યશોવિજયજી

January, 2003

યશોવિજયજી (જ. આશરે 1619; અ. 1687, ડભોઈ) : જૈન ધર્મ અને તત્વજ્ઞાનના પ્રકાંડ પંડિત સાધુ. કવિ આચાર્ય સિદ્ધસેન દિવાકર, કુંદકુંદાચાર્ય, સમંતભદ્ર, હરિભદ્રસૂરિ, અકલંક, વિદ્યાનંદ અને હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ જૈન વિદ્વાનોની શ્રેણીમાં વિક્રમની સત્તરમી સદીમાં થઈ ગયેલા ઉપાધ્યાય યશોવિજયજીનાં નામ અને કામ યશસ્વી છે. તેઓ જૈન ધર્મ અને દર્શનના પ્રતિભાસંપન્ન વિદ્વાન, પ્રચંડ સત્યશોધક, દાર્શનિક પુરુષ, ષડ્દર્શનવેત્તા, પ્રખર તાર્કિક, પ્રગલ્ભ કવિ, જાગ્રત સાધુપુરુષ તરીકે અવિસ્મરણીય છે. જૈન સાધુપરંપરામાં ‘ઉપાધ્યાય’નું પદ તેમણે પોતાની વિદ્યાસાધનાથી શોભાવ્યું તેથી તેઓ ઉપાધ્યાય યશોવિજયજી તરીકે ખ્યાતિ પામ્યા.

તેમનું સંસારી નામ જસવંત, માતા સોભાગદે, પિતા નારાયણ, ભાઈ પદ્મસિંહ. રહેવાસી કનોડા(જિ. મહેસાણા)ના. તેમનું જન્મવર્ષ પ્રાપ્ત નથી, પરંતુ દીક્ષાવર્ષ વિ. સં. 1688(ઈ. સ. 1632)ના સમયે તેમની ઉંમર બારેક વર્ષની હતી.

ઉપાધ્યાય વિનયવિજયજી, ઉપાધ્યાય પંડિત માનવિજયજી, પંડિત સત્યવિજયગણિ, પંડિત ઋદ્ધિવિમળજી વગેરેના તેઓ સમકાલીન હતા, જેમની પાસેથી તેમણે અખૂટ ભાથું મેળવ્યું. આ સમકાલીનોએ યશોવિજયજીને ગ્રંથરચનામાં અને સત્કાર્યોમાં સહર્ષ સહાય કરી. યોગીરાજ આનંદઘનજી સાથેનો તેમનો મેળાપ એક યાદગાર ઘટના ગણાય છે.

મુઘલ બાદશાહ અકબરને અહિંસાનો પ્રતિબોધ આપનાર તથાગચ્છના આચાર્ય હીરવિજયસૂરિની પરંપરામાં તેમના શિષ્ય ઉપાધ્યાય કલ્યાણવિજયજી, તેમના શિષ્ય પંડિત લાભવિજયજી અને તેમના શિષ્ય પંન્યાસ નયવિજયગણિ થયા. આ નયવિજયગણિ ઉત્તર ગુજરાતમાં કુણગેરમાં ચોમાસું ગાળતા હતા ત્યારે ત્યાંથી વિહાર કરીને કનોડા પધાર્યા તે સમયે પ્રતિભાવાન બાળક જસવંતનો પરિચય થયો. ઈ. સ. 1632માં બાળ જસવંતે દીક્ષા લેતાં ‘યશોવિજય’ નામ પામ્યા. યશોવિજયજીની વડી દીક્ષા પણ ઈ.સ. 1632માં આચાર્ય વિજયદેવસૂરિના હસ્તે થઈ. તે પછીના દસેક વર્ષના ટૂંકા ગાળામાં તેમણે ગુરુ નયવિજયજી, તેમના ગુરુભ્રાતા જિતવિજયજી અને વિજયસિંહસૂરિજીની નિશ્રામાં ધાર્મિક શિક્ષણ મેળવ્યું તથા ન્યાય, વ્યાકરણ સહિત સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યનો સઘન અભ્યાસ કર્યો. ઈ. સ. 1643માં તેમણે જ્યારે અમદાવાદના સંઘ સમક્ષ આઠ અવધાન કર્યાં ત્યારે તેમની પ્રતિભાનો પરિચય સમાજને થયો. તેમની આ શક્તિને પિછાણીને જૈન સમાજના અગ્રણી શ્રીધનજી શૂરાએ ષડ્દર્શનો વગેરેના અભ્યાસ માટે યશોવિજયજીને કાશી તથા આગ્રા મોકલવાની તમામ વ્યવસ્થા કરી. ઈ. સ. 1645 આસપાસ તેમણે પોતાના ગુરુ સાથે ગુજરાત છોડી કાશી તરફ પ્રયાણ કર્યું. આ વિદ્યાયાત્રાની શરૂઆતમાં તેમણે ગંગાતટે ‘ઐં’ મંત્રની એકવીસ દિવસની સાધના કરીને સરસ્વતીદેવીનું વરદાન પ્રાપ્ત કર્યું. કાશી અને આગ્રાના સાતેક વર્ષના સ્થિરવાસ દરમિયાન તેમણે ન્યાય વગેરે ષડ્દર્શનો, બૌદ્ધ દર્શન, નવ્યન્યાય વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ત્યાં ‘ન્યાયવિશારદ’, ‘ન્યાયાચાર્ય’ જેવી પદવીઓ મળી. તે ઉપરાંત વિદ્વાનોએ તેમને માટે ‘કૂર્ચાલશારદ’ (દાઢી-મૂછવાળાં સરસ્વતીદેવી), ‘લઘુહરિભદ્ર’, ‘કલિકાલશ્રુતકેવલી’ જેવાં બિરુદો પણ આપ્યાં હતાં.

