રંગ બિન્નપા (1963) : કન્નડ લેખક એસ. વી. રંગન્ના રચિત ચિંતનાત્મક લખાણો તથા ધાર્મિક બોધનો ગ્રંથ. તેમાં ‘વચન’ના નમૂના મુજબ લખાયેલી 1,212 પદ્યાત્મક ગદ્ય રચનાઓનો સંગ્રહ છે. જ્ઞાનસાધનાને વરેલા આ વિદ્વાનની પારદર્શક દૂરંદેશિતા તેમાં ઠલવાઈ છે. સ્ત્રી-પુરુષોનાં સ્વભાવ તથા રીતભાતનાં આ વિલક્ષણ નિરીક્ષકનાં કેટલાંક ચિંતનો સંક્ષિપ્ત, મુદ્દાસર તથા અર્થસાધક છે; બીજાં કેટલાંક પ્રસ્તારપૂર્વકનાં અને વિદ્વત્તાથી લદાયેલાં છે. તે કોઈ પૂર્વ-પ્રસંગ કે કલ્પિત વાર્તાલાપ પર રચાયેલાં હોય છે. આ બધાં જુદાં જુદાં લખાણોમાં બહુ મોટો સમયગાળો વીત્યો છે અને ટીપે ટીપું એકઠું કરાય એ રીતે એ સંગૃહીત કરાયું છે; આથી બધાં લખાણ એકસરખાં લાગતાં નથી. તેમાંની ઉત્તમ રચનાઓ કોઈ ચળકતા રત્ન જેવી બની છે.

એમાંનાં બધાં જ ચિંતનાત્મક લખાણો ગંભીર પ્રકારનાં નથી; કેટલાંકમાં હાસ્યરસિક ટુચકા કે કથાપ્રસંગો પણ છે.

આ કૃતિનો કેટલાંક જીવનોપયોગી અને સાચવી રાખવા જેવાં પુસ્તકોમાં સમાવેશ થાય છે. પૌષ્ટિક આહારની જેમ થોડા થોડા પ્રમાણમાં તેનું વિચાર-પોષણ ઉપયોગી થાય એવું છે. આ કૃતિને 1965ના વર્ષ માટેનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.

મહેશ ચોક્સી