યુઆન રેમોં યિમેનેઝ (Juan Ramon Jimenez)

January, 2003

યુઆન રેમોં યિમેનેઝ (Juan Ramon Jimenez) (જ. 24 ડિસેમ્બર 1881, મોગુઅર, સ્પેન; અ. 29 મે 1958, સાન યુઆન, પી.આર.) : સ્પૅનિશ કવિ. તેમને તેમના સ્પૅનિશ ભાષામાં લખાયેલાં ઉચ્ચ આધ્યાત્મિક અને કલાત્મક ઊર્મિકાવ્યો માટે 1956નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો. આધુનિક કવિતામાં શુદ્ધ કવિતાની ફ્રેંચ વિભાવનાની હિમાયત કરવાનું મહત્વનું પ્રદાન યિમેનેઝે કર્યું છે.

યુઆન રેમોં યિમેનેઝ

યુઆન રેમોં યિમેનેઝ બાલ્યાવસ્થાથી જ કવિતા લખતા. તેમને ચિત્રકલામાં પણ ખૂબ રસ હતો. તેમણે યુનિવર્સિટી ઑવ્ સેવિલેમાં કાયદાનો અને ચિત્રકલાનો અભ્યાસ કર્યો હતો, પરંતુ સાહિત્યક્ષેત્રે તેઓ સમર્પિત હતા. 1900માં યિમેનેઝના બે કાવ્યસંગ્રહો – ‘Souls of Violet’ અને ‘Waterlilies’ પ્રગટ થયા હતા. આધુનિકતાવાદી સાહિત્યિક પ્રવૃત્તિના પ્રણેતા રુબેન ડારિઓ યિમેનેઝની કવિતાથી પરિચિત હતા. તેમણે યિમેનેઝને આમંત્રણ આપ્યું. તેઓ મેડ્રિડ ગયા. એ પછી તબિયતને કારણે તેમણે મેડ્રિડ છોડ્યું.

આ સમય દરમિયાન તેમના અન્ય કાવ્યસંગ્રહો – ‘Pastorales’ (1911), ‘Distant Gardens’ (1905) અને ‘Pure Elegies’ (1905) પ્રકાશિત થઈ ચૂક્યા હતા. તેમાં રુબેન ડારિઓનો સ્પષ્ટ પ્રભાવ પ્રતિબિંબિત થાય છે. તેમાં વ્યક્તિલક્ષી અને સમષ્ટિલક્ષી મુક્ત અભિવ્યક્તિ છે. 1905થી 1912 તેમણે મોગુઅરમાં વિતાવ્યા.

1912માં તેઓ મેડ્રિડ પાછા ફર્યા. તેઓ રેસિડેન્ડસિયા દે ઍસ્ટ્યુડિઅન્ટ્સમાં રહ્યા. ત્યાં શૈક્ષણિક સંસ્થાના સામયિકનું સંપાદન સંભાળ્યું. 1916માં તેઓ ન્યૂયૉર્ક સિટી ગયા. ત્યાં તેમણે રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો સ્પૅનિશ ભાષામાં અનુવાદ કરનાર ઝૅનોબિઆ કમ્પ્રુબિ અયમર સાથે લગ્ન કર્યાં. સ્પેન પાછા આવીને તેમણે ‘Dairy of a Poet Recently Married’ (1917) પ્રકાશિત કરી. જે 1948માં ‘Dairy of a Poet and the Sea’ નામે પ્રકાશિત કરી. જેને તેઓ શુદ્ધ કવિતા તરીકે ઓળખાવે છે. એમાં શુદ્ધ ઔપચારિક મીટર વિનાની મુક્ત પદ્યમાં રચાયેલી કાવ્યકૃતિઓ છે. 1936-1939 સ્પૅનિશ સિવિલ વૉર દરમિયાન તેઓ રિપબ્લિકન સેના સાથે સંકળાયેલા રહેલા.

મુખ્યત્વે તેઓ કવિ હતા. એ સાથે તેમણે ગદ્યમાં પણ પ્રદાન કર્યું છે. તેમની ગદ્યકૃતિઓના અનુવાદ થતાં તેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં લોકપ્રિયતા મેળવી હતી. ‘Platero and I’ (1917)માં એક માણસ અને તેના પ્લાટૅરૉ નામના ગધેડાની કથા છે. તેમણે તેમનાં પત્ની સાથે આઇરિશ નાટકોના અનુવાદ પણ કર્યા છે જેમકે, ‘Riders to the Sea’ (1920) વગેરે.

જોકે કાવ્યક્ષેત્રે તેમનું ખૂબ મહત્વનું પ્રદાન છે. તેમની કેટલીક અત્યંત જાણીતી કૃતિઓ ‘Spiritual Sonnets, 1914-15’ (1916), ‘Stones and Sky’ (1919), ‘Poetry in Prose and Verse’ (1932), ‘Voice of My Song’ (1945) અને ‘Animal at Bottom’ (1947) વગેરે નોંધપાત્ર છે. તેમની 300 કવિતાઓ (1903-1953)નો ઍલોઈસ રૉચએ અંગ્રેજી ભાષામાં અનુવાદ કરીને 1962માં પ્રકાશિત કર્યો હતો.

ઊર્મિલા ઠાકર