યશોધર્મન, વિષ્ણુવર્ધન

January, 2003

યશોધર્મન, વિષ્ણુવર્ધન (ઈ. સ.ની છઠ્ઠી સદીનો પૂર્વાર્ધ) : ઉત્તર ભારતનો પરાક્રમી રાજા અને મહાન વિજેતા. હૂણો તથા વાકાટકોનાં આક્રમણોના કારણે તથા ગુપ્તોનો અંકુશ નબળો પડવાથી ઈ. સ.ની છઠ્ઠી સદીમાં માળવા પ્રાંત મુશ્કેલીઓમાંથી પસાર થતો હતો. આ પરિસ્થિતિનો લાભ લઈને યશોધર્મન નામના એક સ્થાનિક રાજાએ પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી. થોડા સમયમાં તે હૂણોના શાસક મિહિરકુલને પરાજિત કરી શકે અને ગુપ્ત સમ્રાટની અવગણના કરી શકે એવો શક્તિશાળી બની ગયો. તેનો પૂર્વ-ઇતિહાસ જાણવા મળતો નથી; પરંતુ ગુપ્ત સમ્રાટોના આધિપત્ય હેઠળ માળવા પર રાજ્ય કરતા શાસકો(સામંતો)ના પરિવાર સાથે તે સંબંધ ધરાવતો હતો. મંદસોરમાં આવેલા બે શિલાલેખો પરથી તેની લશ્કરી સિદ્ધિઓની માહિતી મળે છે. તેમાં જણાવ્યું છે કે તેનું સાર્વભૌમત્વ ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં મહેન્દ્ર પર્વત (ગંજામ જિલ્લો), પૂર્વમાં બ્રહ્મપુત્ર નદી અને પશ્ચિમમાં સમુદ્ર (અરબી મહાસાગર) પર્યંત ફેલાયું હતું. તેમાં દર્શાવ્યા મુજબ જે પ્રદેશો ગુપ્તો અને હૂણો પોતાના આધિપત્ય હેઠળ નહોતા લાવી શક્યા તે પણ તેણે જીત્યા હતા. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસિદ્ધ રાજા મિહિરકુલ તેનો ચરણસ્પર્શ કરતો હતો. આ નોંધમાં અતિશયોક્તિ હોઈ શકે. તેને અક્ષરશ: સ્વીકારવામાં ન આવે તોપણ એટલું તો સ્વીકારવું જોઈએ કે યશોધર્મન મહાન વિજેતા હતો. ગુપ્ત સામ્રાજ્ય અથવા મિહિરકુલની સત્તાનો તે સંપૂર્ણ નાશ કરી શક્યો નહોતો. તેની સત્તા અલ્પજીવી નીવડી હતી. ખરતા તારાની માફક ઈ. સ. 530 અને 540ની વચ્ચે તેની સત્તાનો ઉદય અને અસ્ત થયો. તેણે કયા પ્રદેશોના કયા રાજાઓને હરાવ્યા તેની માહિતી મળતી નથી. શિલાલેખમાં તેણે હરાવેલ રાજાઓમાં માત્ર મિહિરકુલનું નામ મળે છે. શક્તિશાળી હૂણો અને ગુપ્તોને પરાજય આપ્યો તે તેની નોંધપાત્ર સિદ્ધિઓ હતી. તેણે પોતાનાં કાર્યો દ્વારા અન્ય સામંતોને પરોક્ષ રીતે પ્રેરણા આપી. પરિણામે થોડાં વરસો બાદ ગુપ્ત સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું.

તેનું બીજું નામ વિષ્ણુવર્ધન હતું. તેણે ‘રાજાધિરાજ’, ‘પરમેશ્વર’ અને ‘સમ્રાટ’ના ઇલકાબો ધારણ કર્યા હતા. તે શિવભક્ત હતો. શિલાલેખોમાં તેના કાર્યક્ષમ શાસન તથા સદગુણોના ઉલ્લેખો મળે છે.

જયકુમાર ર. શુક્લ