મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈ

March, 2002

મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈ (જ. 22 ડિસેમ્બર 1869; રાયબરેલી; અ. 1923) : પ્રથમ પંક્તિના ભારતીય વિદ્વાન, લેખક, હકીમ અને વિશ્વવિખ્યાત ઇસ્લામી શિક્ષણસંસ્થા ‘નદવતુલ ઉલેમા’(An Association of the Learned)ના સ્થાપક તથા પ્રણેતા. તેમના ખાનદાને દેશને ટોચના સ્વાતંત્ર્યસેનાનીઓ, આધ્યાત્મિક ગુરુઓ, અરબી ભાષાના વિદ્વાનો, લેખકો, કવિઓ તથા લોકનાયકો આપ્યા છે. ઉત્તરપ્રદેશના રાયબરેલીના તેમના હસની-હુસૈની સાદાત કુટુંબનો સમગ્ર દેશ ઉપર મોટો ઉપકાર રહેલો છે. મૌલાના અબ્દુલ હૈના વડવાઓમાં સમાજસુધારક તથા અંગ્રેજી સત્તા વિરુદ્ધના સંગ્રામમાં શહીદી વહોરનાર હજરત સૈયદ એહમદ શહીદ અને રૂહાની પેશ્વા હજરત સૈયદ શાહ ઇલ્મુલ્લાહ; તો તેમના દીકરાઓમાં યુનાની અને ઍલૉપથી બંને પદ્ધતિઓના નિષ્ણાત તબીબ તથા શિક્ષણવિદ્ મૌલવી હકીમ ડૉક્ટર સૈયદ અબ્દુલ અલી (અ. 1961) અને સર્વવ્યાપી વિદ્વાન મૌલાના સૈયદ અબુલ હસન અલી નદવી (અ. 2000) જેવી નામાંકિત હસ્તીઓ થઈ ગઈ છે.

