મ્યૂનિક કરાર : યુરોપમાં સંભવિત યુદ્ધ નિવારવા માટે જર્મનીના મ્યૂનિક શહેર ખાતે યુરોપની મુખ્ય સત્તાઓ વચ્ચે થયેલો નિષ્ફળ કરાર. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના વીસીના ગાળામાં જર્મની મજબૂત રાષ્ટ્ર બનવા ઉત્સુક હતું. આથી તેણે પશ્ચિમ ચેકોસ્લોવાકિયામાં આવેલ સુદાતનલૅન્ડ વિસ્તાર પર પ્રદેશલાલસાભરી નજર દોડાવી, કારણ કે આ વિસ્તારમાં 30,00,000 જર્મન-મૂળ ધરાવતા લોકો વસતા હતા. જર્મન પ્રમુખ હિટલર આ વિસ્તાર પડાવી લેવાની દાનત ધરાવતો હતો. સુદાતનલૅન્ડમાં વસતા ચેક-જર્મનો માટે ઉશ્કેરણીજનક ભાષણો કરી હિટલરે યુદ્ધને આમંત્રણ આપવાની દિશામાં પગલાં ભર્યાં. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ જર્મનીનો આ ઇરાદો સમજતાં હતાં તેથી તેઓ કોઈ પણ હિસાબે આ ઘર્ષણ ટાળવા માંગતાં હતાં. વળી ચેકોસ્લોવાકિયાને ફ્રાન્સ અને રશિયા સાથે લશ્કરી મદદના કરાર થયેલા હતા. એથી જો યુદ્ધ થાય તો તે વ્યાપક યુદ્ધ બની જાય એવો ભય ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સને હતો. આ સંજોગોમાં ઇંગ્લૅન્ડના વડાપ્રધાન ચેમ્બરલીને હિટલરને મળી વાટાઘાટો કરવાની તૈયારી દર્શાવી. હિટલર પણ આવી વાટાઘાટો માટે તૈયાર થયો. આ માટે હિટલર અને ચેમ્બરલીન વચ્ચે મુલાકાત યોજાઈ, જે દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે સુદાતનલૅન્ડ વિસ્તારમાં જર્મની લશ્કરી પગલું નહિ ભરે તેમજ આ વિસ્તારને જર્મની સાથે જોડવાની સમસ્યા બાબતે પ્લેબીસાઇટ (લોકમત) લેશે. ફ્રાન્સનું સૂચન હતું કે 50 %થી વધુ જર્મન-મૂળના લોકો વસતા હોય તો તેવા વિસ્તારો જર્મનીને પરત કરવા. અબલત્ત, આમાંની કોઈ પણ સત્તાએ આ અંગે ચેકોસ્લોવાકિયાનો અભિપ્રાય લેવાનું મુનાસિબ ન માન્યું. આથી ચેકોસ્લોવાકિયાની સરકારે આ દરખાસ્તો નકારી ત્યારે અનિચ્છાએ પણ તેને આ દરખાસ્તો સ્વીકારવાની દબાણપૂર્વક ફરજ પાડવામાં આવી.

આ બાબતે બ્રિટિશ વડાપ્રધાન ચેમ્બરલીન 22 સપ્ટેમ્બર, 1938ના રોજ જર્મની જઈ હિટલરને મળ્યા, પણ હિટલરે અક્કડ વલણ અપનાવી જણાવ્યું કે 1 ઑક્ટોબર, 1938 સુધીમાં સુદાતનલૅન્ડ વિસ્તાર ખાલી કરી ચેકોસ્લોવાકિયા તેનો કબજો જર્મનીને સોંપી દે. આથી આ અંગે નવી દરખાસ્તો કરવા માટે ચેમ્બરલીને તૈયારી દર્શાવી. બ્રિટનની આ દરખાસ્ત સ્વીકારવા ચેકોસ્લોવાકિયા અને ફ્રાન્સ તૈયાર નહોતાં. આથી આ દેશોએ વાટાઘાટોની વાત કરતાં કરતાં યુદ્ધની તૈયારીઓ કરવા માંડી.

આ સંભવિત યુદ્ધ નિવારવા ચેમ્બરલીને મ્યૂનિક ખાતે એક પરિષદ બોલાવવાનું સૂચન કર્યું, જે સ્વીકારવામાં આવ્યું. આ પરિષદમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીએ ભાગ લીધો અને તેમની વચ્ચે 28 સપ્ટેમ્બર, 1938ના રોજ થયેલો કરાર મ્યૂનિક કરાર તરીકે જાણીતો બન્યો. ચેમ્બરલીન, ડાલાડિયર, મુસોલિની અને હિટલર એમ ચાર નેતાઓ આ પરિષદમાં હાજર રહ્યા હતા. મુસોલિનીએ અહીં એક નકશો (ઘણાં વર્ષો પછી થયેલા એક સંશોધન અનુસાર આ ઇટાલિયન નકશો જર્મન વિદેશ કચેરીએ તૈયાર કર્યો હતો.) રજૂ કર્યો જે બધા દેશોએ સ્વીકાર્યો તેમજ અન્ય વિવાદાસ્પદ વિસ્તારો બાબતે આંતરરાષ્ટ્રીય પંચ નિર્ણય લેશે એમ ઠરાવવામાં આવ્યું. ઉપરાંત અન્ય સંઘર્ષો ઉકેલવા સલાહ-મંત્રણાનો આશ્રય લેવાશે એવી ઇચ્છા વ્યક્ત કરતાં લખાણો પર તમામે હસ્તાક્ષર કર્યા અને એ રીતે મ્યૂનિક કરાર સંપન્ન થયો. આ કરાર પશ્ચિમની સત્તાઓએ જર્મની પ્રત્યે અપનાવેલ બાંધછોડની નીતિ(policy of appeasement)નું પ્રતીક બન્યો.

મ્યૂનિક કરારના ઘડવૈયા : ચૅમ્બરલીન (યુ.કે.), ડાલાડિયર (ફ્રાન્સ), હિટલર (જર્મની) અને મુસોલિની (ઇટાલી)

મંત્રણાના આ સમયગાળા દરમિયાન જર્મનીએ સુદાતનલૅન્ડ પર કબજો જમાવવાની તૈયારી કરી લીધી. ચેમ્બરલીને બ્રિટન પહોંચી પ્રજાને જણાવ્યું કે ‘આપણે સન્માનપૂર્વકની શાંતિ સિદ્ધ કરી છે. આ આપણા યુગની ‘શાંતિ’ છે.’ આમ શાંતિ-મંત્રણાઓ કરવામાં આવી, પણ માર્ચ માસમાં હિટલરે ચેકોસ્લોવાકિયા પર આક્રમણ કર્યું, તેના એકાદ વર્ષ બાદ પોલૅન્ડ પર આક્રમણ કર્યું અને બીજું વિશ્વયુદ્ધ(1939-45) છેડાયું. આ આક્રમણ દ્વારા મ્યૂનિક કરારની નિરર્થકતા પુરવાર થઈ.

રક્ષા મ. વ્યાસ