યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)

January, 2003

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું લોહી મધ્યસ્થ શિરાઓ(central veins)માં એકઠું થાય છે અને તેના દ્વારા તે યકૃતીય શિરા(hepatic vein)માં ઠલવાય છે. યકૃતીય શિરા અધોમહાશિરા(inferior vena cava)માં ખૂલે છે અને આમ બરોળ-આંતરડાંમાંથી આવતું લોહી યકૃતમાં પસાર થઈને સર્વાંગી રુધિરાભિસરણમાં ભળે છે. બરોળ-આંતરડાંમાંથી યકૃતમાં જતા લોહીનું જે વહન કરે છે તેવા તંત્રને નિવાહિકાતંત્ર (portal system) કહે છે. નિવાહિકાતંત્ર અને સર્વાંગી રુધિરાભિસરણતંત્ર વચ્ચે યકૃતશિરા અને અધોમહાશિરાના જોડાણથી મુખ્ય જોડાણ સંભવે છે. કોઈ પણ કારણસર તેમાં અવરોધ ઉદભવે અથવા નિવાહિકા શિરામાં વધુ પ્રમાણમાં લોહી ઠલવાય તો નિવાહિકાતંત્રમાં દબાણ (પ્રદમ, pressure) વધે છે. તેથી તેમાં જ્યારે દબાણ વધે ત્યારે તેને નિવાહિકાતંત્રીય અતિરુધિરપ્રદમ અથવા યકૃતમાર્ગીય અતિરુધિરપ્રદમ પણ કહે છે. તેનાં કારણોને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાય છે – યકૃતકાઠિન્યજન્ય (cirrhotic) અને અયકૃતકાઠિન્યજન્ય (non-cirrhotic).

બરોળ કોઈ પણ કારણે મોટી થાય તો તેમાં પ્રવેશતા લોહીનો જથ્થો પણ વધે છે. તેના કારણે બરોળમાંથી નીકળતી પ્લીહાશિરા(splenic vein)માં વહેતા લોહીનો જથ્થો પણ વધે છે. આમ નિવાહિકા શિરામાં વહેતા લોહીનું કદ વધે અને તેથી તેમાં દબાણ વધે છે. ક્યારેક નિવાહિકા શિરા લોહીના અને સર્વાંગી રુધિરાભિસરણવાળી ધમની વચ્ચે સંયોગિકાનળી (shunt) જેવું જોડાણ ઉદભવે છે, ત્યારે પણ નિવાહિકા શિરામાં લોહીનો જથ્થો વધે છે અને તેથી તેમાં દબાણ વધે છે. ક્યારેક નિવાહિકા શિરામાં થતા પરિભ્રમણમાં અટકાવ ઉદભવે છે. તેને નિવાહિકા શિરારોધ (portal vein obstruction) કહે છે. તેનાં વિવિધ કારણો હોય છે; જેમ કે, નિવાહિકા શિરામાં લોહીનો ગઠ્ઠો જામી જવો (સ્થાનગુલ્મન, thrombosis), પ્લીહાશિરારોધ (splenic vein thrombosis) થવો, શિસ્ટોસોમિયાસિસ નામનો પરોપજીવી રોગ થવો વગેરે. એવા સંજોગોમાં નિવાહિકા શિરામાંના રુધિરાભિસરણમાં અવરોધ થાય છે અને તેથી નિવાહિકાતંત્રમાં દબાણ વધે છે. આ બંને પ્રકારના સંજોગોનિવાહિકા શિરામાં વધતો લોહીનો જથ્થો તથા નિવાહિકા શિરામાં અવરોધમાં નિવાહિકાતંત્રમાં દબાણ વધે છે. આ પ્રકારના વિકારોને યકૃતપૂર્વ (prehepatic) વિકારો કહે છે.

