા અને સિદ્ધરાજનું નાક કાપવા રાણકનું કરાયેલું અપહરણ સિદ્ધરાજનું ગુસ્સાથી જૂનાગઢ પર આક્રમણ, રા’ખેંગારના ભાણેજ દેશળ-વિશળની દગાખોરીના કારણે સિદ્ધરાજનો વિજય અને રાણકને લઈને પાટણ જવા નીકળવું, પણ રસ્તામાં વઢવાણ પાસે ભોગાવો નદીના કાંઠે તેનું સતી થઈ જવું  જેવી ઘટનાઓ આ બંને ફિલ્મોમાં રજૂ થઈ હતી.

1973માં બનેલી રાણકદેવી ફિલ્મ ચિત્રકલામંદિરની રજૂઆત હતી. નિર્માણ ચાંપશીભાઈ નાગડા, ગીત-સંગીત અવિનાશ વ્યાસ તથા નિર્દેશન બાબુભાઈ મિસ્ત્રીનાં હતાં. મુખ્ય કલાકારો તરલા મહેતા, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ પંડ્યા અને અરવિંદ ત્રિવેદી વગેરે હતાં.

પ્રથમ ફિલ્મનાં ગીતો ‘લાખ લાખ દીવડાની આરતી ઉતારજો’, ‘મારે તે ગામડે એક વાર આવજો’, ‘ઘણી ખમ્મા, મારા બાલુડાંને ઘણી ખમ્મા’ વગેરે ખૂબ જાણીતાં થયાં હતાં. ચિત્રકલામંદિરની રાણકદેવી ફિલ્મનાં જાણીતાં ગીતો ‘પનઘટ પાણી ગ્યાં’તાં, કોઈની નજરું લાગી અમને, બેડલું ખાલીખમ’, ‘આસો માસો શરદ-પૂનમની રાત જો, ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં’, ‘ભજનમાં ભંગ પડ્યો રે મારા ભાઈ’ વગેરે હતાં. બંને ‘રાણકદેવી’ ફિલ્મોમાં આ કથાનક અંગે જાણીતા સોરઠી લોકદુહાઓનો ઉપયોગ ના કરવામાં આવ્યો હતો.

હરીશ રઘુવંશી