ઈ. સ. 1654 આસપાસ ગુજરાતમાં આવ્યા પછી તેમની આ જ્ઞાનસાધનાનાં ફળ મળવા માંડ્યાં. ખુમારીપૂર્વક રજૂ થયેલા તેમના સાહિત્યમાં તેમનું શીલ છતું થાય છે. જે શ્રુતસમુદ્રનું પોતે તલસ્પર્શી અવગાહન કરેલું તેનું મંથન કરીને ગંભીર વિષયોના ભાવો પણ તેઓ સરળ, લોકભોગ્ય ભાષામાં રજૂ કરી શક્યા. અભિલાપ્ય પદાર્થ મનમાં સ્ફટિક જેવો સ્પષ્ટ હોઈ તેઓ આવી અનાકુલ અભિવ્યક્તિ કરી શકતા. પ્રારંભમાં મુનિ, પછી વિદ્વાન, પછી કવિ અને પછી ઋષિ – આમ ઉત્તરોત્તર પૂર્ણ અધ્યાત્મમાં પર્યવસાન પામતી તેમની વિદ્યાયાત્રા મુમુક્ષુઓ માટે આત્મપ્રેરણારૂપ બની છે. તેમના આ શીલશોભિત સાત્વિક જીવનના નકશાની ઝલક ‘અધ્યાત્મસાર’ના અંતે તેઓ સાધકને જે હિતશિક્ષા આપે છે, તેમાંથી મળી રહે છે. તેમણે ખેડેલા સાહિત્યમાં નિશ્ચય અને વ્યવહાર, જ્ઞાન અને ક્રિયા, દ્રવ્ય અને ભાવ, ઉત્સર્ગ અને અપવાદ આવા આવા વિરોધી જણાતા વિષયોમાં સાવ સ્વાભાવિકતાથી સુસંવાદ અને તટસ્થ સમતોલ સમન્વય સ્થપાયેલો જોવામાં આવે છે. ઠેર ઠેર તેમણે નિશ્ચયદૃષ્ટિ હૃદયમાં રાખીને વ્યવહાર પાળવાની વાત કરી છે તે આના ર્દષ્ટાંતરૂપ છે. તેમનાં નિર્ભ્રાંત દર્શન તેમજ અસંદિગ્ધ પ્રતિપાદનનો પરિચય તો તેમની પ્રત્યેક કૃતિમાં થાય છે; તેથી કદાચ તેમની એક પણ કૃતિ નબળી નથી રચાઈ. તેમણે ગ્રંથોના સંક્ષેપો આપ્યા, રૂપાંતર આપ્યાં, શાસ્ત્રનિર્દિષ્ટ પાઠોની અર્થસંગતિ સાધી આપી, દેશ-કાળ-સંયોગોના આધારે શાસ્ત્રોમાં આવતા શબ્દોની સંગતિ કરીને શાસ્ત્રવચનોનો યથાસ્થાન વિનિયોગ કરી આપ્યો.

