યામામોટો, ઈસોરોકુ

January, 2003

યામામોટો, ઈસોરોકુ (જ. 4 એપ્રિલ 1884, નાગા ઓકા, જાપાન; અ. 18 એપ્રિલ 1943, સૉલોમન આઇલૅન્ડ્ઝ) : જાપાનના અગ્રણી નૌકા-અધિકારી. એટજિમા ખાતેની નેવલ એકૅડેમી ખાતે અભ્યાસ. 1904માં સ્નાતક. રશિયા-જાપાન યુદ્ધ (1905) દરમિયાન પાયદળના અધિકારી તરીકે ફરજ બજાવી. 1934–35 દરમિયાન, લંડન ખાતેની નેવલ કૉન્ફરન્સમાં ઍંગ્લો-અમેરિકન દરખાસ્ત અંગે જાપાનના પ્રતિનિધિ તરીકે સફળ સામનો કરી પ્રભાવશાળી રજૂઆત કરી. 1935માં જાપાનના નૌકાદળના ઉડ્ડયન વિભાગના વડા બન્યા. 1936–39 સુધી નાયબ નૌસેના મંત્રી, 1940માં ઍડમિરલ અને 1939–43 દરમિયાન સંયુક્ત નૌકાદળ(combined fleet)ના કમાન્ડર-ઇન-ચીફ – એ રીતે મહત્વની જવાબદારીઓ અદા કરી.

7 ડિસેમ્બર 1941ના રોજ પર્લ હાર્બર પર યોજાયેલા હુમલાનું આયોજન તથા સૂત્ર-સંચાલન તેમણે જ સંભાળ્યું હતું. જૂન 1942માં તેમનાં દળો બૅટલ ઑવ્ મિડવેમાં પરાજિત થયાં. ‘પેસિફિક ઑપરેશન્સ’ના વડા હતા તે દરમિયાન સાથી દળો તરફથી તેમનું વિમાન સૉલોમન ટાપુઓ ઉપર તોડી પડાયું ને તેમાં તેઓ અવસાન પામ્યા.

મહેશ ચોકસી