તેમના પિતા મૌલાના હકીમ સૈયદ ફખ્રુદ્દીન (1840–1908) વિવિધ દેશી રાજ્યોની સેવામાં રહ્યા હતા. આથી મૌલાના અબ્દુલ હૈએ શાળામાં જવાને બદલે પોતાના ઘરમાં જ વડીલો પાસેથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. પુખ્ત વયે તેમણે ભોપાલ, અલ્લાહાબાદ, ફતેહપુર, કાનપુર તથા લખનૌમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે જુદી જુદી વિદ્યાઓ ઉપરાંત સુલેખનકળામાં પણ પ્રવીણતા મેળવી હતી. તેમના પિતા આગેવાન હકીમ હતા અને તેમણે પણ યુનાની તબીબી શાસ્ત્રની પદ્ધતિસરની તાલીમ પ્રાપ્ત કરી હતી. લખનૌમાં તેમનું કાયમી રહેઠાણ તથા દવાખાનું બજાર ઝાવલાલમાં હતું. તેમને શિક્ષણ ઉપરાંત સામાજિક તથા ધાર્મિક સુધારાઓમાં રસ હતો. આ આશયથી ‘નદવતુલ ઉલેમા’ના પ્રબંધક તરીકેની સેવા આપવાની સાથે-સાથે તેમણે 1895માં ‘અંજુમને આલે હાશિમ’ નામનું મંડળ સ્થાપ્યું હતું. તેમનાં પ્રથમ લગ્ન 1891માં થયાં હતાં, જેનાથી સૈયદ અબ્દુલ અલીનો જન્મ થયો. 1900માં પ્રથમ પત્ની અવસાન પામતાં તેમનાં બીજાં લગ્ન 1904માં ખૈરુન્નિસા (અ. 1968) નામનાં એક વિદ્યાપ્રેમી અને ઉચ્ચ કુટુંબનાં ખાતુન સાથે થયાં હતાં. ખૈરુન્નિસા પવિત્ર કુરાનનાં હાફિઝ તથા ઉર્દૂ ભાષાનાં કવયિત્રી પણ હતાં. તેમના બે કાવ્યસંગ્રહો ‘બાબે રેહમત’ તથા ‘કલીદેબાબે રેહમત’ અને બે સામાજિક કૃતિઓ ‘ઝાઇકા’ તથા ‘હુસ્ને મઆશિરત’ પ્રકાશિત થઈ ચૂક્યાં છે. બીજાં પત્નીથી એક દીકરો અબુલહસન અલી નદવી અને બે દીકરીઓ થઈ હતી. મૌલાના અબ્દુલ હૈ 1892થી 1923 સુધી ‘નદવતુલ ઉલેમા’ના નાઝિમ (પ્રબંધક) રહ્યા હતા. તેમણે આ સંસ્થા હેઠળની શિક્ષણસંસ્થા–મદરેસા નદવતુલ ઉલેમા–માં સાહિત્ય, કુરાન, હદીસ તથા તબીબી શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. પ્રબંધક તરીકે તેમનું મુખ્ય યોગદાન એ છે કે પરંપરાગત ધાર્મિક શિક્ષણની સાથે સાથે આધુનિક શિક્ષણ પણ દાખલ કર્યું હતું. તેઓ અંગ્રેજી ભાષા તથા આધુનિક વિજ્ઞાનોના શિક્ષણના હિમાયતી હતા. તેમનો વ્યવસાય એક તબીબનો હતો પણ સ્વભાવ એક વિદ્વાન ઇતિહાસકારનો હતો. હિંદુસ્તાનનો સર્વગ્રાહી વિદ્યાકીય ઇતિહાસ તેમણે ભરયુવાનીમાં અરબી ભાષામાં લખવાનો આરંભ કર્યો હતો. લગભગ 20 વર્ષની જહેમતના ફળસ્વરૂપે 8 ગ્રંથોમાં એક અનોખો ઇતિહાસ તૈયાર કરવામાં સફળ રહ્યા હતા. તેનું નામ છે. ‘નઝુરતુલ ખ્વાતિર’. આ પુસ્તક 4,500 વિદ્વાનોનાં જીવનચરિત્ર અને કાર્યોનાં વર્ણન ઉપર આધારિત છે. તે પુસ્તક લેખકના અવસાન બાદ 1932થી ક્રમશ: છપાયું હતું. 1968માં તેનો આઠમો અને છેલ્લો ગ્રંથ છપાયો. આ ગ્રંથ ભારત તથા વિદેશોનાં વિદ્યાકીય વર્તુળોમાં એટલા માટે ખ્યાતિ મેળવી ચૂક્યો છે કે તેમાં છેલ્લા 8 સૈકાઓના ભારતના મુસ્લિમ વિદ્વાનોનો પરિચય કરાવવામાં આવ્યો છે. તે પુસ્તક અરબી ભાષામાં લખાયું હોવાથી અરબ જગતમાં પણ ઘણું આવકાર પામ્યું છે. તેમનું બીજું અરબી પુસ્તક ‘અલ-સકાફત અલ-ઇસ્લામિયાહ ફીલ હિન્દ’ (હિન્દમાં ઇસ્લામી વિદ્યાઓ) છે. તેનું પહેલું પ્રકાશન 1958માં દમાસ્કસ(સીરિયા)માં થયું હતું. તેનો ઉર્દૂ અનુવાદ ‘ઇસ્લામી ઉલૂમ વ ફુનૂન હિન્દુસ્તાનમેં’ નામે થઈ ચૂક્યો છે. તેમનું ત્રીજું અરબી પુસ્તક ‘જન્નત અલ મશારિખ વ મતલઅ અલ-નૂર અલ મુશરિખ’ છે. તેમાં ભારતનાં ભૂગોળ, ઇતિહાસ તથા ભારતની વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું વર્ણન જોવા મળે છે. મૌલાના અબ્દુલ હૈએ ઉર્દૂમાં પણ 2 યાદગાર પુસ્તકો લખ્યાં છે. પ્રથમ પુસ્તક ‘યાદે અય્યામ’ ગુજરાતમાં મુસ્લિમ વિદ્યાઓના ઉદભવ તથા વિકાસ અને તેમાં ગુજરાતી મુસલમાનોના ફાળા ઉપર આધારિત એક નવી ભાત પાડનાર કૃતિ ગણાઈ છે. તેનો ગુજરાતી અનુવાદ પણ ઉપલબ્ધ છે. બીજું ઉર્દૂ પુસ્તક ‘ગુલે ’ ઉર્દૂ કવિઓના જીવન તથા કવન વિશેની આલોચના ઉપર આધારિત છે. ઉપર્યુક્ત કૃતિઓ ઉપરાંત હદીસ, ફિકહ, ઇતિહાસ, તબીબી શાસ્ત્ર, અરબી ભાષાસાહિત્ય, સમાજસુધારણા તથા બાળકોના શિક્ષણ ઉપર ઉર્દૂ તથા અરબી ભાષામાં તેમની બીજી 14 જેટલી નાનીમોટી કૃતિઓ છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી