યકૃતક્ષમતા-કસોટીઓ

January, 2003

યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે. વળી ક્યારેક જે રોગોમાં યકૃત વિકારગ્રસ્ત ન હોય તેમાં પણ તે વિષમ પરિણામ આપે છે, જેમ કે રક્તકોષો તૂટવાથી થતા કમળામાં કે હાડકાંના રોગોમાં રુધિરરસીય આલ્કેલાઇન ફૉસ્ફેટેઝનું વધતું પ્રમાણ.

યકૃતમાં હજારો જૈવરાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને તેથી તે બધીને માટે નિદાનકસોટીઓ સંભવિત નથી. પરીક્ષણશાળાની કસોટીઓ કેટલાંક મહત્ત્વનાં અને નિશ્ચિત કાર્યોની કક્ષા તથા વિષમતા શોધી કાઢવામાં વપરાય છે. વળી એમીનોટ્રાન્સફરેઝ કે આલ્કેલાઇન ફૉસ્ફેટેઝ નામનાં ઉત્સેચકોની રુધિરરસસપાટી યકૃતના કોઈ કાર્ય સાથે સંકળાયેલી નથી પરંતુ તેમને પણ યકૃતક્ષમતા-કસોટીઓમાં સમાવવામાં આવે છે. એમિનો ટ્રાન્સફરેઝ ઉત્સેચકો(eneymes)માં એલેનિન ટ્રાન્સએમાઇનેઝ(ALT) અને ઍસ્પાર્ટેટ ટ્રાન્સએમાઇનેઝ(AST)નો સમાવેશ થાય છે. મુખ્ય કસોટીઓ તથા યકૃતના પ્રમુખ વિકારોને સારણી 1માં દર્શાવ્યાં છે.

યકૃતક્ષમતા-કસોટીઓમાં આ ઉપરાંત યુરિયા, ગ્લોબ્યુલિન, રુધિરગંઠન-કસોટીઓ, સોનોગ્રાફી કે સી.ટી. સ્કૅનનાં ચિત્રણો તથા સોય દ્વારા યકૃતનો ટુકડો લઈને કરાતું પેશીપરીક્ષણ (biopsy) વગેરેનો પણ સમાવેશ થાય છે. એકથી વધુ પ્રકારની કસોટીઓ કરીને પરિણામની વિશ્વસનીયતા વધારાય છે. જરૂર પડ્યે ફરીથી અથવા સમયાંતરે કસોટીઓ કરાય છે. તે માટે નીચે દર્શાવેલ કસોટીઓનો પદક્રમ (algorythm) વપરાય છે.

શિલીન નં. શુક્લ