રંગભાવન (toning) : છબીકલાની એક મહત્વની પ્રક્રિયા. સાદી ભાષામાં કહીએ તો છબીનો સૌથી ઊજળો સફેદ ભાગ, સૌથી શામળો ભાગ અને એ બે વચ્ચેનો સામાન્ય પ્રકાશવાળો ભાગ – એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલા વિસ્તારનો મુખ્ય આધાર પદાર્થ પર પડતા પ્રકાશની દિશા અને તીવ્રતા પર હોય છે. રંગીન કે શ્યામ-શ્ર્વેત, કોઈ પણ સારી છબી ભભકની રચના પર આધારિત હોય છે. અલબત્ત, છબીકલામાં રંગભાવન મોટો ભાગ ભજવે છે, પરંતુ માત્ર રંગભાવન ખાતર જ છબી ખેંચાતી નથી હોતી. સારી છબીની ખૂબી છબીના વિષય અને લક્ષ્ય પર આધારિત હોય છે. હકીકતે, ઘણા ધંધાદારી તસવીરકારો પોતાની છબીને વધુ આકર્ષક બનાવવા માટે તેમના પુસ્તકિયા જ્ઞાન મુજબ પ્રકાશ આપવાની સંપૂર્ણ અવધિ પાળવાની અવારનવાર અવગણના કરતા હોય છે.

રંગભાવનની મૂળભૂત જરૂરત પ્રકાશ અને છબી ખેંચવાની દિશા પર જ છે. છતાં આ મૂળભૂત નિયમમાં શો ફેરફાર કરવો તથા જરૂરી વાતાવરણ પેદા કરવા માટે ફિલ્મની લવચીકતા અનુસાર ફિલ્મ પર વધારે પડતો કે અત્યંત ઓછો પ્રકાશ પડવા દેવો તે માત્ર તસવીરકાર જ નક્કી કરી શકે. પરંતુ હકીકતમાં તસવીરકારે પોતાની છબીને કેવો ઓપ આપવો તેના અર્થઘટન પર જ તે અવલંબિત રહે છે. છબીની ભભકને છબીના વિષય સાથે ગાઢ સંબંધ રહેલો હોય છે; જ્યારે પ્રભાવક-ભાવનાત્મક પ્રતિભાવ પેદા કરવા માટેનો હેતુ રાખવામાં આવેલ હોય ત્યારે તો ખાસ આ સંબંધ કેળવવા માટે રંગની છટાને મનોભાવ અને પસંદગી સાથે સરખાવી શકાય. સામાન્યત: શામળો રંગ રહસ્ય અને દહેશત સાથે અને સફેદ રંગ મુક્તિ, અવકાશ અથવા સૌમ્યતા સાથે સંકળાયેલો હોય છે.

એવા અનેક પ્રસંગો હોય છે જ્યારે પ્રકાશના પ્રવર્તમાન લક્ષણને આધારે છબી અથવા છબીઓની શૃંખલા ઝડપવા માટે તસવીરકારો લલચાતા હોય છે. કદાચ છબીને સૌમ્ય કરતાં પણ વધારે સૌમ્ય તેમજ નબળા પ્રકાશને વધારે શામળો અને ગમગીની ભરેલો બતાવવા માટે વાતાવરણને અતિશયોક્તિ ભરેલું બતાવતા હોય છે. આ રીતે તસવીરકારો પોતાના ફાયદા માટે પ્રકાશનો યથોચિત ઉપયોગ કરી લાભ લેતા હોય છે. જો કોઈ દૃશ્ય આકરા પ્રકાશથી ચમકતું હોય તો છબીના મુખ્ય લક્ષણ પર એકાગ્રતા હોય એવા પડછાયાવાળા ભાગને ઉડાડી દઈને મુખ્ય લક્ષણવાળી છબી બનાવવાનું પસંદ કરતા હોય છે. જો કોઈ તસવીરકાર પોતાની અંત:સ્ફૂર્તિના પ્રતિભાવ અને પસંદગી-શક્તિથી છબી ઝડપે તો તેની છબી અંતિમ પરિણામે સફળતા મેળવી શકે.

સામાન્ય રીતે, પોતે ઝડપેલી છબી સર્વોત્તમ બને એવું તસવીરકારો ઇચ્છતા હોય છે; કુદરત તેમને એ માટેની તક પણ આપતી હોય છે અને યેનકેન પ્રકારેણ સર્વોત્તમ પ્રયુક્તિ ધરાવતા કૅમેરા પણ તેઓ વસાવતા હોય છે, પરંતુ રંગભાવનના યોગ્ય જ્ઞાનના અભાવે જ તેમણે ઝડપેલી સારી છબી પણ કથળી જતી હોય છે. પરંતુ આ માટે ખાસ વ્યક્તિચિત્રો કે અદભુત દૃશ્યોની પ્રાપ્તિ હોવી જરૂરી નથી. રંગભાવન માટે ‘સૉફ્ટ’, ‘સ્પેશિયલ’, ‘હાર્ડ’ વગેરે પ્રકારના કાગળો ઉપલબ્ધ હોય છે, એટલે રંગભાવન પ્રાપ્ત કરવું તે આજકાલ સરળ બની ચૂક્યું છે, પરંતુ પોતાની અંગત પસંદગીને આધારે મોટાભાગના તસવીરકારો બધી છબીઓ સૉફ્ટ, સ્પેશિયલ કે હાર્ડ પ્રકારના કાગળો પર છાપીને ક્ષણિક લોકપ્રિયતા કમાતા હોય છે.

બધી સૌમ્ય, સામાન્ય કે ભેદભિન્ન રંગભાવનવાળી તસવીરો નબળી જ ગણાતી નથી, પરંતુ પ્રત્યેક છબીને યોગ્ય રંગભાવનવાળી બનાવવી એ માત્ર ક્ષણિક લોકપ્રિયતા ખાતર જ નહિ, પરંતુ વિશ્વના અનુભવી તસવીરકારોના મત પ્રમાણે કૅનેડાના યુસુફ કાર્શના સર વિન્સ્ટન ચર્ચિલના મશહૂર પૉર્ટ્રેટની જેમ વ્યક્તિ, પાર્શ્ર્વભૂમિ તથા પ્રકાશવ્યવસ્થા ધ્યાનમાં રાખવી આવશ્યક છે.

રમેશ ઠાકર