યામાગાટા, આરીટોમો કોશાકુ (ડ્યૂક અથવા પ્રિન્સ)

January, 2003

યામાગાટા, આરીટોમો કોશાકુ (ડ્યૂક અથવા પ્રિન્સ) (જ. 3 ઑગસ્ટ 1838, હૅગી, જાપાન; અ. 1 ફેબ્રુઆરી 1922, ટોકિયો) : જાપાનના લશ્કરી નેતા, વિચક્ષણ રાજકારણી અને વડાપ્રધાન.

આરીટોમો કોશાકુ યામાગાટા

તેમની દીર્ઘર્દષ્ટિ અને તેમના સુનિશ્ચિત સાંગોપાંગ આયોજનને પરિણામે જાપાન વીસમી સદીમાં વિશ્વની લશ્કરી સત્તા તરીકે ઊપસી આવ્યું. તેઓ ‘જાપાની સેનાના પિતામહ’નું બિરુદ પામ્યા હતા. તેઓ ચોશુમાંથી આવેલા એક અદના સૈનિક હતા; પરંતુ આપબળે વિવિધ લશ્કરી હોદ્દાઓ પર બઢતી મેળવતા રહ્યા. 1868માં જાપાનના રાજવી મેજી ટેનો (1852–1912)ની પુન:સ્થાપનામાં તેમણે સક્રિય અને આગળ પડતો ભાગ ભજવ્યો. ‘થૉ શિડૉ શૉઈન’ નામની પશ્ચિમ-વિરોધી ઝુંબેશમાં તેઓ એક આગેવાન સહકાર્યકર હતા. તેમણે ફ્રાન્સ તથા જાપાનનાં લશ્કરી આયોજન તથા વ્યવસ્થાતંત્રનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. 1873માં તેઓ યુદ્ધમંત્રી બન્યા. તેમણે ફરજિયાત લશ્કરી ભરતી-પ્રથા વડે સેના ઊભી કરી અને લશ્કરમાં ‘જનરલ સ્ટાફ’નો વર્ગ ઊભો કર્યો. 1878માં તેઓ તેના વડા એટલે કે ‘ચીફ ઑવ્ સ્ટાફ’ બન્યા અને લશ્કરમાં ઘણા સુધારા દાખલ કર્યા. છેલ્લે 1882થી ’89 દરમિયાન તેમણે સમગ્ર સેનાના વડા તરીકેની જવાબદારી અદા કરી. લશ્કરમાં તેઓ રાષ્ટ્રવાદ તથા સામ્રાજ્ય પ્રત્યેની વફાદારીના આગ્રહી અને હિમાયતી હતા. આના પરિણામે તેઓ પક્ષીય રાજકારણના પ્રભાવથી મુક્ત રહી શક્યા.

સેનાનાં પ્રભાવ તથા સ્વાયત્તતા સુનિશ્ચિત રહે તે હેતુથી તેઓ રાજકારણમાં જોડાયા અને 1889–91 તથા 1898–1900 દરમિયાન જાપાનના વડાપ્રધાન બન્યા; 1892–93માં ન્યાયમંત્રીનો કાર્યભાર સંભાળ્યો. ચીન-જાપાનના યુદ્ધ (1894–95) દરમિયાન જાપાની સૈન્યનું દક્ષતાપૂર્વક નેતૃત્વ તથા સૂત્રસંચાલન કરી જાપાનને ચીન સામે વિજય અપાવ્યો. તેઓ ચીફ ઑવ્ સ્ટાફ હતા ત્યારે રશિયા સામેના યુદ્ધ(1904–05)માં પણ તેમણે જાપાનને આ જ રીતે વિજયી બનાવ્યું હતું.

વડાપ્રધાન બન્યા ત્યારે વહીવટી તંત્રમાં તેમણે લશ્કરના ઉચ્ચ અને કાબેલ અધિકારીઓને પણ સ્થાન આપીને જાપાનના રાજ્યતંત્રનું લશ્કરી સુયોજન કરી આમૂલ પરિવર્તન કર્યું અને સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા પછી પણ તેઓ પ્રિવી કાઉન્સિલના સભ્ય તરીકે જાપાનના સત્તા-જગતમાં પોતાનો પ્રભાવ દાખવતા રહ્યા.

મહેશ ચોકસી