મૌલાબખ્શ (જ. 1833; અ. 1896) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક તથા રુદ્રવીણા અને સરસ્વતી-વીણાના અગ્રણી વાદક. તેમનો જન્મ દિલ્હી નજીકના એક નાના ગામમાં એક જાગીરદાર વંશમાં થયો હતો. તેમનું મૂળ નામ શોલેખાં હતું. તેમને કસરતનો તથા ગઝલગાયકીનો વિશેષ શોખ હતો. શાસ્ત્રીય સંગીતની તાલીમ પ્રાથમિક તબક્કામાં તેમણે તેમના કાકા ઇમામખાં તથા દાદા અનવરખાં પાસેથી લીધી હતી; પરંતુ તેમણે સાચા અર્થમાં તે જમાનાના વિખ્યાત ગાયક ઘસીટખાં જ્યારે પોતે રિયાઝ કરતા ત્યારે તેમની પાસેથી છૂપી રીતે સંગીતનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને આ રીતે ઘસીટખાંની ખૂબીઓ આત્મસાત્ કરી હતી. ઘસીટખાંને જ્યારે તેની જાણ થઈ ત્યારે તેમણે મૌલાબખ્શને ઔપચારિક રીતે શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા.

મૌલાબખ્શ

ત્યારબાદ મૌલાબખ્શ તાંજોર ગયા. ત્યાં તેમણે કર્ણાટક સંગીતના એક મહાન આચાર્ય પાસેથી તાલીમ મેળવી અને દક્ષિણ ભારતના શાસ્ત્રીય સંગીતની અલાયદી શૈલી પણ આત્મસાત્ કરી. સાથોસાથ વીણાવાદન પણ શીખ્યા; એટલું જ નહિ, પરંતુ મૈસૂરના રાજા કૃષ્ણરાજના દરબારમાં આયોજિત સંગીત-સ્પર્ધામાં તેમણે વિજય પણ મેળવ્યો. ત્યારબાદ તેઓ વડોદરા રિયાસતના નરેશના આમંત્રણને માન આપી ત્યાં ગયા, જ્યાં તેમની તે રિયાસતના દરબારી ગાયક તરીકે નિમણૂક થઈ. મૌલાબખ્શ રિયાસતના રાજવીને શોભે તેવો પોશાક પહેરતા, જે તત્કાલીન વડોદરાનરેશ ખંડેરાવને રુચતું નહોતું. આ બાબતે બંને વચ્ચે શાબ્દિક વિવાદ પણ થતો હતો. મૌલાબખ્શનું ગુમાન ઉતારવાના હેતુથી નરેશે પોતાના દરબારમાં શાસ્ત્રીય સંગીતની સ્પર્ધા યોજી, જેમાં વડોદરાનરેશના આમંત્રણથી તત્કાલીન મહાન સંગીતકારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પણ મૌલાબખ્શ વિજયી નીવડ્યા હતા.

વડોદરા ખાતે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ આપતી સંસ્થાની સ્થાપના પણ મૌલાબખ્શના પ્રયત્નોનું જ પરિણામ ગણાય. તેમણે આ સંસ્થાના પ્રથમ આચાર્યપદે પણ કામ કર્યું હતું. ભારતભરમાં શાસ્ત્રીય સંગીતનું રીતસરનું શિક્ષણ આપતી આ પ્રથમ સંસ્થા ગણાય છે. મૌલાબખ્શે પોતે વિકસાવેલી વિશિષ્ટ પ્રકારની ભારતીય સંગીત-પ્રણાલીને આ સંસ્થાના અભ્યાસક્રમમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું. તેમણે એક સ્વતંત્ર સ્વરાંકન પદ્ધતિ પણ વિકસાવી હતી.

મૌલાબખ્શ અને તેમના પૌત્ર ઇનાયતખાનની અગ્રણી સૂફી ગાયક તરીકેની ખ્યાતિ માત્ર ભારતમાં જ નહિ, પરંતુ એનાથીય વધુ યુરોપના દેશોમાં પ્રસરી હતી; કારણ કે ઇનાયતખાંએ 1910ના અરસામાં યુરોપના કેટલાક દેશોમાં ભારતીય સંગીતપ્રણાલીનો પ્રસાર કર્યો હતો. મૌલાબખ્શે ઉર્દૂ, ફારસી તથા ગુજરાતીમાં ગાયેલાં ગીતોની કૉમ્પૅક્ટ ડિસ્ક યુરોપના કેટલાક દેશોમાં પ્રાપ્ત છે.

વડોદરા ખાતે મૌલાબખ્શના પ્રયત્નોથી સ્થાપવામાં આવેલી સંગીતનું શિક્ષણ આપતી સંસ્થા હવે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને તે કૉલેજ ઑવ્ ઇન્ડિયન મ્યૂઝિક, ડાન્સ ઍન્ડ ડ્રામાની વિદ્યાશાખાનો ભાગ ગણાય છે.

‘મૌલાબખ્શ હાઉસ’ નામથી ઓળખાતી તેમની હવેલી હવે જર્જરિત હાલતમાં વડોદરા શહેરમાં છે.

તેમના બહોળા શિષ્યવર્ગમાં ગણપતરાવ બર્વેનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. 1875માં ભારતના તત્કાલીન ગવર્નર જનરલ લૉર્ડ નૉર્થબ્રુકે મૌલાબખ્શને ‘ભારતીય સંગીતના પ્રોફેસર’ની ઉપાધિથી સન્માન્યા હતા.

બટુક દીવાનજી

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી