યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો દર્શાવે છે. તે ઉગ્ર, દીર્ઘકાલી તથા સતત વર્ધનશીલ (progressive) હોય છે, જેમાં અંતે ગાઢ બેભાનાવસ્થા (coma) અને મૃત્યુ પણ નીપજે છે.
તેનાં કારણો અંગે હજુ અમુક અંશે અનિશ્ચિતતા પ્રવર્તે છે. મુખ્ય કારણોમાં યકૃતની તીવ્ર પ્રકારની ક્રિયાનિષ્ફળતા તથા યકૃત અને શરીરના રુધિરાભિસરણ વચ્ચે થયેલાં જોડાણોનો સમાવેશ થાય છે. તેને નિવાહિકાતંત્ર–બહુતંત્રીય (સર્વાંગી) રુધિરાભિસરણીય જોડાણ (portosystemic shunt) કહે છે. તેને કારણે યકૃતમાં જે ઝેરનું નિર્વિષીકરણ થતું હોય છે તે સીધેસીધાં મગજ સુધી પહોંચી જઈને વિકાર સર્જે છે. આ પ્રકારનાં ઝેર ખોરાક દ્વારા કે તેના ચયાપચયમાં ઉત્પન્ન થાય છે. તે મુખ્યત્વે 2 પ્રકારનાં છે એમોનિયા અને છદ્મ-ચેતારસાયણી સંદેશવાહકો (false neurochemical transmitters). મોટાભાગના કિસ્સામાં એમોનિયાને મહત્વનું કારણ ગણવામાં આવે છે, તેમ છતાં ઘણા કિસ્સામાં તેની રુધિરસપાટી વધેલી હોતી નથી. અન્ય દ્રવ્યોમાં મર્કેપ્ટાન્સ, લઘુશૃંખલા મેદામ્લો (short chain fatty acids) તથા ફીનૉલ પણ આવો વિકાર સર્જે છે. ઑક્ટોપેમિન જેવા છદ્મ-ચેતારસાયણી સંદેશવાહકો પણ આવો વિકાર કરે છે. સગંધ (aromatic) તથા સશાખ (branched) એમીનો ઍસિડમાંથી તે બને છે. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે ગૅમા-એમીનોબ્યૂટાયરિક ઍસિડ (GABA) નામનો અવદમનશીલ (inhibitory) ચેતાસંદેશવાહક છે. તેનું વધતું પ્રમાણ પણ આ વિકાર સર્જે છે. GABA આંતરડામાં બને છે અને યકૃત તેનું નિર્વિષીકરણ કરે છે. જ્યારે આ ક્રિયા નિષ્ફળ જાય ત્યારે GABAનું પ્રમાણ વધે છે. ફ્લ્યુમેઝેટિલ નામનું એક બેન્ઝોડાયાઝેપિનને વિધર્મી દ્રવ્ય પ્રાણીઓમાં સક્રિય છે, પણ માણસમાં તેની અસરકારકતા ઓછી હોય છે. તેથી એવું તારણ કઢાયું છે કે ફક્ત GABAને કારણે બેભાનાવસ્થા થાય છે એવું નથી. તેથી મનાય છે કે આ સર્વે દ્રવ્યો વચ્ચેની આંતરક્રિયાને કારણે અંતે બેભાનાવસ્થા થાય છે. આ ઉપરાંત યકૃતકાઠિન્ય(cirrhosis)ના દર્દીઓમાં ચુંબકીય અનુનાદ ચિત્રણ (magnetic resonance imaging) વડે મગજમાંના તલીય ગંડિકા (basal ganglia) નામના વિસ્તારમાં અતિસક્રિયતા જોવા મળે છે તેથી એવું મનાય છે કે ત્યાં મૅંગેનીઝનું સંસ્થાપન થાય છે અને તે બેભાનાવસ્થા સર્જે છે. આમ વિવિધ પ્રકારના જૈવરસાયણી વિકારો બેભાનાવસ્થા સર્જવામાં કારણરૂપ હોવાની સંભાવના છે.
જોકે યકૃતકાઠિન્યના દર્દીમાં અમુક ચોક્કસ સ્થિતિમાં જ આવો વિકાર સર્જાય છે. જઠર-આંતરડાંમાં લોહી વહેવું, ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધવું, ઝાડા-ઊલટી કે અન્ય કારણે શરીરમાંનાં વીજવિભાજ્યો(electrolytes)ના સ્તરમાં ફેરફાર થવો તથા કેટલીક ચેતાતંત્રનું અવદમન કરતી દવાઓનું સેવન કરવું જેવાં વિવિધ પરિબળો બેભાનાવસ્થા સર્જે છે. આ ઉપરાંત યકૃતકાઠિન્યના દર્દીમાં વિષાણુઓથી ચેપી કમળો થાય (યકૃતશોથ, hepatitis), અતિશય મદ્યપાનની ઝેરી અસર થાય, પિત્તમાર્ગમાં પથરી કે ગાંઠથી અવરોધ થાય, કબજિયાત થાય, મોટી શસ્ત્રક્રિયા કરવી પડે કે અન્ય કોઈ તીવ્ર રોગ કે વિકાર થાય, તોપણ બેભાનાવસ્થા થઈ આવે છે.
