મ્યૂર, એડ્વિન (જ. 15 મે 1884, ડિયરનેસ, ઑર્કની, સ્કૉટલૅન્ડ; અ. 3 જાન્યુઆરી 1959, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજીમાં લખતા સ્કૉટિશ કવિ, વિવેચક અને અનુવાદક. ખેડૂતપુત્ર મ્યૂરે કર્કવૉલમાં શિક્ષણ લીધું. 14 વર્ષની વયે ગ્લાસગો ગયા અને 1919માં નવલકથાકાર વિલા ઍન્ડરસન સાથે લગ્ન કર્યા બાદ લંડનમાં સ્થાયી થઈ અધ્યાપનકાર્ય કર્યું. તેમણે રોમ, સ્કૉટલૅન્ડ તથા હાર્વર્ડમાં પ્રોફેસર ઑવ્ પોએટ્રી તરીકે પણ કામગીરી બજાવી.

1928થી તેમનાં કાવ્યો 8 જેટલા નાનકડા સંગ્રહોમાં પ્રગટ થયાં અને ‘ધ વૉયેજ’ (1946) અને ‘ધ લૅબિરિંથ’ (1949) જેવા કાવ્યસંગ્રહોથી કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. 1960માં તેમણે ‘કલેક્ટેડ પોએમ્સ’ પ્રગટ કરી, જેમાં તેમનું ચિંતનાત્મક અને પુરાણકથાઓનું અલૌકિક દર્શન પ્રતીત થાય છે. ‘લૅટિટ્યૂડ્ઝ’ (1924) અને ‘ટ્રૅન્ઝિશન’ (1927) તેમની નોંધપાત્ર અને ચર્ચાસ્પદ બનેલી વિવેચનાત્મક કૃતિઓ છે.

તેમનાં પત્નીના સહયોગથી 1930ના દશકા દરમિયાન તેમણે કાફ્કાની કૃતિઓના અનુવાદ કરીને બ્રિટનમાં તેની ખ્યાતિ વધારી. આ ઉપરાંત, તેમણે શૉલમ ઍશ, હર્મન બ્રૉખ અને લિયૉન ફૉઇખ્તવૅન્ગરની કૃતિઓના પણ અનુવાદ કર્યા છે. તેમની આત્મકથા 1954માં પ્રગટ થઈ હતી.

બળદેવભાઈ કનીજિયા