જો યકૃતમાં યકૃતકાઠિન્ય (cirrhosis) નામનો  રોગ થયો હોય તો તેને કારણે નિવાહિકા શિરામાંના લોહીના વહનમાં અવરોધ સર્જાય છે. તેને યકૃતકાઠિન્યજન્ય નિવાહિકાતંત્રીય અતિરુધિરદાબ અથવા અતિરુધિરપ્રદમ (cirrhotic portal hypertension) કહે છે. તેના સિવાયના અન્ય બધા જ પ્રકારનાં કારણોને અયકૃતકાઠિન્યજન્ય નિવાહિકાતંત્રીય અતિરુધિરદાબ કહે છે. યકૃતમાં ક્યારેક યકૃતકાઠિન્ય ન હોય એવી તંતુતા(fibrosis)નો વિકાર થાય છે. તે સમયે યકૃતમાં તંતુઓ વિકસે છે. તેને પણ નિવાહિકાતંત્રીય અતિરુધિરદાબ કહે છે. યકૃતમાંના જે વિકારોને કારણે અતિરુધિરદાબ થાય છે, તેને યકૃતીય (hepatic) કારણો કહે છે અને તેનાથી થતા વિકારને યકૃતીય નિવાહિકાતંત્રીય અતિરુધિરદાબ કહે છે.

યકૃતમાંનું લોહી યકૃતીય શિરાઓ દ્વારા અધોમહાશિરામાં અને તેના દ્વારા હૃદયના જમણા કર્ણકમાં પ્રવેશે છે. યકૃતીય શિરા કે અધોમહાધમનીમાં અટકાવ કે અવરોધ ઉદભવે તોપણ નિવાહિકાતંત્રમાં દબાણ વધે છે. આ પ્રકારના વિકારને યકૃતોત્તર અતિરુધિરદાબ કહે છે. આ રીતે નિવાહિકાતંત્રીય અતિરુધિરદાબને કાં તો યકૃતપૂર્વ, યકૃતીય અને યકૃતોત્તર અતિરુધિરદાબ અથવા યકૃતકાઠિન્યજન્ય (cirrhotic) અને અયકૃતકાઠિન્યજન્ય અતિરુધિરદાબ  એમ બે રીતે વર્ગીકૃત કરાય છે.

નિવાહિકાતંત્રમાં દબાણ વધે ત્યારે જે જે સ્થળે નિવાહિકાતંત્ર અને સર્વાંગી રુધિરાભિસરણ વચ્ચે જોડાણો છે ત્યાં ત્યાંની શિરાઓ પહોળી થાય છે અને તેમના દ્વારા લોહી સર્વાંગી રુધિરાભિસરણમાં પ્રવેશે છે. તેનાં મુખ્ય શિરાજૂથો અન્નનળીના નીચલા અને જઠરના ઉપલા છેડે તથા મળાશયમાં આવેલાં છે. ડૂંટીની આસપાસની શિરાઓ પણ આવું જોડાણ ધરાવે છે. તેથી જ્યારે નિવાહિકાતંત્રમાં રુધિરદાબ વધે ત્યારે અન્નનળી અને જઠરમાંની શિરાઓ, મળાશયમાંની શિરાઓ તથા ડૂંટીને ગોળફરતી શિરાઓ પહોળી તથા વાંકીચૂકી બને છે. અન્નનળીમાંની પહોળી થયેલી શિરાઓને અન્નનલીય શિરાસર્પિલતા (oesophageal varices) કહે છે. મળાશયમાં પહોળી થયેલી શિરાઓ ગુદામાં મસા (વાહિનીમસા, piles) કરે છે. પહોળી થયેલી શિરાઓ ફાટે તો તેમાંથી લોહી ઝમે છે. અને તેથી લોહીની ઊલટી થાય (રુધિરવમન, haematemesis), ઝાડામાં લોહી વહે (રુધિરમળ, haematochezia) તથા કાળા રંગનો મળ (શ્યામલમળ, malaena) થાય છે; જેમાં વિરૂપ થયેલું કાળું લોહી હોય છે. આવા અર્ધપચિત, વિરૂપ લોહીને અકળ રુધિર (occult blood) કહે છે. શરીરમાંથી લોહી વહી જવાથી પાંડુતા થાય છે. આંતરડાંમાં લોહીનું પચન થાય ત્યારે કેટલાંક મગજ માટે વિષરૂપ દ્રવ્યો બને છે; જેનું સામાન્ય સંજોગોમાં યકૃત દ્વારા નિર્વિષીકરણ (detoxification) થાય છે. જો સાથે યકૃતનો વિકાર હોય તો આવાં વિષદ્રવ્યો બેભાનાવસ્થા સર્જે છે. તેને યકૃતજન્ય અતિઅચેતનતા (hepatic coma), યકૃતજન્ય મસ્તિષ્કવિકાર (hepatic encephalopathy), યકૃતજન્ય બેભાનાવસ્થા અથવા ‘કમળી’ કહે છે.

