યુ.એન.આઈ. : ભારતની રાષ્ટ્રીય સમાચારસંસ્થા. આખું નામ ‘યુનાઇટેડ ન્યૂઝ ઑવ્ ઇન્ડિયા’. આ દેશવ્યાપી સમાચારસંસ્થા દેશ અને દુનિયાના વિવિધ પ્રકારના સમાચારો ટેલિપ્રિન્ટર મારફતે સમાચાર-માધ્યમોને પહોંચાડવાની કામગીરી કરે છે. આ સંસ્થાની સ્થાપના 1961માં દેશનાં ચાર રાષ્ટ્રીય સ્તરનાં અને અંગ્રેજી ભાષામાં પ્રગટ થતાં દૈનિકોના માલિકોએ નવી દિલ્હી ખાતે કરી. ત્યારે આ સંસ્થાની સ્થાપના પાછળનો એક જ આશય હતો – દેશની એકમાત્ર સમાચારસંસ્થા પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા) સામે એક તંદુરસ્ત સ્પર્ધા પૂરી પાડવી. ઉલ્લેખનીય છે કે પી.ટી.આઈ. દેશની પ્રથમ અને સો વર્ષ જૂની રાષ્ટ્રીય સ્તરની સમાચારસંસ્થા છે.

યુ.એન.આઈ.ની દેશમાં હાલ કુલ 168 શાખાઓ છે, જે નવી દિલ્હી અને મુંબઈની વડી કચેરી સાથે સંકળાયેલી રહીને સમાચાર-માધ્યમોને છેલ્લામાં છેલ્લા સમાચારો શીઘ્ર ઉપલબ્ધ કરાવે છે. યુ.એન.આઈ.ની સ્થાપના પછી બીજા જ વર્ષે 1962માં ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદમાં યુ.એન.આઈ.ની શાખા શરૂ કરવામાં આવી. એ પછી તબક્કાવાર રાજકોટ, વડોદરા અને સૂરતમાં એની શાખાઓનો આરંભ કરવામાં આવ્યો. યુ.એન.આઈ.નાં ગ્રાહક સમાચાર-માધ્યમોમાં દેશની વિભિન્ન ભાષાનાં દૈનિક અખબારો, સામયિકો, આકાશવાણી અને દૂરદર્શનનાં કેન્દ્રોનો તેમ જ જુદી જુદી દેશ-વિદેશની ખાનગી ઉપગ્રહ-વાહિનીઓ તથા વૃત્ત-વાહિનીઓ આદિનો સમાવેશ થાય છે. યુ.એન.આઈ.નું સમાચાર-પ્રસારણનું માધ્યમ અંગ્રેજી ભાષા છે. તેની ગ્રાહકસંખ્યા 850થી વધુ છે.

યુ.એન.આઈ.ની સ્થાપના કરનાર ચાર દૈનિકો તે (1) ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’, (2) ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, (3) ‘હિન્દુ’ અને (4) ‘આનંદ બજાર પત્રિકા’. તેમના વરિષ્ઠ તંત્રીમંડળ દ્વારા આ સંસ્થાનું પ્રારંભિક સંચાલન થયા બાદ દ્વિતીય તબક્કે સંસ્થાના અધ્યક્ષ તરીકે પત્રકાર કુલદીપ નાયર નિમાયા. એ પછી વર્ષો સુધી આ કાર્યભાર બીજા પત્રકાર સદગત જી. જી. મીરચંદાનીએ સંભાળ્યો. હાલ આ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરપદે પત્રકાર નરેશ મોહન છે.

યુ.એન.આઈ. વિશ્વની બે અગ્રેસર સમાચારસંસ્થાઓ (1) બ્રિટનની રૉઇટર અને (2) જર્મનીની ડી.પી.એ. (ડોઇશ પ્રેસ એજન્ટર) સાથે સમાચારો–તસવીરોની આપ-લે માટેનું વ્યૂહાત્મક જોડાણ ધરાવે છે. વળી, યુ.એન.આઈ. તેનાં ગ્રાહક સમાચાર-માધ્યમોની માગ અનુસાર સમાચાર-ઘટનાની સાથે સાથે એને અનુરૂપ તસવીરો પૂરી પાડવાની સેવાઓ પણ નિભાવે છે. યુ.એન.આઈ. પાસે 900થી વધુ પત્રકારો–સંવાદદાતાઓનું દેશવ્યાપી સુગઠિત માળખું છે. તેની 168 પૈકી 70 %થી અધિક શાખાઓ કમ્પ્યૂટર-જોડાણ ધરાવતી આધુનિક શાખાઓ છે. વળી બાકીની શાખાઓનું આધુનિકીકરણ ચાલી રહ્યું છે. આ સંસ્થાની ગુજરાત શાખાના બ્યુરો ચીફ તરીકે વીરેન્દ્ર પંડિત સક્રિય છે.

દિનેશ દેસાઈ