તેમનું સાહિત્ય ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત તથા હિંદી એમ વિવિધ ભાષાઓમાં પ્રાપ્ય છે. અમુક કૃતિઓ વિદ્વદભોગ્ય, તો કેટલીક રચનાઓ લોકભોગ્ય રીતે રજૂ થઈ છે. ગુજરાતી સાહિત્યમાં તેમની કૃતિઓના મુખ્યત્વે બે પ્રકાર : ભક્તિસાહિત્ય અને તાત્વિક સાહિત્ય. તેમના આ બંને પ્રકારના સાહિત્યના શિખરની ઊંચાઈ ઘણી છે. ભક્તિસાહિત્યમાં તો તેઓ વરસી પડ્યા છે. તેમણે રચેલ ત્રણ ચોવીસી(ચોવીસ તીર્થંકરોનાં સ્તવનો)માંથી હંમેશ નવીન અર્થો મળ્યા જ કરે છે. પ્રભુ સાથે ગોઠડી વખતે તેમણે પોતાની વિદ્વત્તા અને તાર્કિકતાને ખીંટીએ મૂકીને નાના બાળકની જેમ પ્રભુ સાથે શ્રદ્ધાની ભાષામાં વાત કરી છે. પોતાની અનુભૂતિની દિવ્ય ક્ષણોની અભિવ્યક્તિ તેઓ ખૂબ સ્પષ્ટ રીતે કરી શક્યા છે. તેમના તાત્વિક સાહિત્યમાં શ્રદ્ધાથી પરિશુદ્ધ થયેલ વિચારસરણી ઝળકે છે, તાર્કિકતાના દોષો દૂર કરીને સ્પષ્ટ રજૂઆત થયેલી જોવા મળે છે. જૈન સિદ્ધાંતોની વિચારણા અને તત્વજ્ઞાનની દૃષ્ટિએ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’, 125, 150, 350 ગાથાનાં સ્તવનો, ‘સમ્યક્ત્વના સડસઠ બોલની સજ્ઝાય’, ‘અઢાર પાપસ્થાનકની સજ્ઝાય’, ‘પ્રતિક્રમણ હેતુગર્ભિત સજ્ઝાય’ જેવી કૃતિઓ મહત્ત્વની છે. કથાની દૃષ્ટિએ ‘જંબૂસ્વામી રાસ’, કૌતુકની દૃષ્ટિએ ‘સમુદ્ર-વહાણ સંવાદ’ નોંધપાત્ર છે. રાજસ્થાની કે મારવાડી છાંટવાળી હિંદીમાં તેમણે યોગી આનંદઘનજીની સ્તુતિ માટે રચેલ ‘અષ્ટપદી’નાં આઠ પદો ઉન્નત આધ્યાત્મિક ભાવસભર છે.

તેમની સંસ્કૃત કૃતિઓ વિવિધ દૃષ્ટિબિંદુથી નોંધપાત્ર છે. ‘નયરહસ્ય’, ‘નયોપદેશ’, ‘નયપ્રદીપ’, ‘અનેકાંતવ્યવસ્થા’, ‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા’ જેવી કૃતિઓમાં જૈન દર્શનના પાયાના સિદ્ધાંતો રજૂ થયા છે. ‘જ્ઞાનબિંદુ’, ‘જૈન તર્કભાષા’, ‘જ્ઞાનાર્ણવ’માં જ્ઞાનમીમાંસાત્મક પ્રશ્નોની ખૂબ ઝીણવટભરી છણાવટ છે. ‘ન્યાયાલોક’, ‘ન્યાયખંડખાદ્ય’ જેવી કૃતિઓમાં નવ્યન્યાયની શૈલીએ જૈન દર્શનનું આગવું નિરૂપણ થયું છે, તો ‘અધ્યાત્મસાર’, ‘અધ્યાત્મોપનિષદ’, ‘જ્ઞાનસાર’ જેવી કૃતિઓમાં આધ્યાત્મિક વિષયોની મુક્ત અને ગહનતાભરી રજૂઆત દૃષ્ટિગોચર થાય છે. આચાર્ય ‘હરિભદ્રસૂરિકૃત ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’ ઉપરની તેમની ‘સ્યાદ્વાદકલ્પલતા ટીકા’, ઉમાસ્વાતિકૃત ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપરની ‘તત્વાર્થભાષ્ય ટીકા’ (અપૂર્ણ), પતંજલિકૃત ‘યોગસૂત્રો’માંનાં 27 સૂત્રો ઉપરની વૃત્તિ ‘કાવ્યપ્રકાશ ટીકા’, ‘વિજયોલ્લાસ મહાકાવ્ય’ (અપૂર્ણ), વૈરાગ્યકલ્પલતા’ (અપૂર્ણ) જેવી બૃહત્ કૃતિઓમાં તેમની કલમ સહજતાપૂર્વક ફરી વળી છે.

પ્રાકૃત પરત્વે તેમણે વિવિધ વિષયોમાં ખેડાણ કર્યું છે. એમાં ‘ભાષા-રહસ્ય’, હરિભદ્રસૂરિના ‘ઉપદેશપદ’ના આધારે રચાયેલ ‘ઉપદેશ-રહસ્ય’, ‘અધ્યાત્મમતપરીક્ષા’ અને ‘ધર્મપરીક્ષા’ ખાસ ઉલ્લેખપાત્ર છે.

માલતી શાહ