રંગબંધકો (mordants) : સૂક્ષ્મજીવોના વિવિધ ભાગોની અભિરંજન- પ્રક્રિયામાં રંગદ્રવ્યોનું ગ્રહણ સારી રીતે થઈ શકે તે માટે વપરાતાં રસાયણો. દાખલા તરીકે સૂક્ષ્મજીવોમાં આવેલાં કશા (flagella) જેવાં અંગો ખૂબ જ પાતળાં હોવાથી તેઓ સૂક્ષ્મદર્શકો વડે પણ જોઈ શકાતાં નથી; તેથી કશાઓના વ્યાસ વધારવામાં તેના પર સૌપ્રથમ રંગબંધકો વડે પ્રક્રિયા કરવામાં આવે છે. પરિણામે કશા પહોળી બને છે. ત્યારબાદ તેને બેઝિક ફુક્સિન, ટૅનિક ઍસિડ અને સોડિયમ ક્લૉરાઇડના બનેલા મિશ્રણથી અભિરંજિત કરવામાં આવતાં, કશાને સારી રીતે નિહાળી શકાય છે.

ગ્રામઅભિરંજન : સૂક્ષ્મજીવોના અભ્યાસ માટે હમેશાં વપરાતું એક રંગરંજક. આ રંગરંજક-પ્રક્રિયામાં પ્રથમ ક્રિસ્ટલ વાયોલેટ જેવા રંગબંધકો વડે અને ત્યારબાદ આયોડીનના દ્રાવણથી તેના પર પ્રક્રિયા કરવામાં આવે છે. છેવટે મંદ બેઝિક ફુક્સિન અથવા તો સૅફ્રેનિન જેવાં રંગદ્રવ્યોથી અભિરંજિત કરવામાં આવે છે.

ગ્રામ હકારાત્મક જીવાણુ(gram positive bacteria)ઓના કોષોમાં RNA (રાઇબોન્યૂક્લીઇક ઍસિડ) અને મૅગ્નેશિયમ રસાયણો સારી રીતે ફેલાયેલાં હોય છે. આ રસાયણો પ્રોટીન સાથે ભળી જઈને એક નવું સંયોજન બનાવે છે. તેના અભિરંજનમાં આયોડીનનો ઉપયોગ રંગબંધક તરીકે કરવામાં આવે છે અને ક્રિસ્ટલ વાયોલેટ રંગદ્રવ્ય તરીકે વપરાય છે. આ રંગ અત્યંત સ્થિર રહે છે અને ઍસિટોન કે આલ્કોહૉલ વાપરવાથી પણ જતો નથી.

જીવાણુઓની કોષદીવાલને સ્થાપિત કરવા માટે પણ રંગબંધકોનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પર રંગબંધક તરીકે ટૅનિક ઍસિડ વપરાય છે અને મોરથૂથુના રંગદ્રવ્યથી અભિરંજિત કરવામાં આવે છે. પરિણામે કોષદીવાલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

જીવાણુઓના કોષરસમાં જાતજાતના કણો આવેલા હોય છે. તેમને નિહાળવા લોફ્લર ઍલ્કલાઇન મિથિલીન બ્લૂનું મિશ્રણ વપરાય છે, જે રંગબંધક તેમજ રંગદ્રવ્યની ગરજ સારે છે. ઇયોસિન અને આયોડીન મિશ્રણથી અભિરંજિત કરવામાં આવતાં કણો જાતજાતના રંગો દ્વારા અભિવ્યક્ત થાય છે.

માઇક્રોબૅક્ટેરિયમ પ્રજાતિના જીવાણુઓ અત્યંત સૂક્ષ્મ હોય છે;  તેથી તેમનું અભિરંજન કરવું મુશ્કેલીભર્યું હોય છે. પરિણામે આ જીવાણુઓના સમૂહને પ્રથમ રંગદ્રવ્યોથી અભિરંજિત કરીને તેના પર મંદ ધાત્વીય તેજાબની પ્રક્રિયા કરવામાં આવતાં રંગદ્રવ્ય સ્થાયી બને છે અને તેને દૂર કરી શકાતું નથી.

પ્રક્રિયા માટે વપરાતા રંગબંધકો આમ્લિક અથવા તો આલ્કલિક હોય છે. ટૅનિક ઍસિડ, ફેરસ સલ્ફેટ, પિક્રિક ઍસિડ જેવા રંગબંધકો આમ્લિક છે, જ્યારે પોટૅશિયમ ઍન્ટિમોનિયમ ટાયટ્રેટ આલ્કલિક છે.

હોસંગ ફરામરોજ મોગલ

મ. શિ. દૂબળે