યજ્ઞપુરુષ : સમષ્ટિરૂપ સ્થૂળ જગતની પ્રતિકૃતિરૂપ યજ્ઞ. ઋગ્વેદમાં ઋષિઓએ યજ્ઞને સમષ્ટિરૂપ પુરુષ કહ્યો છે.   ચંદ્રમા એનું મન છે, સૂર્ય એની આંખ છે, વાયુ એના કર્ણ છે અને પ્રાણ તેમજ અગ્નિ એનું મુખ છે. આ રીતે વૈદિક યજ્ઞપુરુષ યજ્ઞદેવના પ્રતીકરૂપ હતા. યજ્ઞ-ફળમાં પણ એથી એમનો ભાગ ગણાતો. યજ્ઞપુરુષ આ મહત્તાને કારણે આગળ જતાં એક સ્વતંત્ર દૈવી સત્તા-સૂચક બની ગયા. શ્રીમદભાગવત પુરાણમાં એનું વિષ્ણુના અવતાર રૂપે નિરૂપણ થયું છે અને ‘વિષ્ણુસહસ્રનામ’માં પણ એના નામનો સમાવેશ થયો છે જે યજ્ઞની મહત્તાનું સૂચક છે.

પ્રવીણચંદ્ર પરીખ