મ્યૂનિક પુત્શ (Munich Putsch) : મ્યૂનિક ખાતે હિટલરની આગેવાની હેઠળ યોજાયેલો બળવો. આ નિષ્ફળ બળવો મ્યૂનિક ખાતેના બિયર-હૉલમાં 8 નવેમ્બર, 1923ની રાતે યોજાયેલો. તેની પાછળ બવેરિયન સરકારને અને તેના પગલે છેવટે જર્મનીની રાષ્ટ્રીય સરકારને નૅશનલ સોશિયાલિસ્ટ (નાઝી) પાર્ટીના નિયંત્રણ હેઠળ લાવવાનો હેતુ હતો. બવેરિયાની રાજધાની મ્યૂનિક તે સમયે નાઝી ચળવળનું કેન્દ્રસ્થાન હતું; એ ઉપરાંત હિટલરની નેતાગીરીને પડકારતાં બીજાં જમણેરી તત્વો પણ ત્યાં સક્રિય હતાં. મ્યૂનિક પુત્શ(એ ‘બિયર-હૉલ પુત્શ’ તરીકે પણ ઓળખાય છે)માં આમ તો હિટલરની પોતાની રાજકીય સ્થિતિ મજબૂત બનાવવાનો તથા બર્લિન ખાતેની યહૂદીઓ અને માર્કસવાદીઓની કહેવાતી સરકારને ઉથલાવી પાડવાનો મુખ્ય આશય હતો, કારણ કે હિટલરનો એવો સ્પષ્ટ મત હતો કે એ સરકાર જર્મનીનું નિકંદન કાઢી રહી છે. 8 નવેમ્બર, 1923ના રોજ હિટલરે અને જનરલ એરિક લુડનડૉર્ફે ‘રાષ્ટ્રીય ક્રાંતિ’ની જાહેરાત કરી અને બીજે દિવસે બવેરિયન વૉર મિનિસ્ટ્રી પર તેઓ નાઝી કૂચ લઈ ગયા. તેમને પકડી લઈને તેમના પર રાજદ્રોહના ગુનાસર કેસ ચલાવવામાં આવ્યો. નાઝીવાદ અને તેના સિદ્ધાંતોના રાષ્ટ્રવ્યાપી પ્રચાર માટે હિટલરે આ ખટલાનો કુશળતાપૂર્વક લાભ લીધો. 5 વર્ષની જેલની સજા પૈકી હિટલરે એક વર્ષથીય ઓછી સજા ભોગવી અને એ જેલવાસ દરમિયાન તેમણે બહુચર્ચિત પુસ્તક ‘મેન કાંફ’ (Mein Kamph) લખ્યું.
મહેશ ચોકસી