નિવાહિકાતંત્રીય અતિરુધિરદાબના દર્દીમાં બરોળ મોટી થયેલી હોય છે, મસા મોટા થયેલા હોય છે તથા અન્નનળી કે જઠરમાં શિરાસર્પિલતા (varices) થયેલી હોય છે. અન્નનળી તથા જઠરની ગુહામાં અંત:દર્શક (endoscope) નાંખીને શિરાસર્પિલતા જોઈ શકાય છે તથા જો તેમાંથી લોહી વહેતું હોય કે વહે તેવું લાગે તો તેની અંદર ઔષધ નાંખીને તે શિરામાં સર્જીને તેને બંધ કરી શકાય છે. તેને દૃઢતંતુકારી ચિકિત્સા (sclerotherapy) કહે છે. જો યકૃતનો રોગ હોય તો યકૃતક્ષમતા-કસોટીઓ વિષમ હોય છે. જો બરોળ બહુ મોટી થાય (પ્લીહાવર્ધન, splenomegaly) અને તેને કારણે અતિપ્લીહન (hypersplenism) નામનો વિકાર થયેલો હોય તો લોહીમાંના કોષોનું ઉત્પાદન ઘટે છે. ચુંબકીય અનુનાદ વાહિનીચિત્રણ (magnetic resonance angiography) વડે નિવાહિકાતંત્રનું નિદર્શન કરીને નિદાન કરી શકાય છે. યકૃતમાં સોય નાંખીને પેશીપરીક્ષણ (biopsy) કરવાથી યકૃતના રોગ વિષે નિદાન કરાય છે.

જો બરોળની શિરામાં રુધિરગુલ્મન હોય તો બરોળ કાઢી નંખાય છે. શિરાસર્પિલતામાંથી લોહી ઝમતું હોય તો ઉપર જણાવ્યા પ્રમાણેની દૃઢતંતુકારી ચિકિત્સા અથવા પટ્ટબંધન(band ligation)ની ક્રિયા કરાય છે. તે નિષ્ફળ જાય તો નિવાહિકાતંત્ર  સર્વાંગી રુધિરાભિસરણ વચ્ચે સંયોગિકા નલિકાકરણની શસ્ત્રક્રિયા (shunt surgery) કરાય છે. કેટલાક દર્દીઓમાં લોહીના ગંઠાઈ જવાની ક્રિયા વધી ગયેલી હોય છે. તેને અતિસંગુલ્મનની સ્થિતિ (hypercoagulable state) કહે છે. તેમાં યકૃતોત્તર પ્રકારનો વિકાર થાય છે. આવા વિકારોમાં જે તે પ્રકારના વિકારનું નિદાન કરીને જરૂરી એવી પ્રતિસંગુલ્મન-ચિકિત્સા (anticoagulant therapy) કરાય છે.

સુધાંશુ પટવારી

શિલીન નં. શુક્લ