યજ્ઞશાળા : યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટેનો અલાયદો ખંડ કે મંડપ. વેદકાળમાં યજ્ઞશાળા રૂપે ઘરનો એક ખંડ પ્રયોજાતો અને તેમાં નિત્ય અને નૈમિત્તિક એમ બંને પ્રકારના હોમ કરવામાં આવતા. મોટા ઉત્સવો, પર્વો તેમજ જાહેર અને વિશિષ્ટ યાજ્ઞિક અનુષ્ઠાનો કરવા પ્રસંગે અલગ યજ્ઞમંડપ ઊભો કરાતો. તેમાં મધ્યમાં યજ્ઞકુંડની રચના શુલ્વાદિસૂત્ર ગ્રંથાનુસારે થતી. રચના પરત્વે એમાં ઊંચી પીઠ પર ચાર કે બાર સ્તંભો દ્વારા મંડપ રચી તેના પર પિરામિડ ઘાટનું છાવણ કરવામાં આવતું. મંડપ સાધારણ રીતે ચારેબાજુથી ખુલ્લો રખાતો. મધ્યની વેદીને ફરતા યાજ્ઞિકો તેમજ યજમાનો મોકળાશથી બેસી શકે તેવું આયોજન થતું. આ પ્રકારની રચનાથી લાંબો સમય કે ઘણા દિવસો સુધી ચાલનારા યજ્ઞમાં યાજ્ઞિકો અને યજમાનોનું ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ થતું અને કર્મકાંડ પણ નિર્વિઘ્ને થયા કરતો. એકથી વધારે ‘કુંડી યજ્ઞ’ કરવાના હોય ત્યારે એ જ મંડપમાં અપેક્ષિત સંખ્યાના કુંડો કરાતા. પરંતુ શતકુંડી કે સહસ્રકુંડી જેવા મહાયજ્ઞો માટે સ્વતંત્ર મંડપનું નિર્માણ થતું. ઉત્તરકાલમાં મૂર્તિપૂજાના પ્રચારની સાથે મંદિરોમાં, ખાસ કરીને શાક્ત-સંપ્રદાયનાં મંદિરોમાં, ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને શણગાર-ચોકીની સાથોસાથ મંદિર-પરિસરમાં એક અલાયદી યજ્ઞશાળા પણ કરવામાં આવતી. ગાયત્રીમંદિરો તેમજ અંબાજી અને દુર્ગાદેવીનાં મંદિરોમાં યજ્ઞશાળાની રચના જોવામાં આવે છે.
પ્રવીણચંદ્ર પરીખ