યજ્ઞશ્રી શાતકર્ણી

January, 2003

યજ્ઞશ્રી શાતકર્ણી (શાસનકાળ – ઈ. સ. 174–203) : દખ્ખણ કે દક્ષિણાપથના સાતવાહન વંશનો મહત્વનો રાજા. તેના અભિલેખો નાસિક, કાન્હેરી તથા કૃષ્ણા જિલ્લાના ચિના ગંજમમાંથી અને સિક્કા તમિલનાડુ રાજ્યના કૃષ્ણા અને ગોદાવરી જિલ્લા તથા મધ્યપ્રદેશના ચાંદ જિલ્લામાંથી વરાડ, ઉત્તર કોંકણ, વડોદરા તથા સૌરાષ્ટ્રમાંથી મળી આવ્યા છે. સોપારા(પ્રાચીન સુપ્રારક)માંથી તેના ચાંદીના સિક્કા મળ્યા છે અને તે રુદ્રદામનના ચાંદીના સિક્કાને મળતા આવે છે. તેમાં રાજાનું મસ્તક બતાવેલું છે. તે સાતવાહનોમાં છેલ્લો મહાન રાજા હતો. તેણે સિધિયનોને અપરાંત, પશ્ચિમ ભારતના પ્રદેશો અને નર્મદાના ખીણપ્રદેશોમાંથી દૂર કર્યા હતા. તેણે શકોને પણ હરાવ્યા હતા. તેણે મધ્યપ્રદેશની પૂર્વ તરફ પણ પોતાની સત્તા વિસ્તારી હતી. તેના અવસાન પછી તેના સામ્રાજ્યનું વિભાજન થઈ ગયું.

જયકુમાર ર. શુક્લ