મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રૉફી

March, 2002

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રૉફી : રમતગમતની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટ્રૉફી. ભારતમાં આવેલી બધી યુનિવર્સિટીઓમાં રમતગમતક્ષેત્રે જે યુનિવર્સિટી શ્રેષ્ઠ દેખાવ કરે છે તેને આ ટ્રૉફી રાષ્ટ્રપતિના હસ્તે દર વર્ષે આપવામાં આવે છે. આ ટ્રૉફી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ખેલાડીઓ સાથે સંબંધિત હોવાથી એનું નામ ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ સાથે જોડવામાં આવ્યું છે. આ ટ્રૉફી પ્રાપ્ત કરવા માટે ભારતની દરેક યુનિવર્સિટીના ખેલાડીઓ આંતર-યુનિવર્સિટી સ્તરે યોજાતી વિવિધ રમતગમતની હરીફાઈઓમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાની કોશિશ કરે છે. આ ટ્રૉફીનો મુખ્ય ઉદ્દેશ યુનિવર્સિટી સ્તરના ખેલાડીઓને રમતગમતમાં રસ લેતા કરવા તેમજ શ્રેષ્ઠ દેખાવ માટે પ્રેરણા આપવાનો છે. વિવિધ રમતોમાં યુનિવર્સિટીના ખેલાડીઓ ખૂબ જ સારો દેખાવ કરીને આ ટ્રૉફી પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરે છે. અત્યાર સુધી ગુરુ નાનકદેવ યુનિવર્સિટી આ ટ્રૉફી પ્રાપ્ત કરવામાં બીજા કરતાં આગળ રહી છે.

આ ટ્રૉફીની જાહેરાત દર વર્ષે અર્જુન ઍવૉર્ડ તથા દ્રોણાચાર્ય ઍવૉર્ડની સાથે ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. આ ઍવૉર્ડ પેટે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રૉફી તથા 1 લાખ રૂપિયા રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. વર્ષ 1998–99માં રમતગમત-ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા બદલ આ ટ્રૉફી તથા રકમ રાષ્ટ્રપતિના હસ્તે ગુરુ નાનકદેવ યુનિવર્સિટીને નવી દિલ્હી મુકામે એનાયત કરવામાં આવી હતી.

આ રીતે દેશને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ વિવિધ રમતોમાં મળી રહે તે માટે આ ટ્રૉફી પ્રેરણા પૂરી પાડે છે. રાષ્ટ્રપતિ દ્વારા અર્જુન ઍવૉર્ડ, દ્રોણાચાર્ય ઍવૉર્ડ તથા રાજીવ ગાંધી ખેલરત્ન ટ્રૉફી તથા ઇનામના વિતરણની સાથોસાથ આ ટ્રૉફી પણ એનાયત કરવામાં આવે છે.

પ્રભુ દયાલ શર્મા