યામાશિતા, ટોમોયુકી

January, 2003

યામાશિતા, ટોમોયુકી (જ. 1885, કોચી, જાપાન; અ. 23 ફેબ્રુઆરી 1946) : જાપાની લેફ્ટેનન્ટ જનરલ. દાક્તર પિતાના પુત્ર. તેમણે સૈન્યમાં ક્રમશ: દરજ્જાવાર બઢતી મેળવી. 1940માં ઇમ્પીરિયલ આર્મી એરફૉર્સના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. ટૂંક સમયમાં જર્મનીમાં તેમણે લશ્કરી મિશનની આગેવાની લીધી. હિટલર તથા મુસોલીનીને મળ્યા અને વાયુસેનાનું પૂરેપૂરું આધુનિકીકરણ અને યાંત્રિકીકરણ ન થાય ત્યાં સુધી બ્રિટન અને અમેરિકા પર કોઈ પગલાં ન ભરવાની ભલામણ કરતો અહેવાલ આપ્યો.

ટોમોયુકી યામાશિતા

તેઓ રાજાના વફાદાર સૈનિક હતા. રાજકીય ખટપટથી પર બીજા વિશ્વયુદ્ધના સમર્થ જાપાનીઝ સેનાપતિ હતા. તેમણે યુદ્ધમાં દુશ્મન દળોને ભૂમિ પર સખત હાર આપીને જાપાનને વિજય અપાવ્યો હતો. માત્ર 70 દિવસમાં ઉત્તર મલાયાથી સિંગાપોર સુધીની 650 માઈલની મજલ કાપીને 9,800 સૈનિકોની ખુવારી સાથે તેમણે આખો પ્રદેશ જીતી લીધો હતો.

1941માં તેમને ઉત્તર મલાયા પર હુમલો કરવા 35,000 યોદ્ધાઓની 3 ડિવિઝનોની બનેલી 25મી સેનાના વડા બનાવ્યા. તેમનું આક્રમણ કઠોરતાપૂર્ણ અને પ્રત્યેક નૈસર્ગિક લાભના કલ્પનાશીલ ઉપયોગવાળું રહેતું. જાપાનીઓની સતત આગેકૂચે બ્રિટિશ સૈન્યને હંફાવી પાછું ધકેલ્યું; તેમણે ત્યજી દીધેલ શસ્ત્રાસ્ત્રો સાથેનાં વાહનો કબજે કર્યાં. બચાવપક્ષનો સફાયો કર્યો. કેટલાક ભારતીય, બ્રિટિશ અને ઑસ્ટ્રેલિયન એકમોમાં ગભરાટ ફેલાયો, જ્યારે અન્ય એકમોએ ભયંકર સામનો કરીને પોતાનો નાશ નોતર્યો. બ્રિટિશ કેદીઓ અને ઘાયલ સૈનિકો પરના જાપાનીઓના અત્યાચારની ઘટનાઓ ચર્ચાસ્પદ બની.

યામાશિતાએ છેલ્લે બચેલી માનવશક્તિ અને પુરવઠા સાથે 5મી અને 18મી હરોળ ઉતારીને આક્રમણ કરવા વિચાર્યું. દરિયાકિનારે ભયંકર યુદ્ધ જામ્યું, પરંતુ પરોઢ થતાં મજબૂત તોપખાનું અને બખ્તરિયા રણગાડીઓથી સજ્જ 15,000 જાપાની પાયદળે ટાપુ પર ધસી જઈને પોતાનો કબજો જમાવ્યો. એક અઠવાડિયા સુધી તુમુલ યુદ્ધ ચાલ્યું. બ્રિટિશ કમાન્ડર જનરલ પર્સિવલે બિનશરતી યુદ્ધવિરામની વાટાઘાટો કરવા તૈયારી બતાવી, તેનો યામાશિતાએ બહિષ્કાર કર્યો અને રક્ષણાર્થે મૂકેલ લશ્કરની તાત્કાલિક શરણાગતિ માટે માગણી કરી. બ્રિટિશ અને રાષ્ટ્રસમૂહ એકમોએ 9,000થી વધુ સૈનિકો ગુમાવ્યા હતા અને 1,30,000 કેદ પકડાયા હતા. તેથી યામાશિતાની માગણીનો પર્સિવલે સ્વીકાર કર્યો. તેમાં યામાશિતાને સારી એવી ખ્યાતિ મળી અને તેમને ‘ધ ટાઇગર ઑવ્ મલાયા’ તરીકે ઓળખવામાં આવ્યા.

1944માં ટોજો સરકારનું પતન થતાં, તેમને ફિલિપાઇન્સ ગ્રૂપમાં સમગ્ર જાપાની 14મા એરિયા આર્મીના વડા તરીકે નીમવામાં આવ્યા. તેમને જનરલ ડગ્લાસ મેકઆર્થરના આક્રમણનો સામનો કરવાનો હતો. તેમણે તેનો વીરતાપૂર્વક સામનો કર્યો; બટાન અને કૉરિગ્ડોર કબજે કર્યાં. પરંતુ તેઓ ટકી ન શક્યા અને મનીલા શહેર છોડી ગયા. તે પછી રિઅર ઍડ્‌મિરલ ઇવાબુશીના નાવિકો અને નૌકાસૈન્યે શહેરમાં ઘૂસીને સંખ્યાબંધ નાગરિકોની હત્યા કરી અને અત્યાચારી કૃત્યો કર્યાં. યામાશિતાએ રાજાની શરણાગતિના સમાચાર ન મળ્યા ત્યાં સુધી એટલે કે 1945ના સપ્ટેમ્બર સુધી શરણાગતિ સ્વીકારી નહોતી, જોકે યુદ્ધને લગતા ગુનાઓ માટે તેમની સામે મુકદ્દમો ચલાવી, તકસીરવાર ઠરાવીને તેમને ફાંસી આપવામાં આવી હતી.

બળદેવભાઈ કનીજિયા