મૌલાના ઇલ્યાસ કાંધલવી

March, 2002

મૌલાના ઇલ્યાસ કાંધલવી (જ. 1885; અ. 1944) : વિશ્વવિખ્યાત તબલીઘી જમાતના સ્થાપક અને ભારતના પ્રતિષ્ઠિત મુસ્લિમ વિદ્વાન. તેઓ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એવા કુટુંબ સાથે સંબંધ ધરાવતા હતા, જેણે દિલ્હીની સલ્તનત તથા મુઘલ શાસન દરમિયાન ધાર્મિક શિક્ષણ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં નામના મેળવી હતી. મૌલાના ઇલ્યાસના પિતા મૌલાના મુહમ્મદ ઇસ્માઈલ. મુઝફ્ફરનગર જિલ્લાના કાંધલા નામના ગામના રહેવાસી હતા. તેમણે દિલ્હીમાં બસ્તી નિઝામુદ્દીનમાં બંગલેવાલી મસ્જિદમાં એક ધાર્મિક શિક્ષણસંસ્થા–મદરેસા–નો પાયો નાંખ્યો હતો. મૌલાના ઇલ્યાસે તેમના મોટા ભાઈ મૌલાના મુહમ્મદ યહ્યા તથા અન્ય મુસ્લિમ વિદ્વાનો પાસેથી ધાર્મિક તથા આધ્યાત્મિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને પિતાના અવસાન પછી બસ્તી નિઝામુદ્દીનના મદરેસામાં પોતાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કેન્દ્રિત કરી હતી. તેઓ મેવાતના અભણ, અસંસ્કારી અને પછાત મુસ્લિમોની સ્થિતિ જોઈને ઘણા વ્યથિત થતા હતા. તેમણે શરૂઆતમાં દિલ્હીથી બહાર નીકળીને મેવાતીઓના વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણની સંસ્થાઓ શરૂ કરી; જેમાં નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવતું હતું. આનું સંતોષજનક પરિણામ નહિ દેખાતાં, મૌલવી ઇલ્યાસે લગભગ 1934માં તબલીઘી જમાતનું કામ શરૂ કર્યું. તેમની અને તેમણે સ્થાપેલી તબલીઘી જમાતની વિચારસરણી એવી છે કે માનવીના હૃદયમાં (1) ઈશ્વર પ્રત્યેની સાચી શ્રદ્ધા (ઈમાન) હોવી જોઈએ, (2) એવી ખાતરી હોવી જોઈએ કે જે ધર્મનું અનુકરણ કરું છું તેમાં જ બંને લોકની સાચી સફળતા રહેલી છે. (3) આવી શ્રદ્ધા તથા ધર્મના અનુસરણની ભાવના માત્ર વિદ્યા કે જ્ઞાન પ્રાપ્ત કરવાથી ઉત્પન્ન થઈ શકતી નથી. (4) તેના માટે માનવીએ પોતાનાં તન, મન અને ધનનું સમર્પણ કરવું પડે છે. આ વિચારસરણી હેઠળ મૌલાના ઇલ્યાસે એવું નક્કી કર્યું કે મુસલમાનોના દરેક વર્ગમાંથી 10 કે 15 માણસોની જમાત (સંઘ) તૈયાર થાય; તે 40 દિવસ (એક ચિલ્લો) અથવા 120 દિવસ (ત્રણ ચિલ્લા) માટે પોતાનું ઘર, ગામ અને કામધંધો છોડીને બીજા ગામમાં જાય અને ધર્મનું શિક્ષણ મેળવે તથા મુસલમાનોમાં ધર્મનો પ્રચાર કરે. મૌલાના ઇલ્યાસે દાવત તથા તબલીઘના કામ માટે 6 મુદ્દાનો કાર્યક્રમ અપનાવ્યો : (1) પોતાના ઈમાન(શ્રદ્ધા)ને પાકું કરવું. (2) પોતાની નમાજ(પ્રાર્થના)ને પાકી બનાવવી. (3) આવશ્યક શિક્ષણ મેળવવું તથા ઈશ્વરના સ્મરણ (ઝિક્ર) દ્વારા તેનું ધ્યાન પ્રાપ્ત કરવું. (4) માનવી માત્રનો હક અદા કરવો. (5) દરેક કાર્યમાં ઈશ્વરને રાજી કરવાની નિયત કરવી અને દંભથી બચવું. (6) આ બધું પ્રાપ્ત કરવા માટે સમય કાઢવો.

તબલીઘી જમાતની પ્રવૃત્તિઓ માટે મૌલાના ઇલ્યાસે પોતાની આખી જિંદગી અને જિંદગીભરની કમાણી ખર્ચી નાખી હતી. તેઓ સ્વખર્ચે મુસાફરીઓ કરતા અને જ્યાં જતા ત્યાં રહેવા તથા જમવાનો ખર્ચ પોતે ઉપાડતા હતા. આ રીતે તેમણે નિયમ બનાવ્યો કે જમાતમાં જનાર પોતાની મુસાફરી તથા જમવાનું ખર્ચ પોતે ઉપાડે. આમ કરવાથી સાચી ધગશ ધરાવનાર નિખાલસ માણસો જ જમાતોમાં આવતા થયા. મૌલાનાએ પોતાની પ્રવૃત્તિમાં તમામ કક્ષાના માણસોને જોડ્યા હતા અને આ પ્રવૃત્તિને સંપૂર્ણપણે રાજકારણથી દૂર રાખી હતી. આનું સુખદ પરિણામ એ આવ્યું કે તબલીઘી જમાતનું કામ પહેલાં દેશભરમાં અને થોડાંક વર્ષો પછી વિદેશોમાં પણ શરૂ થઈ ગયું. તબલીઘી જમાતની પ્રવૃત્તિઓથી એક તરફ મુસ્લિમોમાં સાચી ધર્મપરાયણતાની ભાવના ફેલાઈ અને બીજી તરફ તેઓને સામ્યવાદ, ફાસીવાદ, મૂડીવાદ, અંતિમવાદ તથા ધાર્મિક કટ્ટરવાદ જેવાં દૂષણોથી દૂર રાખી શકાયા.

મૌલાના ઇલ્યાસની ગણના, વીસમા સૈકાના મહાન મુસ્લિમ સુધારકોમાં થાય છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી