યુઆન શીકાઈ (જ. 1859, હોનાન પ્રાંત, ચીન; અ. 6 જૂન 1916) : ચીનના લશ્કરી નેતા અને પ્રજાસત્તાક ચીનના પ્રથમ પ્રમુખ. હોનાન પ્રાંતના ઉચ્ચ લશ્કરી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમને અભ્યાસ કરતાં અન્ય પ્રવૃત્તિમાં વિશેષ રસ હતો. તેઓ યુક્તિબાજ અને બાહોશ હતા. યુઆને તેમની કારકિર્દીની શરૂઆત લી-હુંગ ચાંગના સેનાપતિપદ હેઠળના લશ્કરમાં જોડાઈને કરી. તે લશ્કરી ટુકડીને 1882માં જાપાન સામે કોરિયા મોકલવામાં આવી હતી. 1885માં તેમને સોલ(Seol)માં ચીનના કમિશનર તરીકે નીમવામાં આવ્યા. 1894–95માં થયેલા ચીન-જાપાન યુદ્ધમાં જાપાને ચીનનાં લશ્કર અને નૌકાદળનો નાશ કર્યો. તેથી નવું તાલીમબદ્ધ લશ્કર તૈયાર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. 1898માં ચિહલી પ્રાંતના અને 1900માં શાંટુંગ પ્રાંતના ગવર્નર તરીકે તેમણે કાર્યક્ષમ સેવા બજાવી. તેમને સરકારમાં ઊંચા હોદ્દા વિધવા રાજમાતા ત્ઝૂ-સીની કૃપાથી મળ્યા હતા; પરંતુ 1908માં રાજમાતાનું અવસાન થયા બાદ તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા. ત્રણેક વર્ષ નિવૃત્તિ ભોગવ્યા બાદ, 1911માં ચીનમાં ક્રાંતિ થઈ ત્યારે તેમની જરૂર પડી. મંચુ સરકારે યુઆન શીકાઈને નવેમ્બર 1911માં વડાપ્રધાન અને લશ્કરના સરસેનાપતિપદે નીમ્યા. ફેબ્રુઆરી 1912માં મંચુ સમ્રાટે ગાદીત્યાગ કર્યો, અને ડૉ. સુન-યાત-સેને ક્રાંતિકારી સરકારનું પ્રમુખપદ છોડ્યું. તેથી 14 ફેબ્રુઆરીના રોજ યુઆન શીકાઈને ચીની પ્રજાસત્તાકના પ્રમુખ તરીકે ક્રાંતિકારી સભાએ ચૂંટી કાઢ્યા. આમ ચીનની 1911ની ક્રાંતિનું ફળ સામ્રાજ્યવાદી યુઆન શીકાઈને મળ્યું. સત્તાલોભી અને સ્વાર્થી હોવાથી, તેમણે સમગ્ર ક્રાંતિને નિષ્ફળ બનાવી. તેમણે પોતાનું પ્રમુખપદ આજીવન કરવાના અને નવો વંશ શરૂ કરવાના પ્રયાસો કર્યા. તેમણે વર્તમાનપત્રો પર નિયંત્રણો મૂક્યાં અને વિરોધીઓને કચડી નાખ્યા. તેમણે રાજધાની નાનકિંગથી બદલીને બેજિંગમાં રાખી. દક્ષિણ ચીનના યુનાન પ્રાંતના લોકોએ યુઆન શીકાઈના આપખુદ શાસનનો સખત વિરોધ કર્યો અને તેમની સામે વિદ્રોહ કર્યો. આ વિદ્રોહ દબાવી દેવાના તેમના પ્રયાસો નિષ્ફળતામાં પરિણમ્યા. તેમના વિરોધીઓ તેમને સત્તા પરથી દૂર કરે તે પહેલાં જ તેમનું અવસાન થયું.
જયકુમાર ર. શુક્લ