યશોવર્મા (શાસનકાળ : આશરે ઈ. સ. 700–740) : કનોજનો પ્રતાપી રાજા અને મહાન વિજેતા. તેના પૂર્વજો તથા તેનો પૂર્વ ઇતિહાસ જાણવા મળતો નથી; પરંતુ તેના દરબારના પ્રસિદ્ધ રાજકવિ વાક્પતિરાજે પ્રાકૃત ભાષામાં લખેલ ‘ગૌડવહો’ નામના કાવ્યગ્રંથમાંથી તેનું જીવન, શાસન તથા વિજયોની માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં કરેલા વર્ણન અનુસાર રાજા યશોવર્મા વર્ષાઋતુના અંતે વિજયયાત્રા કરવા નીકળ્યો. વિંધ્ય પર્વત પાસે પહોંચીને એક ગુફામાં વસતાં દેવી વિંધ્યવાસિની(કાલીમાતાનું સ્વરૂપ)ની તેણે પ્રાર્થના કરી. તે પછી મગધના રાજા સામે ખૂનખાર જંગમાં યશોવર્માએ તેની હત્યા કરી. તે પછી વંગના રાજાને તેણે હરાવ્યો. વંગના રાજાએ યશોવર્માનું આધિપત્ય સ્વીકાર્યું. યશોવર્માને આ વિજયથી સંતોષ ન થવાથી તે દક્ષિણ તરફ વિજયયાત્રાએ ગયો તથા નર્મદા નદી સુધી પહોંચ્યો. ત્યારબાદ તેણે રાજસ્થાનમાં મરુદેશ તથા શ્રીકંઠ (થાણેશ્વર) જીતીને કબજે કર્યા. ત્યાંથી આગળ વધી હિમાલયના પ્રદેશો ઉપર જીત મેળવીને તે રાજધાની કનોજમાં પાછો ફર્યો.

તેણે ચીન અને એશિયાના કેટલાક દેશો સાથે રાજકીય સંબંધો સ્થાપ્યા હતા. ઈ. સ. 731માં તેણે પુ-તાન-સીન નામના બૌદ્ધ સાધુને ચીનના દરબારમાં મોકલ્યા હતા. કાશ્મીરના રાજા લલિતાદિત્યે પણ પોતાનો રાજદૂત ચીનના દરબારમાં મોકલ્યો હતો. આ બંને રાજાઓ ભારત પર આક્રમણ કરવા ઇચ્છતા આરબો અને તિબેટીઓ સામે ચીનની સહાય મેળવવા ઇચ્છતા હતા. એ રીતે આ બંને રાજાઓનો ઉમદા ઇરાદો દેશનું રક્ષણ કરવાનો હતો, પરંતુ તેઓ બંને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા સેવતા હોવાથી ઈ. સ. 740ના અરસામાં લલિતાદિત્યે કનોજ પર ચડાઈ કરી અને તેઓ બંને વચ્ચે લાંબી લડાઈ થઈ. તેમાં આખરે યશોવર્માનો પરાજય થયો. કનોજનું રાજ્ય કાશ્મીરના લલિતાદિત્યે કબજે કર્યું. યશોવર્માએ રાજ્ય અને પ્રતિષ્ઠા ગુમાવ્યાં. યશોવર્માના કનોજના રાજ્યનો વિસ્તાર પૂર્વમાં ગૌડદેશ(બંગાળ)થી માંડી વાયવ્યમાં પૂર્વ પંજાબ અને થાણેશ્વર તથા ઉત્તરમાં હિમાલયની હારમાળાથી માંડી દક્ષિણે નર્મદા નદી સુધીના પ્રદેશો પર્યંત ફેલાયેલો હતો.

યશોવર્મા વિદ્યાપ્રેમી હતો અને સાહિત્યકારો તથા વિદ્વાનોને આશ્રય આપતો હતો. તેણે સંસ્કૃતના પ્રસિદ્ધ મહાકવિ ભવભૂતિને તથા પ્રખ્યાત કવિ વાક્પતિરાજને આશ્રય આપ્યો હતો. રાજા યશોવર્મા પોતે વિદ્વાન હતો. તેણે ‘રામ-અભ્યુદય’ નામનું નાટક લખ્યું હતું. નાલંદામાંથી પ્રાપ્ત થયેલ અભિલેખમાં તેનો સાર્વભૌમ રાજા તરીકેનો ઉલ્લેખ છે તથા મગધ તેની સત્તા હેઠળ હતું તેમ પુરવાર થાય છે.

જયકુમાર ર. શુક્લ