યકૃતજન્ય બેભાનાવસ્થાના 4 તબક્કા વર્ણવવામાં આવેલા છે (સારણી 1). તેમાં મગજ પર સોજો પણ આવે છે. મનશ્ચેતાકીય વિકારના ભાગરૂપે હાથના પંજાનું પંખીની પાંખની માફક અનૈચ્છિક હલનચલન થાય છે. તેને પંખકંપન (asterixis) કહે છે.
સારણી 1 : યકૃતજન્ય બેભાનાવસ્થાના તબક્કાઓ
તબક્કો | માનસિક સ્થિતિ | પંખકંપન | મસ્તિષ્કી વીજાલેખ |
(EEG) | |||
1. | સ્વર્ગસુખાભાસ (euphoria) અથવા ખિન્નતા (depression), નિદ્રાવિકાર તથા થથરતી વાણી | +/– | ત્રિ-ઉપસત્રીય તરંગ (triphasic wave) |
2. | થાક (lethargy), મધ્યમ પ્રકારની મનોગૂંચ | + | ઉપર પ્રમાણે |
3. | તીવ્ર મનોગૂંચ, અસ્પષ્ટ વાણી, જગાડી શકાય તેવી ઊંઘ | + | ઉપર પ્રમાણે |
4. | ગાઢ બેભાનાવસ્થા, પીડાકારક સંવેદના તરફનો પ્રતિભાવ શરૂઆતમાં રહે, પણ પાછળથી જતો રહે | – | ડેલ્ટા પ્રક્રિયા |
સારવાર : વહેલું નિદાન અને તરત સારવાર લાભકારક રહે છે. ચોથા તબક્કાના વિકારમાં જીવન-સંરક્ષક સારવારને પ્રાધાન્ય મળે છે. યકૃતીય બેભાનાવસ્થાની સચોટ સારવારના મુખ્ય 2 સિદ્ધાંતો છે કારક પરિબળનું નિર્મૂલન અને લોહીમાં એમોનિયા અને અન્ય ઝેરનો નાશ. જઠર-આંતરડાંમાં લોહીનું વહેવું, શરીરમાં પાણી ઘટવું કે વીજવિભાજ્યોનો વિકાર થવો, ઘેન કરતી દવા લેવાવી કે અન્ય ચેપ લાગવો જેવાં કારક પરિબળોની પહેલાં સારવાર કરાય છે. ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ ઘટાડાય છે અને આંતરડાંમાંથી વિષજનક દ્રવ્યોને દૂર કરવા લેક્ચ્યુલોઝનો જુલાબ અપાય છે. આંતરડાંમાંના જીવાણુઓ પ્રોટીનનો ચયાપચય કરીને વિષદ્રવ્યો સર્જે છે માટે નિઓમાયસિન તથા મૅટ્રોનિડેઝોલ આપીને તેમનો નાશ કરાય છે. લેક્ચ્યુલોઝનું આંત્રીય જીવાણુઓ દ્વારા ચયાપચય થાય છે અને તેથી ત્યાંનું pH મૂલ્ય અમ્લીય (acidic) બને છે. તેને કારણે એમોનિયાનું અવશોષણ ન થઈ શકે તેવા આયનમાં રૂપાંતરણ થાય છે. આમ લોહીમાં એમોનિયાનું પ્રમાણ વધતું અટકે છે. લિવોડોપા, બ્રોમોક્રિપ્ટીન, ઑર્નિમિન એસ્પાર્ટેટ કીટોધર્મી એમીનો ઍસિડ તથા સશાખ-એમીનો ઍસિડનું નસ વાટે દ્રાવણ આપવાથી શો ફાયદો થાય છે તે હજુ નિશ્ચિત નથી. જો બેન્ઝોડાયાઝેપિન્સ જેવી ઘેન કરતી દવાથી બેભાનાવસ્થા થઈ હોય તો ફ્લ્યુમેઝેટિલનો ઉપયોગ કરાય છે. પારગલન કરવાથી કે મસ્તિષ્કનો સોજો ઘટાડતી દવા આપવાથી ખાસ લાભ નથી. માનવજન્ય કે ડુક્કરજન્ય યકૃતકોષોથી બનેલા બહિષ્કાય યકૃત(extracorporeal liver)નો ઉપયોગ કરીને સારવાર કરવાના પ્રયોગો ચાલે છે. તેવી જ સ્થિતિ યકૃત પ્રતિરોપણ(hepatic transplant)ની છે.
દીર્ઘકાલી યકૃતજન્ય મસ્તિષ્કવિકાર(રુગ્ણતા)ની સારવારમાં લેક્ચ્યુલોઝ ઉપયોગી છે. તેના દર્દીને લાંબા ગાળા માટે ખોરાકમાં પ્રોટીનનો ઉપયોગ ઘટાડવાનું કહેવાય છે. લાંબા સમય માટે નિઓમાયસિન આપવાથી કાન અને મૂત્રપિંડ પર ઝેરી અસર થાય છે તેથી તેનો ઉપયોગ પ્રસંગોપાત્ત જ કરાય છે.
સુધાંશુ પટવારી
શિલીન નં. શુક્લ